Columns

હિંદુત્વ કોનું?

શક્ષિણ ભારતીય દિગ્દર્શક મણિરત્નમે હંમેશાં ‘ક્લાસ અપાર્ટ’ ફિલ્મો બનાવી છે પછી તે ‘રોજા’હોય કે ‘બૉમ્બે’ હોય. તાજેતરમાં એમની એક ભવ્યાતિભવ્ય ફિલ્મ રિલીઝ થઇ ‘પોન્નીયન સેલ્વન-1’(PS-1). પ્રાચીન ભારતના ચોલ સામ્રાજ્યની પ્રગતિ અને વિકાસનો જેને શ્રેય અપાય છે તેવા રાજરાજા ચોલનની વાત આ ફિલ્મમાં કરાઇ છે. આ ફિલ્મ કલ્કી ક્રિષ્ણમૃર્થી નામના લેખકની 5 ભાગમાં લખાયેલી ‘ફિક્શન’ નવલકથાના આધારે બનાવાઇ છે. આ ફિલ્મ રિલીઝ થઇ અને તેના ‘સિનેમેટિક’ વિવેચનને બદલે કોઇ બીજા જ મુદ્દે ચર્ચાનો વિષય બની ગઇ. રાજરાજા ચોલા હિંદુ રાજા હતો કે ન હતો તેની પર હુંસાતુંસી શરૂ થઇ ગઇ.

શરૂઆત થઇ જ્યારે ફિલ્મ રિલીઝ થવા ટાણે અભિનેતા વિક્રમે ચોલ વંશની સિદ્ધિઓની ચર્ચા કરી અને કેટલાકે ચોલ રાજાઓને હિંદુ રાજવીઓ તરીકે ઓળખાવ્યા. એવામાં તમિળ દિગ્દર્શક વેત્રિમારને એવી ટિપ્પણી કરી કે રાજરાજા ચોલનને સતત હિંદુ રાજા કહેવામાં આવી રહ્યા છે અને વલ્લુરનું ભગવાકરણ થઇ રહ્યું છે, અમારા પ્રતીક અમારી પાસેથી છીનવાઇ રહ્યા છે. આમાં BJPના નેતા એચ રાજા ભડક્યા અને તેમણે કહ્યું કે વેત્રિમારનને ઇતિહાસ ખબર હશે, મને એટલો સારી પેઠે નથી ખબર, પણ રાજરાજા ચોલને જો ચર્ચ કે મસ્જિદ બનાવ્યા હોય તો તે બતાડો.

આટલું થયું અને અભિનેતા કમલ હાસનને વેત્રિમારનને ટેકો આપવા માટે એમ કહ્યું કે હિંદુ ધર્મ જેવો કોઇ શબ્દ રાજરાજા ચોલનના કાળમાં હતો જ નહીં, વૌનાનમ, શિવમ અને સમનામ જેવા શબ્દો ચલણમાં હતા અને અંગ્રેજોએ ભારત પર શાસન કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે બધાને એક સરખી ઓળખાણ આપવા – પોતાને સરળતા રહે તે માટે – હિંદુ શબ્દનો ઉપયોગ શરૂ કર્યો. આ વાત આગળ વધે તે પહેલાં આ ચર્ચા, આ સંદર્ભ, આ ટિપ્પણીઓ પછી તે વેત્રિમારનની હોય કે કમલ હાસનની કે BJPના નેતા એચ. રાજા, બધું જ બિનજરૂરી છે એ સમજી લેવું પડે.

માત્ર વિરોધ દર્શાવવા કે સવાલ ખડો કરવાના ઇરાદાથી વેત્રમારને આવી કોઇ ટકોર કરવાની જરૂર હતી જ નહીં. કમલ હાસન માત્ર અભિનેતા નથી – રાજકારણી પણ છે. એ જે બોલ્યા તે તેમની રાજકીય ઓળખના સંદર્ભે હોઇ શકે, તો BJPએ જે કહ્યું તે તેમની રાજકીય વિચારધારાને આધારે હતું. આ વિગતો તેની ‘ક્રોનોલૉજી’ અને સંદર્ભ સમજવા આપવી જરૂરી હતી. આમાં બે મુદ્દા ખડા થાય છે. એક તો એક કે ચોલા વંશનો ધર્મ કયો હતો? હિંદુત્વ શું સામ્રાજ્યવાદની અંગ્રેજોની ભેટ છે? આ વિવાદ પર બધા મન ફાવે તેમ પોતાની વાત મૂકે છે. આમાં હિંદુ ધર્મને નહીં પણ વાદને પકડીને હોહા કરનારા રાજકારણીઓને પણ મજા પડી ગઇ છે કારણ કે એમને તો એટલું જ જોઇતું હતું.

પહેલા સવાલની ચર્ચા વિગતવાર કરીએ તો જે રીતે અબ્રાહમનો ધર્મ જે એક આખા વંશ કે સમુદાયને લાગુ પડે છે તેવો કોