ભારત જ નહીં, આખી દુનિયામાં લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ગુસ્સો આદિમ લાગણી છે. માણસ જંગલમાં રહેતો હતો ત્યારથી તે ગુસ્સામાં છે. કદાચ તે વખતે વધુ હતો. જંગલની અનિશ્ચિતતા અને અસલામતીમાં સતત જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરતા માણસ પાસે ગુસ્સે થવાનાં અનેક કારણો હતાં. માણસ સભ્ય બન્યો અને સંગઠિત જીવન જીવતો થયો, પછી તેના જંગલી ગુસ્સા પર ઘણું એવું નિયંત્રણ આવી ગયું. માણસે જીવનની અનિશ્ચિતતા અને જોખમોને ઘણા અંશે દૂર કરી નાખ્યાં હતાં અને પોતાના માટે ઘણું સુવિધાજનક જીવન બનાવ્યું હતું, જેમાં તે‘ચેન’ સાથે જીવી શકે. 21મી સદીમાં આવીને આપણે હવે જુદા પ્રકારના ગુસ્સાનો શિકાર બની રહ્યા છીએ; તેને રાજકીય અથવા સાંસ્કૃતિક ગુસ્સો કહે છે.
2017માં, ભારતીય-અંગ્રેજી લેખક પંકજ મિશ્રાનું એક પુસ્તક આવ્યું હતું, અ એજ ઓફ એન્ગર: અ બ્રિફ હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ. એમાં પંકજે પશ્ચિમના વૈશ્વિકીકરણ, વ્યક્તિવાદ, મૂડીવાદ અને ધર્મ નિરપેક્ષતામાંથી ISIS જેવી આતંકિત અને બ્રેક્ઝિટ જેવી રાષ્ટ્રવાદી અને અલગતાવાદી પ્રત્યાઘાતી મુવમેન્ટનો જન્મ થયો એની વાત કરી હતી.
પોલિટિકસ ઓફ એંગર બહુ સૂચક શબ્દ છે. ગુસ્સો હવામાંથી નથી આવતો. એ પરેશાની, નારાજગી અને વિદ્રોહમાંથી આવતો કઠોર અહેસાસ છે. દુનિયાના તમામ દેશોમાં કોઈ ને કોઈ પ્રકારનો રાજકીય કે સામાજિક સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં બદલાતાં ધ્રુવીકરણોની સાથે એ ગુસ્સામાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી આ ગુસ્સો આમ સમાજ સુધી મર્યાદિત હતો અને સરકાર કે શાસક-વર્ગ એનાથી અછૂતો હતો. હવે એ ગુસ્સો વ્યવસ્થાનો ભાગ બની રહ્યો છે. એક વર્ગ બીજા વર્ગ સામે, એક પાર્ટી બીજી પાર્ટી સામે, એક વિચારધારા બીજી વિચારધારા સામે ગુસ્સામાં છે. ઘણી સરકારો કે રાજકીય પક્ષોના ‘રાજકીયચિંતન’ પણ એ ખીજથી ઘડાયા છે. આ ખીજથી ચૂંટણીઓ લડાય છે, સરકારો ચૂંટાય છે, શાસન થાય છે અને નીતિઓ બને છે. સાદી ભાષામાં કહીએ તો, દેશ-દુનિયામાં જેટલી હિંસા છે, સંઘર્ષ છે, યુદ્ધ છે, નફરત છે, વિભાજન છે એ તમામ આ ગુસ્સા, આ દાઝ કે આ ખીજનું પરિણામ છે. આ બધા એકમેવના પૂરક છે. એક છે તો બીજો છે. એને ‘વ્યાજબી’ ઠેરવવા એક માત્ર બાળ-દલીલ એવી થાય છે કે, ‘શરૂઆત મેં નહીં, એણે કરી હતી.’ અને આ રીતે નફરત અને ગુસ્સાની સાઈકલ ચાલતી રહે છે.
