Dakshin Gujarat

પલસાણા ચાર રસ્તા ખાતે આઇડીબીઆઇ બેંકનું એટીએમ તોડી 17.68 લાખની ચોરી

સુરત : સુરત જિલ્લાના પલસાણા (Palsana) ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ સિદ્ધિ કોમ્પલેક્સમાં રાત્રિના 2.28 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં આવેલા તસ્કરોએ માત્ર પાંચ થી સાત મિનિટમાં ગૅસ કટરથી (Gas Cutter) IDBI બેન્કનું ATM મશીન (ATM Machine) કાપી અંદરથી 17.70 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે.દિવાળીના તહેવારો બાદ હજી રજાનો માહોલ પૂર્ણ થયો નથી. ત્યાં તો તસ્કરોએ પલસાણા ચાર રસ્તા હાઇવે ના સર્વિસ રોડ ઉપર આવેલ સિદ્ધિ કોમ્પલેક્સમાં કાર્યરત IDBI (IDBI Bank) બેન્કના ATM મશીનને નિશાન બનાવ્યું છે. તસ્કરો ગૅસ કટરથી મશીન કાપી પ્લેટ માં મુકેલ અંદરથી 17.68 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

ATMમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા પર કેસરીનંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલા સિદ્ધિ કોમ્પલેક્સમાં પહેલા માળે IDBI બેન્કની શાખા આવેલી છે અને નીચે જ ATM મશીન આવેલું છે.આ ATM મશીનમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી. બુધવારે મળસ્કે સવા બે વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં ચારથી પાંચ તસ્કરો આવ્યા હતા અને જેમાંથી બે વ્યક્તિ ગૅસ કટર મશીન લઈને IDBI બેન્કના એટીએમમાં પ્રવેશ્યા હતા અને 5 થી 7 મિનીટમાં ATM મશીન ગૅસ કટર વડે કાપી મશીનની પ્લેટ માં મુકેલા રોકડા રૂપિયા 17.68લાખ રૂપિયા રોકડા ચોરી કરી નાસી છૂટ્યા હતાં. આ ઘટના અંગે બેંકના કર્મચારીની ફરિયાદ લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગેસ કટર પણ બીલીમોરાથી ચોર્યા હોવાની શંકા
પલસાણા ચાર રસ્તા પાસે આવેલા IDBI બેન્કના ATM મશીનમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ગૅસ કટરનો ઉપયોગ કર્યો હતો. તેમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે લાવેલ એક કોમર્શિયલ ગૅસ સિલિન્ડર સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. આ ગૅસ સિલિન્ડર બિલ્લીમોરા વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

પોલીસની વારંવાર નોટિસ છતાં બેંકો સિક્યુરિટીની વ્યવસ્થા કરતી નથી
પોલીસની વારંવારની લેખિત નોટિસ અને મિટિંગ કરી બેન્ક મેનેજરોને જાણ કરવામાં આવી હોવા છતાં ATM મશીન અને બેન્કોની સિક્યુરિટી માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેને લઈ આ પ્રકરાની ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ બેન્ક ઉપર રાખવામાં આવેલા ગાર્ડને છેલ્લા દોઢ મહિનાથી ખસેડી લેવામાં આવ્યો છે. પરિણામે ચાર રસ્તા પર ભરચક વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ચોરીની ઘટના બની હતી.

Most Popular

To Top