ઘેજ: ચીખલી તાલુકાના નોગામા ગામે કુવામાંથી સુરતના (Surat) યુવાનની લાશ (Deadbody) રહસ્યમય સ્થિતિમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. દિવાળીની (Diwali) રજામાં નોગામા ગામે આંબાવાડીમાં મિત્રો સાથે મિજબાની વખતે ફોન (Call) પર વાત કરતા કરતા નીકળી ગયા બાદ જીનેશ જરીવાલા ગુમ થઇ ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ જીનેશ નિતેશભાઇ જરીવાલા (ઉ.વ. 31, ભટાર રોડ અલથાણ સુરત) દિવાળીની રજાઓ દરમ્યાન મિત્રો સાથે નોગામા ધોડિયાવાડમાં આવેલ જીગ્નેશ નમલાભાઇની આંબાવાડીમાં ચીકનની મિજબાની માણ્યા બાદ મિત્રો સાથે ગપસપ કરી રહ્યો હતો તે દરમ્યાન કોઇકનો ફોન આવતા વાત કરતા કરતા તે ગાયબ થઇ હતો. ઘણો સમય વીતવા છતાં જીનેશ જરીવાલા પરત ન આવતા મિત્રોએ આજુબાજુમાં શોધખોળ ચાલુ કરી મોબાઇલ ફોન પર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ફોન પણ સ્વીચ ઓફ આવતા આ દરમ્યાન આંબાવાડીમાં આવેલ કૂવામાં જીનેશની લાશ જોવા મળતા આ અંગેની ફરિયાદ સુરેશ સરજેરાવ જગતાપે (ઉ.વ. 30 રહે. પ્લોટ નં. 93 પહેલો માળ ગોપાલ નગર ઉધના સુરત) આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
નોગામા ગામે કૂવામાંથી સુરતના યુવાન જીનેશની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવતા પોલીસે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસની તપાસ બાદ જ હકીકત બહાર આવશે.
ગાંધી ફાટકથી વેડછા સ્ટેશન વચ્ચે છાપરા ગામના યુવાને ટ્રેન સામે પડતું મુક્યું
નવસારી : ગાંધી ફાટકથી વેડછા સ્ટેશન વચ્ચે છાપરા ગામના યુવાને ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના છાપરા ગામે અરડી ફળીયામાં પ્રવિણભાઈ રમણભાઈ રાઠોડ (ઉ.વ. 32) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 30મીએ પ્રવિણભાઈએ ગાંધી ફાટક સ્ટેશનથી વેડછા રેલ્વે સ્ટેશનની વચ્ચે કોઈ અગમ્ય કારણસર અજાણી ટ્રેન સામે આવી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ મુન્નાભાઈએ વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. રાકેશભાઈને સોંપી છે.