મનોવૈજ્ઞાનિક સિગમંડ ફ્રોઇડે આને સાઈકોલોજીકલ પ્રોજેક્શન કહેલું. માણસ એની અંદર અબોલ (અન્કોન્શીયસ) આવેગ પડ્યા હોય તેને તે બીજી વ્યક્તિમાં પ્રોજેક્ટ કરીને પોતાનામાં તેની હાજરીનો અસ્વીકાર કરે છે. ઉદાહરણ તરીકે, આપણે ઘરમાં કે ઓફિસમાં એવું અનુભવતા હોઈએ છીએ કે, મારી આજુબાજુના માણસો મને નફરત કરે છે અથવા હું એમને પસંદ નથી. આપણે એ લોકોના શબ્દો, વર્તન કે નજરમાંથી એની ‘સાબિતી’ મેળવતા રહીએ છીએ. હકીકતમાં આ આપણું પ્રોજેક્શન છે.
આપણી અંદર બીજા લોકો માટે સખત સૂગ હશે, તો આપણે એ લાગણીથી બચવા માટે એને સામેની વ્યક્તિમાં આરોપિત કરી દઈશું. બે વ્યક્તિ કે બે સમાજ વચ્ચેની નફરત કે ગુસ્સો પણ આવી જ રીતે સાઈકોલોજીકલ પ્રોજેક્શનથી પનપે છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. અમેરિકન સિવિલ રાઈટ્સ મુવમેન્ટના નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર તો મનોવિજ્ઞાન ભણ્યા ન હતા પણ એમને માણસની વૃત્તિઓની ખબર હતી એટલે જ એમણે 1957માં કહ્યું હતું, “નફરતના બદલામાં નફરત આપવાથી નફરતનો ગુણાકાર થાય છે.” કિંગ ગાંધીજી પાસેથી આ શીખ્યા હતા.
ગાંધીજીએ કહ્યું હતું, “આંખના સાટે આંખ દુનિયાને આંધળી બનાવી દેશે.” ગાંધીજી લિયો તોલ્સતોય પાસેથી આ જાણી આવ્યા હતા અને તોલ્સતોય જીસસ ક્રાઈસ્ટ પાસેથી સમજ્યા હતા. ક્રાઈસ્ટે તેમના રક્ષણમાં તલવાર કાઢીને ઊભા રહેનાર મેથ્યુને કહ્યું હતું, ‘‘તલવાર મ્યાન કરી દે. જે લોકો તલવાર ખેંચે છે એ લોકો તલવારથી જ મરે છે.” આપણો ગુસ્સો અંગત છે, કામ-કાજ સંબંધી છે કે રાજકીય-સામાજિક છે એ સમજવું જરૂરી છે. આત્મ-પરીક્ષણથી કમ નથી.
દક્ષિણ આફ્રિકાની રંગભેદ ક્રાંતિના નાયક નેલ્સન મંડેલા કહે છે કે એમને એમની અંદરના ક્રોધની સારી એવી ખબર હતી અને એની સાથે ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો. 27 વર્ષના એમના જેલવાસ દરમિયાન એમણે ધ્યાન-વિચાર કરતા રહીને ક્રોધની પકડમાંથી છૂટા રહેવાનું શીખ્યું હતું. મંડેલા જેલમાંથી બહાર આવ્યા તેનાં ઘણાં વર્ષો પછી એ વાત બહાર આવી હતી કે એમના એક સાથીએ ગ્રીક ફિલોસોફર માર્કસ ઔરલીયસની ચોપડી ‘મેડિટેશન્સ’ જેલમાં પહોંચાડી હતી. તેમાંથી તે પોતાના ગુસ્સાને કેવી રીતે ધૈર્યમાં તબદીલ કરવો તે શીખ્યા હતા.
