નવસારી : ગણેશ-સિસોદ્રા ઓવરબ્રિજ (ઓવરબ્રિજ) નીચે 2 ભેંસ અને બચ્ચાને ભરી જતા ટેમ્પોને (Tempo) રોકી તમારે દંડ ભરવો પડશે તમે ગેરકાયદેસર રીતે લઇ જાઓ છો તેમ કહી 3 લોકોએ ટેમ્પા ચાલકને માર મારી 3 લોકોએ રૂપિયા પડાવતા મામલો નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) પહોચ્યો હતો. જ્યાં પોલીસે 3 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના ભાઠેના રઝાનગર ઝૂપડપટ્ટીમાં રહેતા અંસાર ઇશાક શેખ તેના ફોઈના છોકરા જાકીર મુનાફ સૈયદે ફોન કરી ભેંસોની લે-વેચ કરતા સાબીર ઉર્ફે ભંગાર રસીદ શેખ નવસારીથી બે ભેંસો તથા એક બચ્ચું ભરી તેના છાપરા ભાઠા ગામે તબેલા ઉપર લઇ જવાના છે જેથી તું ટેમ્પો લઇ તેમની સાથે જઈ આવ તેમ જણાવ્યું હતું. જેથી અંસાર ટેમ્પો (નં. જીજે-05-બીએક્સ-6265) લઈ ગ્રીડ જવા નીકળ્યા હતા. ત્યારે અંસારે નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચેથી સાબીરને ટેમ્પામાં બેસાડી સાલેજ ગામે લઈ ગયા હતા. ત્યાં જઈ કિર્તીભાઈના તબેલામાંથી એક ભેંસ ભરી ગણેશ-સિસોદ્રા આવ્યા હતા. જ્યાં આહિરના તબેલામાંથી એક ભેંસના બચ્ચા સાથે નીકળ્યા હતા. દરમિયાન ગણેશ-સિસોદ્રા ઓવરબ્રિજ નીચે એક ઇસમે ટેમ્પો ઉભો રખાવ્યો હતો. અને મારૂ નામ રાજુ છે, તમારે દંડ ભરવો પડશે તમે ગેરકાયદેસર રીતે લઇ જાઓ છો. કહેતા સાબીરે આનાકાની કરી હતી. ત્યારે તે રાજુ નામના ઇસમે 5 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહેતા અંસારે જાકીરને ફોન કરી કહ્યું હતું કે, એક ભરવાડ જેવો માણસ છે અને પોતાનું નામ રાજુ હોવાનું જણાવે છે અને પાંચ હજાર રૂપિયા માંગે છે.
ત્યારબાદ રાજુએ કોઈકને ફોન લગાવતા કાળા રંગની કાર (નં. જીજે-11-1919) લઈને એક વ્યક્તિ આવ્યો હતો. જેણે અંસાર અને સાબીરને અપશબ્દો બોલી ધમકી આપી બળજબરી પૂર્વક કારમાં બેસાડી દીધા હતા અને તેમના ટેમ્પામાં રાજુ બેસી ગયો હતો. ત્યાંથી મકાનના રૂમમાં લઇ જઈ અંસાર અને સાબીરને માર મારી પતાવટ માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી આનાકાની કરતા છેલ્લે પચાસ હજાર રૂપિયા લેવાની વાત જાકીર સાથે કરી હતી. ત્યારે જાકીરને સંજય ભરવાડનો મોબાઈલ નંબર આપી તેના ઉપર પૈસા ટ્રાન્સફર કરાવવા જણાવતા જાકીરે સંજય ભરવાડ પર 19,800 રૂપિયા ગુગલ પે કરી મોકલી આપ્યા હતા. અને બાકીના રૂપિયા બીજા દિવસે આપવા જણાવતા પૂરી રકમ ગમે તે કરીને મોકલી આપ, નહી તો છોડીશું નહી કહી ઉતારી ગયા હતા. આ બાબતે અંસારે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે રાજુ નામના ઇસમ, સાજન નામનો ઇસમ અને સંજય ભરવાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. ડી.કે. પટેલે હાથ ધરી છે.