ભરૂચ: ભરૂચના (Bharuch) સોનેરી મહેલ સર્કલ પાસે આવેલા ગોલવાડ ખાતે રહેતા કૃશાંગ શશીકાંત રાણા તેના કુટુંબી ભત્રીજા ધ્રુવીક રાજેશ રાણા, હિમાંશુ રાજેશ રાણા, હેયાંગ શાહ, મિત્ર ભાવિન વણકર, સ્વયમ શાહ અને રુશીલ શાહ તેમજ માનવ સાથે ભત્રીજા ધ્રુવીકના જન્મદિન નિમિત્તે ભરૂચના લીક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પિત્ઝા (William Jones Pizza) રેસ્ટોરન્ટમાં (Restaurant) જમવા ગયા હતા. જેઓએ સ્ટાટર્સ અને ચાઇનીઝ સૂપનો (Soup) ઓર્ડર (Order) આપ્યો હતો.
સૂપ આવતાં તે તીખું હોવાથી તેને પરત લઇ જવા કહી ઓછું તીખું આપવા કહ્યું હતું. જે બાદ ઘણો સમય વીતી ગયા બાદ સૂપ આવતાં તેને પરત લઇ જવા કહેતાં જ રેસ્ટોરન્ટના બે કર્મચારી પ્લેટો લઈને આવી ગેરવર્તણૂક કર્યું હતું. જે યુવાનોએ પિત્ઝા ખાવાનું માંડી વાળી કર્મચારીઓના વર્તન અંગે મેનેજરને કહેવા જતાં મેનેજરે તમે અમારા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાનું કહી ગુસ્સે થઇ ગયેલ અને યુવાનોને ધક્કો મારતા આઠ જેટલા કર્મચારીઓ યુવાનો પર તૂટી પડ્યા હતા અને મારામારી કરી હતી.
આ મારામારીમાં કૃશાંગ રાણા, હેયાંગ શાહ અને સ્વયમ શાહને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામે પક્ષના વિલિયમ જોન્સ પિત્ઝા રેસ્ટોરન્ટના આસિસ્ટન્ટ મેનેજર માન બહાદુર વિજયકુમાર શારકીએ એ ડિવિઝન પોલીસમથકે નોંધાવેલા ફરિયાદ અનુસાર આશરે ૧૦ વાગ્યાના અરસામાં ૬ મોટા અને બે નાના છોકરા જમવા આવ્યા હતા. જેઓએ ૬ સૂપ અને સ્ટાટર્સ મંગાવ્યું હતું.
કર્મચારી ગણેશ મંડલ ચાઇનીઝ સૂપ આપવા ગયો હતો. જે સૂપ ચાઇનીઝ તેમને તીખું લાગતાં તેને પરત કરી અન્ય કર્મી દીપક સુનાર આપવા ગયો હતો. જેને સૂપ પરત લઇ જવાનું કહી એક યુવાને અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને સૂપ નથી પીવું. જેથી કર્મચારી ટેબલ ઉપર પ્લેટ ગોઠવતો હતો. એ વેળા કોલ્ડડ્રીંક્સની બોટલ હલી જતાં ફરી અપશબ્દો ઉચ્ચારતાં કર્મચારીએ આસિસ્ટન્ટ મેનેજર માન બહાદુર વિજયકુમાર શારકીને કહેતાં તેઓ યુવાનોને ગેરવર્તન નહીં કરવા કહેવા જતાં તેઓએ માથાકૂટ કરી હતી અને અન્ય ઇસમોને બોલાવી મારામારી કરી હતી. આ મારામારીમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. મારામારી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.