નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ (Team India) તેના ટી-20 વર્લ્ડકપ અભિયાનની ધમાકેદાર શરૂઆત કરીને મેલબોર્નમાં રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાનને (Pakistan) 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં એક સમયે ટીમ ઈન્ડિયા 31 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી પરંતુ તે પછી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ 5મી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરીને ટીમને વિજયપથ પર મૂકી હતી. આ મેચમાં હાર્દિકના પ્રદર્શન પછી પાકિસ્તાનના ત્રણ માજી દિગ્ગજ ખેલાડી વસીમ અકરમ, વકાર યુનિસ અને મિસ્બાહ ઉલ હકે એક સૂરે એવું કહ્યું હતું કે રોહિત પછી ભવિષ્યનો ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદનો હાર્દિક મોટો દાવેદાર છે.
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક મેચ ફિનિશ કરી શક્યો નહોતો અને અંગત 40 રન કરીને તે છેલ્લી ઓવરના પહેલા બોલ પર બાબરના હાથે કેચ આઉટ થયો હતો. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં હાર્દિકે તેને શાંત રહેવામાં મદદ કરી હતી. હવે વકાર, અકરમ અને મિસ્બાહે એક સૂરે હાર્દિક પંડ્યાની પ્રશંસા કરીને કહ્યું હતું કે ભવિષ્યમાં તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. આ ત્રણેએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાર્દિક પંડ્યાને જુઓ, તેણે પહેલીવાર આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી હતી અને તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી, તે દર્શાવે છે કે તે દબાણને કેવી રીતે હેન્ડલ કરી શકે છે. ખાસ કરીને ટીમમાં તેની ભૂમિકા ફિનિશરની છે અને જો તમે માનસિક રીતે મજબૂત હોવ તો જ તમે આ ભૂમિકામાં ફિટ થઈ શકો અને પાકિસ્તાન સામેની મેચમાં પણ તે રમતને સારી રીતે સમજતો જણાયો હતો. મિસ્બાહને અટકાવતા વકારે કહ્યું, જો તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે તો મને આશ્ચર્ય થશે નહીં. અકરમે કહ્યું હતું કે પહેલા તે આઇપીએલમાં કેપ્ટન બન્યો, ત્યાં જીત્યો અને હવે ટીમ ઈન્ડિયાની એક ફોર્સ છે. તે કેપ્ટનને સલાહ પણ આપે છે.