ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)નાં પ્રયાગરાજ(Prayagraj) શહેરના ઝાલવા સ્થિત ગ્લોબલ હોસ્પિટલ(Global Hospital) અને ટ્રોમા સેન્ટરમાં પ્લેટલેટ(Platelet)ની બોટલ ચડાવવામાં આવ્યાના બે દિવસ બાદ દર્દી(Patient)ના મોત(Death)થી ખળભળાટ મચી ગયો હતો. મૃતકના પરિજનોનો આરોપ છે કે પ્લેટલેટના નામે ડોક્ટરોએ મોસંબીનો જ્યુસ(citrus Juice) ચઢાવ્યો હતો. જેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ બાદ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે આ મામલાની નોંધ લીધી હતી અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેના આધારે સીએમઓ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. બીજી તરફ હોસ્પિટલ પ્રશાસને આરોપોને નકારી કાઢ્યા છે. હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે દર્દીને 16 ઓક્ટોબરે જ રેફર કરવામાં આવ્યો હતો. રેફરલના બે દિવસ પછી મૃત્યુ થયું હતું.
પ્રતિ યુનિટ 5 હજાર રૂપિયાના દરે પ્લેટલેટ આપ્યા
બમરૌલીના રહેવાસી પ્રદીપ પાંડેને ડેન્ગ્યુના કારણે 14 ઓક્ટોબરે પીપલ ગામમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. 16 ઓક્ટોબરે પ્લેટલેટ્સ 17 હજાર પર પહોંચતાં ડોક્ટરોએ પાંચ યુનિટની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. મોડી રાત્રે પ્લેટલેટના ત્રણ યુનિટ ચડાવવામાં આવ્યા બાદ દર્દીની હાલત બગડવા લાગી હતી. ત્યારબાદ 17 ઓક્ટોબરની સવારે, દર્દીને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં 19 ઓક્ટોબરના રોજ પ્રદીપનું મૃત્યુ થયું. પ્રદીપના સાળા સોહબતિયાબાગના સૌરભ ત્રિપાઠીએ આ અંગે જ્યોર્જટાઉનમાં ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલના કેટલાક લોકોએ તેને પ્રતિ યુનિટ પાંચ હજાર રૂપિયાના દરે પ્લેટલેટ આપ્યા હતા. તેમજ પ્લેટલેટ્સની થેલી પર SRN હોસ્પિટલનું ટેગ લગાવેલું છે.
પ્લેટલેટ્સને બદલે મોસંબીનું જ્યૂસ ચઢાવવામાં આવ્યું
સૌરભે આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં પ્લેટલેટ્સને બદલે મોસંબીનું જ્યૂસ આપવામાં આવતો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. થોડી જ વારમાં મામલો ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક સુધી પહોંચ્યો. આ પછી ડેપ્યુટી સીએમએ સીએમઓ ડો.નાનક સરનને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. ગુરુવારે હોસ્પિટલને સીલ કરીને સીએમઓએ તપાસ માટે ત્રણ સભ્યોની ટીમ બનાવી છે. બાકીના પ્લેટલેટને તપાસ માટે દવા વિભાગની લેબમાં મોકલવામાં આવ્યા છે.
હોસ્પિટલ સીલ કરાઈ
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, પ્રયાગરાજની ઝાલવા સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીને પ્લેટલેટને બદલે મોસંબીનો જ્યુસ આપતા વાયરલ વીડિયોની નોંધ લેતા, હોસ્પિટલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી છે અને પ્લેટલેટ્સના પેકેટને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પ્લેટલેટ્સના સેમ્પલ તપાસ માટે મોકલાયા
પીડિતનાં પરિવારજને જણાવ્યું હતું કે, મને હોસ્પિટલ પ્રશાસન દ્વારા પ્લેટલેટ્સના આઠ યુનિટ માટે પૂછવામાં આવ્યું હતું. હોસ્પિટલના સંચાલક સૌરભ મિશ્રા અને તેમના પુત્રએ પ્રતિ યુનિટ પાંચ હજાર રૂપિયાના દરે પ્લેટલેટના પાંચ યુનિટ આપ્યા હતા. પ્રદીપની તબિયત બગડતાં તેને રિફર કરવામાં આવ્યો હતો. તો આની સામે ગ્લોબલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનાં ડાયરેક્ટર સૌરભ મિશ્રાએ જણાવ્યું હતું કે, આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. દર્દી પહેલાથી જ હાર્ટ પેશન્ટ હતો. પ્લેટલેટ્સનું ફોર્મ રાની હોસ્પિટલમાંથી મેળવવામાં આવ્યું છે. મારી પાસે ત્યાં કાગળો અને રસીદ છે. રેફરલના બે દિવસ પછી દર્દીનું મૃત્યુ થયું હતું. પ્રયાગરાજનાં ચીફ મેડિકલ ઓફિસર ડો.નાનક સરને જણાવ્યું હતું કે, મામલો ધ્યાને આવ્યા બાદ ડેપ્યુટી સીએમની સૂચના પર હોસ્પિટલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત પ્લેટલેટ્સના સેમ્પલ દવા વિભાગની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.