બીલીમોરા : બીલીમોરા થી વઘઈ (Vaghai) સુધીની 111 વર્ષથી અવિરત દોડતી નેરોગેજ રેલ્વે લાઈનને સિંગલ લાઈન (Single line) બ્રોડગેજમાં પરિવર્તન કરી ગિરિમથક સાપુતારા (Saputara) સુધી લઈ જવા માટેની કામગીરીના ભાગરૂપે સોઈલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા હવે સાપુતારા સુધીની ટ્રેનની (Train) રોમાંચક સફર આગામી વર્ષોમાં માણવા મળશે.111 વર્ષ પહેલા અંગ્રેજોએ આહવા ડાંગથી ઈમારતી લાકડા લાવવા માટે બીલીમોરા થી વઘઈ સુધીની નેરોગેજ રેલ્વે લાઈન નું નિર્માણ કર્યું હતું. જેથી આસાનીથી આહવા ના જંગલોમાંથી ઈમારતથી લાકડું બીલીમોરા સુધી લાવી તેને અહીંના બંદરથી વહાણ દ્વારા દેશ-વિદેશમાં તેની નિકાસ કરી શકાય. જે નેરોગેજ રેલ્વે લાઈનમાં લાવવામાં આવતું હતું, જેમાં ધીમે ધીમે સુધારાઓ કરીને આદિવાસી પટ્ટીઓ ના ગામો ના લોકો ના લાભાર્થે આ નેરોગેજ ટ્રેન દ્વારા બીલીમોરા શહેર સુધી આવી કામ ધંધો રોજગારી મેળવવા આ ટ્રેન ખૂબ ઉપયોગી સાબિત થઇ હતી.
નેરોગેજ ટ્રેકનું પરિવર્તન કરીને સિંગલ લાઈન બ્રોડગેજમાં રૂપાંતર
રેલ્વે દ્વારા નેરોગેજ ટ્રેનને કોરોના કાળ પછી જ્યારે ફરી નવા રૂપ રંગમાં શરૂ કરવામાં આવી ત્યારે વઘઈ અને બીલીમોરા ના 65 કિલોમીટરની આ કુદરતી પ્રકૃતિ, જંગલો ને ઝરણાઓ ખૂદતી આ રેલવે સફરનો લોકો મોટા પ્રમાણમાં લાભ લે તે માટે તેમાં વિસ્ટા ડોમ એસી કોચ લગાડવાથી વઘઈ સુધીની આ ટ્રેનની સફર કરવાનું અનેરૂ આકર્ષણ લોકોમાં જોવા મળ્યો હતો.હવે રેલ્વે દ્વારા નેરોગેજ ટ્રેકનું પરિવર્તન કરીને સિંગલ લાઈન બ્રોડગેજમાં રૂપાંતર કરીને તેને સાપુતારા સુધી લંબાવવાની રેલવેની યોજના હોવાનું જાણવા મળે છે. જેના ભાગરૂપે ગણદેવી કસ્બાવાડી રેલવે ફાટક પાસે અને અનાવલ શુકલેશ્વરખાતે સોઇલ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે વર્ષો અગાઉ પણ આ નેરોગેજ લાઈનનું બ્રોડગેજમાં પરિવર્તન કરવાની કામગીરીનું સર્વે થયું હતું ત્યારે કહે છે કે 500 કરોડની બજેટમાં ફાળવણી પણ કરી હતી પણ કોઈક કારણે તે કામગીરી આગળ વધી નહીં. હવે ફરી પાછી આ કામગીરી આગળ વધી રહ્યા નું જોવા મળે છે. રેલવેનું લક્ષ સિંગલ લાઈન બ્રોડગેજ બનાવીને તેને ગિરિમથક સાપુતારા સુધી હાલ પૂરતું લઈ જવાની યોજના છે.
રેલવે પાસે આ ત્રણ વિકલ્પ છે
– વઘઈ સુધીની લાઈનને સાપુતારા સુધી લંબાવવી.
– વલસાડ ધરમપુર થી સાપુતારા સુધી લાઇન નાંખવી
– બારડોલી થી ઉનાઈ થઈ સાપુતારા સુધી ટ્રેક નાંખવો
જોકે આ યોજના ખૂબ મોટી અને તેનું કાર્ય ભગીરથ છે, જે માટે રેલવે પાસે નેરોગેજ લાઈનની બાજુમાં તેમની પોતાની જમીનમાં એક તરફ આ બ્રોડગેજનું કામ કરાશે અને તે જ્યાં સુધી પૂરું નહીં થશે ત્યાં સુધી બીલીમોરા થી વઘઈ દોડતી નેરોગેજ રેલવેની સુવિધા ચાલુજ રહેશે. એક જાણકારી મુજબ અમદાવાદ થી ઉદયપુર દોડતી મીટરગેજના સ્થાને ત્યાં પણ સિંગલ લાઈન બ્રોડગેજ બનાવાઇ છે પણ તે બ્રોડગેજનું કામ જ્યાં સુધી સંપૂર્ણ થયું નહિ ત્યાં સુધી અમદાવાદ ઉદયપુર ની મીટરગેજ સેવા રેલવેએ ચાલુજ રાખી હતી, તેવી જ રીતે અહીં પણ રેલવેની યોજના છે એક તરફ કામ સંપૂર્ણપણે પૂરું થઈ જશે ત્યારે નેરોગેજ ના સ્થાને પ્રથમ બીલીમોરા થી વઘઈ સુધી બ્રોડગેજ સેવા ઉપલબ્ધ થશે જે પછી બીજા ચરણમાં તેને સંભવત ગીરીમથક સાપુતારા સુધી લંબાવવા માં આવશે જેવા ઉજળા સંકેતો પ્રાપ્ત થતા વિભાગમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.