સુરત: હવે ઊનાળા વેકેશનમાં (Summer vacation) માત્ર 42 દિવસનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી (Student) પરીક્ષા (Exam) અપાવીને સેમેસ્ટર પૂર્ણ કરી શકશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) રેમેડિયલ સેમેસ્ટર સિસ્ટમની નવી પ્રથા દાખલ કરી છે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ પર માત્ર આર્કિટેક્ચર ફેકલ્ટીમાં રેમેડિયલ સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરાઈ છે. જ્યાં સફળતા મળ્યા બાદ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ સહિતની ફેકલ્ટીમાં રેડેડિયલ સિસ્ટમ દાખલ કરાશે.
યુનિવર્સિટીમાં મંગળવારે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં આર્કિટેક્ચર ફેકલ્ટીના ડીન ડો. રાજેશ મહેતાએ લો લર્નર અને ફાસ્ટ લર્નર વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ સિસ્ટમ દાખલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને મંજૂરી આપવામાં આવી છે. આ જ મામલે એકેડેમિક કાઉન્સિલના સભ્યોએ ઠવાર કર્યો હતો કે બેચલર ઓફ આર્કિટેક્ચર કોર્સમાં જે પણ વિદ્યાર્થી ડિટેન થયા હોય કે પછી ઓછી હાજરીને કારણે ટર્મ ગ્રાન્ટ ના થયા હોય એટલે કે પરીક્ષા બેસી શકયા ના હોય એવા વિદ્યાર્થીઓ ઊનાળા વેકેશનમાં છ અઠવાડિયામાં રેમેડિયલ સેમેસ્ટરનો અભ્યાસ કરી શકશે અને પરીક્ષા આપીને સેમેસ્ટર પૂર્ણ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેમેડિયલ સેમેસ્ટરમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ એક્ઝામ પોલીસીનો પણ લાભ લઇ શકે એવી વાત જણાય છે. ખાસ કરીને રેડેડિયલ સિસ્ટમ થી લો લર્નર અને ફાસ્ટ લર્નરને ખૂબ જ ફાયદો થનારો છે. રેમેડિયલ સેમેસ્ટર માટે ફી નક્કી કરવામાં આવશે.
નવા વર્ષથી માસ્ટર ઓફ ડિઝાઇનનો ફાઇવ યર્સનો ઇન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરશે
નવા શૈક્ષણિક વર્ષ 2023-24થી યુનિવર્સિટી માસ્ટર ઓફ ડિઝાઇનનો ફાઇવ યર્સનો ઇન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરવા જઇ રહી છે. જેમાં ધોરણ-12 પાસ કરનારા વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકશે. જોકે, આ કોર્સમાં ચાર વર્ષ પછી વિદ્યાર્થી એક્ઝિટનો ઓપ્શન લઇને બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી લઇ શકશે. આ આખો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે.