જ્યાં દેશને ખાડામાં લઈ ગયા બાદ પણ નેતાઓ રાજીનામા આપવાની વાત તો દૂર પણ મતદારો પણ તેને હટાવી શકતા નથી ત્યાં બ્રિટનના પીએમ લિઝ ટ્રસે માત્ર 45 દિવસમાં જ રાજીનામું આપી દેવું પડ્યું છે. અનેક હરીફોને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. જોકે, લિઝ ટ્રસે વડાપ્રધાન બન્યા બાદ જે પગલાઓ લીધા તેમાં તેમનો રકાસ થઈ ગયો અને બ્રિટનમાં આર્થિક કટોકટી પેદા થઈ ગઈ. લિઝ ટ્રસે દેશમાં ટેક્સ ઘટાડ્યો હતો અને સેન્ટ્રલ બેંસ પાસેથી લોન લીધી. મિનિ બજેટમાં લિઝ ટ્રસે મિડલ ક્લાસને ટેક્સમાં 19 ટકા અને ધનાઢ્યોને 45 ટકા સુધીની છૂટ આપી હતી. આ કારણે બ્રિટનનો વિદેશી મુદ્રા ભંડાર નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ડોલરના મુકાબલે પાઉન્ડ છેલ્લા 50 વર્ષના તળિયે પહોંચી ગયો હતો અને તેને કારણે બ્રિટનમાં લિઝ ટ્રસનો ભારે વિરોધ થતાં આખરે તેમણે રાજીનામું આપી દેવાનું પસંદ કર્યું હતું. બ્રિટનમાં સેન્ટ્રલ બેંકએ દેવાદારી ચૂકવવી પડી રહી છે અને મોંઘવારીમાં હદ બહારનો વધારો થઈ ગયો છે.
જ્યારે લિઝ ટ્રસે આર્થિક સુધારાના આ પગલાઓ જાહેર કર્યા ત્યારે જ બ્રિટનના રાજકીય નિષ્ણાંતોએ કહ્યું હતું કે, આ ભારે પડશે. લિઝ ટ્રસની જેની સાથે સ્પર્ધા હતા તેવી ભારતીય ઋષિ સુનકે તો જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે જ કહ્યું હતું કે, લિઝ ટ્રસના આ નિર્ણયોથી બ્રિટનની ઈકોનોમી તબાહ થઈ જશે. આખરે થયું પણ તેવું જ. લિઝ ટ્રસ પહેલા પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નહોતાં. રાજીનામું આપવા માટે પણ તૈયાર નહોતા પરંતુ આખરે પાર્ટી દ્વારા દબાણ વધારવામાં આવતાં લિઝ ટ્રસે રાજીનામું આપી દીધું. લિઝ ટ્રસે જ્યાં સુધી નવા વડાપ્રધાનની વરણી નહીં થાય ત્યાં સુધી પોતાના પદ પર રહેવું પડશે પરંતુ જે નવા વડાપ્રધાન આવશે તેના માટે આ કપરા ચઢાણ બની રહેશે. કારણ કે લિઝ ટ્રસના નિર્ણયોથી દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મોંઘવારી બેકાબૂ છે અને મોંઘવારીમાંથી રાહત મેળવવા માટે નવા વડાપ્રધાને સખત પગલાં ભરવા પડશે. નવા વડાપ્રધાને બ્રિટનનો વિદેશી મુદ્રા ભંડાર પણ વધારવો પડશે.
લિઝ ટ્રસના નિર્ણયોને કારણે બ્રિટનમાં ફુગાવો ખુબ વધી ગયો હતો. લિઝ ટ્રસ પાસે કરવેરા ઘટાડ્યા બાદ જે ખાધ ઉભી થશે તેને કેવી રીતે પૂરવામાં આવશે તેનો કોઈ જ જવાબ નહોતો. લિઝ ટ્રસે પોતાના પ્રચાર દરમિયાન આપેલા વચનને નિભાવવા માટે કરવેરામાં રાહત જાહેર કરી દીધી હતી. ત્યાં સુધી કે નિષ્ણાંતોની પણ સલાહ લીધી નહીં કે કરવેરા ઘટાડવાથી શું થઈ શકે છે. કરવેરા ઘટવાને કારણે બ્રિટનમાં કટોકટીની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. હાલમાં ભારતમાં જે રીતે રાજકીય પાર્ટીઓ દ્વારા રેવડીઓની જાહેરાતો કરવામાં આવી રહી છે તેવી જ રેવડી લિઝ ટ્રસે બ્રિટનમાં પણ લોકોને આપી હતી. ભારતમાં રેવડી જાહેર કરવામાં આવે તો મત મળે છે તેવી જ રીતે લિઝ ટ્રસને પણ બ્રિટનમાં મત મળ્યાં હતા પરંતુ આખરે લિઝ ટ્રસે પદ છોડવું પડ્યું છે.
કોઈપણ વ્યક્તિને મફતમાં કશું પણ મળતું હોય તો તે લેવા માટે લલચાય છે. આનો સીધો ફાયદો રાજકીય પક્ષો ઉઠાવે છે. આદિ-અનાદિકાળથી આ રેવડી કલ્ચર ચાલતું આવી રહ્યું છે. એક સમયે કોંગ્રેસે ગરીબી હટાવોની રેવડી આપી હતી તો ભાજપે પણ સમયાંતરે અનેક રેવડીઓ જાહેર કરી છે. આપએ રેવડીની જાહેરાત કરીને દિલ્હી અને ત્યારબાદ પંજાબની ગાદી પણ પચાવી પાડી છે. પરંતુ દરેક મતદારોએ એ વાત સમજી લેવાની જરૂરીયાત છે કે જે તે સરકારો મતદારો પાસેથી લીધેલા નાણાં જ મતદારોને પરત આપે છે. માત્ર તેનું મેનેજમેન્ટ કરવાનું તેનું કામ છે. કોઈપણ વસ્તુ ક્યારેય મફત મળતી જ નથી. જે વસ્તુની જેટલી કિંમત હોય તે વસ્તુ મફતમાં આપ્યા બાદ તેની કિંમત ક્યાંકથી તો વસૂલાતી જ હોય છે. બની શકે કે રેવડી જાહેર કરનાર નેતા સારું મેનેજમેન્ટ ધરાવતો હોય તો મતદારોને લાભ થઈ શકે પરંતુ આખરે તે પાઘડીનો વળ છેડે જ આવતો હોય છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષો દ્વારા અનેક રેવડીઓ જાહેર કરવામાં આવશે. પરંતુ પ્રત્યેક મતદારે એ સમજી લેવાની જરૂરીયાત છે કે કઈ રેવડી સ્વીકારવી અને કઈ નહીં સ્વીકારવી. જે દિવસે મતદારો આ સમજી લેશે તે દિવસથી રાજકીય નેતાઓ રેવડી પીરસતા બંધ થઈ જશે. અગાઉ શ્રીલંકા, બાદમાં પાકિસ્તાન અને હવે બ્રિટનથી એ વાત સાબિત થઈ ગઈ છે કે જે તે દેશની પ્રગતિ રેવડીથી નહીં પરંતુ સમજી-વિચારીને
વહીવટ કરવાથી જ થઈ શકશે તે નક્કી છે.