ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ સમારંભમાં કહ્યું હતું કે ડિફેન્સ એક્સ્પોનું આયોજન નવા ભારતની ભવ્ય તસવીર પ્રદર્શીત કરી રહ્યું છે, ડિફેન્સ એકસ્પોમાં યુવાનોની શક્તિ છે, યુવા સંકલ્પ છે, યુવા સાહસ છે, યુવા સામાર્થ્ય છે તે થકી ગુજરાતનો વિકાસ છે. તેમણે કહ્યું હતું કે ડિફેન્સ એક્સપો-2022માં 1300થી વધારે ભારતીય પ્રદર્શકો અને 100થી વધારે સ્ટાર્ટઅપ્સ –એમ.એસ.એમ.ઈ. ભાગ લઇ રહ્યા છે, 450થી વધુ એમઓયુ અને એગ્રિમેન્ટ પર હસ્તાક્ષરો થશે. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત ડિફેન્સ ઈન્ડસ્ટ્રીનું મોટુ કેન્દ્ર બનશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રદર્શન વિશ્વ માટે આશા પણ છે. આપણા મિત્ર દેશો તરફથી સહયોગ મળી રહ્યો છે. આપણા દેશમાં ડિફેન્સ એકસ્પો પહેલા પણ થતાં આવ્યા છે પરંતુ આ વખતનો ડિફેન્સ એકસ્પો અભૂતપૂર્વ છે. એક નવી શરૂઆતનું પ્રતિક છે. આ દેશનું પહેલું ડિફેન્સ એક્સ્પો છે જેમા માત્ર ભારતની કંપનીઓ જ ભાગ લઇ રહી છે, માત્ર મેડ ઇન ઇન્ડિયાના રક્ષા ઉપકરણો જ અહીં પ્રદર્શીત કરવામાં આવ્યા છે. પહેલી વાર કોઇ ડિફેન્સ એકસ્પોમાં ભારતની માટીમાંથી, ભારતના લોકોના પરસેવાથી બનેલા અનેકવિધ ઉત્પાદનનો સમાવેશ છે.
આજે લોખંડીપુરુષ સરદાર પટેલની ઘરતીથી આપણા દેશના વૈજ્ઞાનિકો,આપણા દેશના યુવાનોની તાકાત આજે દુનિયાની સામે આપણા નવા ભારતની તાકાતનો પરિચય આપશે. ભારત આજે ભવિષ્યના ભારતને આકાર આપી રહ્યું છે ત્યારે ભારતના 53 આફ્રિકન મિત્ર દેશ ખભેથી ખભો મિલાવી આપણી સાથે છે. આ પ્રસંગે ઇન્ડિયા- આફ્રિકા ડિફેન્સ ડાયલોગનો પણ આરંભ થવા જઇ રહ્યો છે. ભારત અને આફ્રિકન દેશો વચ્ચે આ મિત્રતા, સબંઘ જૂના વિશ્વાસ પર નભે છે જે સમય સાથે વધુ મજબૂત થઇ રહ્યાં છે.
ગુજરાતની ધરતી કચ્છથી આફ્રિકા ગયેલા કામદારોએ પહેલી ટ્રેનના નિર્માણ કાર્યોમાં ખૂબ મહેનત કરી આધુનિક રેલ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આફ્રિકામાં આજે દુકાન શબ્દ કોમન છે. આ દુકાન શબ્દ ગુજરાતી છે. મહાત્માગાંધી જેવા વૈશ્વિક નેતા માટે ગુજરાત એમની જન્મ ભૂમિ હતી તો આફ્રિકા તેમની પહેલી કર્મ ભૂમિ હતી. કોરોના કાળમાં રસીને લઇ સમગ્ર દુનિયા ચિંતા કરતી હતી ત્યારે ભારતે આફ્રિકન મિત્ર દેશોને પ્રાથમિકતા આપી કોરોનાની રસી પહોંચાડી.
આજે રક્ષા ક્ષેત્ર સહયોગ અને સમન્વય બે દેશ વચ્ચેના સંબોધોને નવી ઊંચાઇ પર લઇ જશે. આ ડિફેન્સ એક્સપો ભારત પ્રત્યે વૈશ્વિક વિશ્વાસનું પ્રતિક છે. આ ડિફેન્સ એક્સપોથી ગુજરાતની ઓળખાણને નવી ઊંચાઇ મળી રહી છે. હું આજે વિશ્વને વિશ્વાસ અપવવા માગું છું કે તમારી અપેક્ષાઓને પૂરી કરવા માટે ભારત તમામ પ્રયત્નો કરશે, ભારત ક્યારેય પાછુ નહીં પડે. આવનાર સમયમાં ગુજરાત ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનું એક મોટુ કેન્દ્ર બનશે. ભારતની સુરક્ષા અને સામર્થ્યમાં ગુજરાત ખૂબ મોટુ યોગદાન આપશે તેનો મને વિશ્વાસ છે.
ગુજરાતનું બનાસકાંઠા અને પાટણ સૌર્ય શક્તિ અને સોલર એનર્જીનું કેન્દ્ર બનીને ઉભર્યુ છે તે જ બનાસકાંઠા અને પાટણ આજે દેશ માટે વાયુ શક્તિનું પણ કેન્દ્ર બનશે. કોઇ પણ સશકત રાષ્ટ્ર માટે ભવિષ્યમાં સુરક્ષાના નિયમો શું હોય, સ્પેસ ટેકનોલોજી તેનું એક મોટુ ઉદાહરણ છે. આ ડિફેન્સ એક્સપો ભારતના યુવાનો માટે તેમના ભવિષ્ય માટે ખૂબ મોટી તક છે. ભારતની રક્ષા કંપનીઓ આજે ગ્લોબલ સપ્લાય ચેનનો મહત્વપુર્ણ હિસ્સો બની રહી છે.
