Dakshin Gujarat

દમણમાં ડાભેલની ઔદ્યોગિક વિસ્તારની થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ

દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં (Industrial Area) થર્મોકોલ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ (Fire) લાગી હતી. ઘટનાને પગલે દમણ, વાપી, સરીગામ અને સેલવાસ સહીતની 12 ફાયર ફાયટરોની ટીમે સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. જો કે, આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું આગની ચપેટમાં આવી જતા મોત નિપજવા પામ્યું હતું.શુક્રવારે બપોરે દમણના ડાભેલ આંટીયાવાડ સ્થિત મહાત્મા ગાંધી ઉદ્યોગ નગરના જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થર્મોકોલ સીટ અને બોક્સ બનાવતી કંપની શ્રીગણેશ પેકેજિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાય હતી.

થર્મોકોલ ભરેલી આખી કંપની આગની ચપેટમાં આવી
નાની સરખી લાગેલી આગે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં થર્મોકોલ ભરેલી આખી કંપની આગની ચપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દ્રશ્યમાન થયા હતા. આગ લાગવાની જાણ કંપનીમાં કામ કરતા કામદારો તથા સંચાલકોને માલમ પડતા તમામ કામદારો કંપનીમાંથી બહાર નીકળી જવા પામ્યા હતા.દમણ ફાયર વિભાગને જાણ કરી હતી. જેને લઈ દમણ સોમનાથ ફાયર વિભાગની 4 ફાયર ફાઈટરની ટીમ આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ તરફ ભીષણ આગને પગલે રસ્તા પરથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો પણ પોતાના મોબાઈલ કેમેરામાં આગના દ્રશ્યોનું રેકોર્ડિંગ કરતા નજરે પડ્યા હતા.

આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી
ભીષણ આગ કાબૂમાં નહીં આવતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યા બાદ વાપી નગરપાલિકા, નોટીફાઈડ, સરીગામ તથા સેલવાસ ફાયરની મદદ લેવામાં આવતા 12 ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે ધસી કંપનીના ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અંતે 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

ઘટનામાં કંપનીના કામદારનું આગમાં ફસાઈ જતાં મોત
શ્રી ગણેશ પેકેજિંગ કંપનીમાં આગની ઘટના સર્જાય ત્યારે કામદારો વચ્ચે અફરા તફરીનો માહોલ સર્જાતા દોડભાગ મચી હતી. અને તમામ કામદારો જીવ બચાવવા કંપની બહાર ભાગ્યા હતા. જે બાદ આખી કંપની આગની ચપેટમાં આવી જવા પામી હતી. ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવ્યા બાદ અન્ય કામદારોએ એક કામદાર મિસિંગ હોવાનું કહેતા ફાયર વિભાગે તેની શોધખોળ આદરી હતી. આ તરફ ગુમ થયેલા કામદારની રૂમ પર જઈ તપાસ કરતા તે કંપનીમાં કામ પર ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં ફાયર ફાઇટરની ટીમે કંપનીના માળ પર સતત તપાસ કાર્ય કરતા થર્મોકોલ બનાવવાના મશીનના એક સ્ટ્રક્ચર નીચે કામદાર બળેલી હાલતમાં મૃત અવસ્થામાં દબાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top