મંડેલા દક્ષિણ આક્રિકાને ગુલામી અને રંગભેદમાંથી આઝાદ કરાવીને એક મહાન રાષ્ટ્રની રચના કરવા માંગતા હતા. તેમને ખબર હતી કે દેશના બે સમુદાય જો એકબીજા માટે શંકા, નારાજગી અને ગુસ્સા સાથે જીવશે તો સફળ રાષ્ટ્ર નહીં બને. સમુદાયોની અન્યાયની લાગણી ઉચિત જ હતી પણ મંડેલા માનતા હતા કે રાષ્ટ્રીયતા પેદા કરવા માટે સહકાર અને સહિષ્ણુતા અનિવાર્ય છે એટલે તેમણે તેમના ગંદા જેલવાસ દરમિયાન અમુક ચીજો કરી. તેમણે આફ્રિકાની ભાષા શીખવાની શરૂ કરી, તેમણે ગોરા લોકોની સંસ્કૃતિને સમજવાનું શરૂ કર્યું, તેમણે જેલરો સાથે દોસ્તી કરીને સહકાર શરૂ કર્યો. અતીતના અન્યાયના જખ્મો ઉદારતા અને દોસ્તીથી ભરાવાના નહોતા પણ મંડેલા એક વાત સમજ્યા હતા કે ભાવિ પ્રગતિ માટે તેવા સંબંધો જરૂરી છે.
તેઓ લોકોને એક નાનકડી બોધકથા કહેતા હતા; સૂર્ય અને પવન વચ્ચે હોડ લાગે છે- એક ઝાડ નીચે સૂતેલા યાત્રાળુને તેની ગોદડીમાંથી બહાર કોણ કાઢે? પવને કહ્યું કે મારામાં એટલું જોર છે કે હું ગોદડી ઉડાડી દઈશ. થયું ઊંધું. બહુ પવન આવ્યો એટલે યાત્રાળુએ ગોદડીને કચકચાવીને માથે ઓઢી દીધી. હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે શરૂઆતમાં હળવો તાપ છોડ્યો અને પછી ગરમી વધારી. યાત્રાળુએ કૂણા તડકામાં તેની ગોદડીને ઢીલી કરી અને જેવો તાપ વધ્યો કે તેને ફંગોળીને બહાર નીકળી ગયો!
એટલે મંડેલા કહેતા, ‘‘લીડરે ‘પાડી દઉં-મારી દઉં’ની માનસિકતામાંથી બહાર આવવું પડે અને ઉષ્માનો સંબંધ બાંધવો પડે.’’ મંડેલાએ તેમના (અને તેમના સાથી અશ્વેત અનુયાયીઓના) ગુસ્સાને હિંસામાં તબદીલ થતો અટકાવીને એક ઉષ્માભરી લાગણીમાં ફેરવ્યો હતો. મંડેલા અને ગાંધીજીએ બંનેએ એમના બૃહદ રાજકીય હેતુ માટે થઇને ગુસ્સાને ફૂટબૉલ બનતો અટકાવ્યો હતો. એ જ રીત આપણા જીવનનાં અનેક પાસાં, જેવા કે દોસ્તી, લગ્ન, ઑફિસ, કામ-કાજ વગેરેમાં લાગુ પડે છે.
ચાહે ઘર હોય કે દેશ, તમે જોરથી બોલો તો જ તમને સાંભળવામાં આવે એવી માન્યતાને જો બળ મળતું રહે તો આપણો સામાજિક સંવાદ ટેલિવિઝનની ક્રોધિત ડિબેટ્સ જેવો બની રહે છે. એક તરફ આપણી ન્યૂઝ ચેનલોમાં હત્યા, લૂંટ, અકસ્માત, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, બળાત્કાર, બૉમ્બ વિસ્ફોટ અને ગાળાગાળીની ઘટનાઓ આપણને ‘નોર્મલ’ લાગે છે તો બીજી તરફ ચિંતનની અને ડહાપણની વાતો પણ એટલી જ થાય છે. ક્યાંક અંદર ઊંડે ઊંડે આપણને ખબર છે કે અનુકંપા વગર અસ્તિત્વનો ઉદ્ધાર થવાનો નથી.