વલસાડ : ગુરુવારે વિધાનસભાની ચૂંટણીઓની (Election) તારીખ જાહેર થઈ છે, તો બીજી તરફ કપરાડા તાલુકાના નાનાપોઢાં ખાતે 6 નવેમ્બરે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. અત્યંત ટૂંકા ગાળામાં જાહેર સભાનું આયોજન થયું હોવાથી તંત્ર અને પોલીસ (Police) સહિત સુરક્ષા એજન્સીઓ પણ નાનાપોંઢા પહોચી છે.
ભાજપના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ પણ સતત બેઠકોનો દોર શરૂ કર્યો છે. ગુરુવારે રેન્જ આઇજી જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ એ નાનાપોંઢા પહોંચી સભા સ્થળ અને હેલિપેડ સ્થળ ની મુલાકાત લઈ નિરીક્ષણ કરી દિશા નિર્દેશ આપ્યા હતાં. ભારતીય જનતા પાર્ટી કપરાડા દ્વારા કપરાડા ભાજપ કાર્યાલય ખાતે એક બેઠકનું પણ આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન કાર્યક્રમ અગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત બાદ નાનાપોંઢા ખાતે વડાપ્રધાનની પ્રથમ સભા હોવાથી સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મહિનાઓથી બિસ્માર માર્ગો નહી બનતા હતા તે રિપેર થઈ રહ્યા છે. સફાઈ અભિયાન, ડીવાઈડર ને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે.