સુરત: ફી (Fees) રિફંડના (Refund) નિયમોનું પાલન નહીં કરશે તો પછી યુનિવર્સિટી કોલેજનું જોડાણ રદ કરશે તેવી ચીમકી યુજીસીએ આપી છે. એટલું જ નહીં, રાજ્ય અને કેન્દ્ર સરકાર કોલેજની ગ્રાન્ટ (Grant) પણ અટકાવી દેશે તેમજ કોલેજ સામે કાયદાયકીય કાર્યવાહી પણ કરાશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સેક્રેટરી પ્રોફેસર રજનીશ જૈને બુધવારે રાજ્ય શિક્ષણ વિભાગની સાથે યુનિવર્સિટીઓના કુલપતિઓને તથા કોલેજોના પ્રિન્સિપાલોને રિફંડના નિયમોનું પાલન કરાવવા માટે પત્ર લખ્યો છે.
પત્રમાં જણાવ્યું છે કે કોલેજ ટ્રાન્સફર કે પછી કોલેજમાં પ્રવેશ રદ કરવાતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ ફી રિફંડ કરવાની રહેશે. આ નિયમ ક્લિયરકટ છે. છતાં કેટલીક કોલેજો ફી રિફંડ કરતી નથી. જે મામલે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ મળી રહી છે. જેથી ફી રિફંડના નિયમોનું પાલન થવું જરૂરી છે. હાલના શૈક્ષણિક વર્ષ 2022-23ને લઇને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ફી રિફંડ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અનુસાર વિદ્યાર્થીઓ અગામી 31 ડિસેમ્બર, 2022 સુધી ફી રિફંડ માટે એપ્લિકેશન કરી શકશે.
વિદ્યાર્થી 31 ઓક્ટોબર, 2022 સુધીમાં ફી રિફંડ માટે એપ્લિકેશન કરે તો તેને સંપૂર્ણ એટલે કે 100% ફી રિફંડ કરવાની રહેશે. જ્યારે 31 ડિસેમ્બર, 2022 સુધીમાં એપ્લિકેશન કરે છે તો તેને એક હજાર રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ કાપ્યા બાદની સંપૂર્ણ ફી રિફંડ કરવાની રહેશે. તેવામાં જ કોઇ કોલેજ વિદ્યાર્થીઓને ફી રિફંડ કરવામાં આનાકાની કરતી હોય તો યુનિવર્સિટીએ તેનું જોડાણ રદ કરી દેવાનું રહેશે.
ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારને કોલેજની ગ્રાન્ટ અટકાવી દેવા માટે પત્ર લખવાની સાથે કોલેજ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવાની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેના ધસારામાં, વિદ્યાર્થીઓ જે પણ સંસ્થામાં પ્રવેશ મેળવે છે, ત્યાં તેમની બેઠકો અનામત રાખે છે. જોકે, તેને પોતાની પસંદગીની અન્ય કોલેજમાં એડમિશન લેવાની તક મળતાં જ તે તેમાં એડમિશન લઈ લે છે. જેના કારણે તે સંસ્થાઓમાં તેમની ફી અટકી જાય છે. જેમને પાછા ફરવામાં તકલીફ પડે છે. ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આ સમસ્યા ભાગ્યે જ જોવા મળે છે.