ભારતના તેજસ જેવા આધુનિક ફાઇટર જેટ પર રસ દાખવે છે તો આજે આપણી કંપની અમેરિકા, ઇઝરાયલ અને ઇટલી જેવા દેશોને રક્ષા ઉપકરણના પાર્ટ સપ્લાય કરી રહી છે. ભારતમાં બનેલ બ્રહ્મોસ મિસાઇલ તેની કેટેગરીમાં સૌથી ઘાતક અને આધુનિક ગણાય છે. કેટલાય દેશો માટે બ્રહ્મોસ મિસાઇલ તેમની મહત્વની પસંદ બન્યું છે. ભારતની ટેકનોલોજી પર દુનિયા ભરોસો કરે છે. ભારતની સેનાઓએ તેમની ક્ષમતાને સાબિત કરી છે.
તેમણે કહ્યું હતું કે ભારતે તેના રક્ષા ખરીદ બજેટમાં 68 ટકા ભારતની કંપનીઓ માટે નિર્ધારિત કર્યુ છે. ભારતની સેનાને પ્રગતીશીલ નેતૃત્વ મળ્યું છે.મને મારા દેશની યુવા શક્તિપર અતૂટ ભરોસો છે. સરકાર સાથે સેનાએ પણ નક્કી કર્યુ છે કે દેશની રક્ષા માટે સાઘનોની ખરીદીનો મોટો ભાગ દેશમાંથી બનેલ સાઘનોની ખરીદી કરશે. આજે દેશની યુવા શક્તિ વિશ્વ માટે આશાનું કેન્દ્ર બની રહ્યુ છે.
ભારત દુનિયાના 75 દેશોમાં રક્ષા સામગ્રી અને ઉપકરણોની નિકાસ કરે છે : મોદી
બનાસકાંઠાના ડીસા ખાતે પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે ડીસા એરબેઝનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કેન્દ્રની યુપીએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ડીસા ખાતે ફોરવર્ડ એર બેઝ માટે વર્ષ 2000માં રાજય સરકારે જમીન આપી દીધી હતી. પરંતુ 14 વર્ષ સુધી કેન્દ્રની સરકારે મંજૂરી આપી નહોતી. યુપીએ સરકાર વખતે ફાઈલો એવી બનાવી નાખી હતી કે મને પીએમ બન્યા બાદ પણ 8 વર્ષ મંજૂરી આપતા થયા છે. જો કે આજે તે માંગ સંતોષાઈ છે.
તેમણે કહ્યું હતું કે ઇન્ટેન્શન, ઇનોવેશન અને ઇમ્પલિમેન્ટેશન આ ત્રણેય ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં ડિફેન્સ ક્ષેત્રે ભારતની ઓળખ સૌથી મોટા આયાતકાર તરીકે રહી છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા આજે રક્ષાક્ષેત્રની સૌથી મોટી સક્સેસ સ્ટોરી બન્યું છે. આજે રક્ષાક્ષેત્રમાં ભારતની નિકાસ આઠ ગણી વધી છે. ભારત 75 થી વધુ દેશોમાં રક્ષાસામગ્રી અને ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે.
વર્ષ 2021-22માં રક્ષાક્ષેત્રે ડિફેન્સ નિકાસ 1.59 બિલિયન ડોલર એટલે કે 13,000 કરોડ રૂપિયાએ પહોંચી છે. આગામી પાંચ વર્ષમાં પાંચ બિલિયન ડોલર એટલે કે રૂપિયા 40,000 કરોડ સુધી રક્ષાક્ષેત્રની નિકાસ પહોંચાડવાનું લક્ષ્ય છે. મેડ ઇન ઈન્ડિયાની ટેકનોલોજીના પ્રતીકસમું ‘આઈએનએસ વિક્રાંત’ જહાજ ભારતનું સૌથી ગૌરવશાળી ઉદાહરણ છે. ધુનિક એન્જિનિયરિંગનું વિશાળ અને વિરાટ માસ્ટરપીસ એવું ‘આઈએનએસ વિક્રાંત’ સ્વદેશી ટેક્નિકનો માસ્ટરપીસ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વાયુ સેનાનું ‘પ્રચંડ’ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર અને થલસેનાની ‘કોમ્બેટગન’ ભારતીય ઉત્પાદનોમાં શિરમોર છે.
ગુજરાતના હજીરામાં ઉત્પાદિત આધુનિક હથિયારો સીમાની સુરક્ષા કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેનાઓ સૈન્ય સામગ્રીની ખરીદી માટે બે લિસ્ટ તૈયાર કરે છે. એક લિસ્ટ ભારતમાં જ બનેલી ચીજ વસ્તુઓની ખરીદીનું હોય છે. હવે અનિવાર્ય હોય એવા જ ઉપકરણો બહારથી ખરીદવામાં આવે છે. મને કહેતા ગર્વ થાય છે કે, વધુ 101 વસ્તુઓ ભારતમાંથી જ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે આત્મનિર્ભર ભારત અને દેશના ઉત્પાદનો પર વધી રહેલા ભરોસાનું પ્રતીક છે. આજે ભારતીય સેનાઓમાં ઉપયોગમાં લેવાતી 411 જેટલી વસ્તુઓ અને ઉપકરણો ભારતમાં નિર્મિત છે.