Dakshin Gujarat

બીલીમોરાના તલોધ આવેલા બે માસિયાઇભાઇના અંબિકા નદીમાં ડૂબી જતા મોત

બીલીમોરા : નવા વર્ષની ઉજવણી કરવા મુંબઈથી (Mumbai) તલોધ ગામે આવેલા બે માસિયાઈ ભાઈઓ અંબિકા નદીમાં (Ambaki River) નાહવા જતા ડૂબી જવાથી બંનેના કરુણ મોત (Death) નીપજ્યા હતા. દિવાળીની ઉજવણી નો માહોલ ગમગીની માં ફેરવાઈ જતા બંને પરિવારો સહિત તલોધ ગામમાં શોખ વ્યાપી જવા પામ્યો હતો.બીલીમોરા નજીક તલોધ ગામની ગજાનંદ સોસાયટીમાં દિવાળીની ઉજવણી કરવા મુંબઈથી આવેલા બે બહેનોના પરિવાર માટે નવું વર્ષ અપશુકનિયાળ સાબિત થયું હતું. તલોધના અરવિંદભાઈ છગનભાઈ પટેલની મુંબઈ પરણેલી પુત્રી ધનલક્ષ્મીબેન ના મનોજ માંડલ સાથે લગ્ન થયા હતા જેમાં તેઓને 14 વર્ષનો પુત્ર મિતેશ અને એક પુત્રી છે,જ્યારે બીજી પુત્રી જેના નામની ખબર નથી તેના લગ્ન જોહન મહેબુબ શેખ સાથે થયા હતા.

નવા વર્ષના દિવસે મેળો જોવા નીકળ્યા હતા
જેને બે પુત્રો પૈકી જીયાંન શેખ ઉંમર વર્ષ 13 પોતાના તલોધ રહેતા નાના અરવિંદ છગનભાઈ પટેલ ને ત્યાં દિવાળીની રજા માણવા આવ્યા હતા, પણ નવા વર્ષનો દિવસ આ પરિવારો માટે ભારે સાબિત થયો હતો. 13 વર્ષનો જીયાન શેખ અને તેનો 14 વર્ષનો માસીયાઈ ભાઈ મિતેશ મંડળ તલોધ થી બપોરે જમી ને નવા વર્ષના દિવસે મેળો જોવા નીકળ્યા હતા અને ત્યારબાદ નજીકની અંબિકા નદી રેલ્વે પુલ પાસે નાહવા ગયા હતા, પણ કમનસીબે બંને માસૂમોનું ડૂબી જતા કરુંણ મોત નીપજ્યું હતું.મોડી સાંજ સુધી બંને પુત્રો ઘરે નહીં આવતા શોધખોળ કરતા કોઈકે જણાવ્યું કે બંને છોકરાઓ નદીમાં નાહવા જવાનું કહેતા હતા જેથી ચિંતાતુર પરિવારે ગામો લોકોની મદદથી શોધખોળ આરંભી હતી.

પરિવાર માટે નવું વર્ષ ગોઝારું સાબિત થયું
તેમની સાથે બીલીમોરા ફાયરના જવાનો પણ બુધવારથી લાપતા બનેલા બંને તરુણોની શોધખોળ કરી રહ્યા હતા. જ્યાં બીજે દિવસે ગુરુવારે એક પુત્રનો પાલિકાની ડમ્પિંગ સાઈટ નજીકથી અને બીજા પુત્રનો મૃત્યુદેહ આમલી ફળિયાથી મળી આવ્યો હતો. બંને માસુમના મૃતદેહ જોઈને પરિવાર અને તેઓની માતાઓનું રુદન ભલભલાને રડાવી ગયું હતું. આમ દિવાળીની ઉજવણી કરવા તલોધ ગામે આવેલા પરિવાર માટે નવું વર્ષ ગોઝારું સાબિત થયું હતું. બીલીમોરા પોલીસે અકસ્માત મૌત નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top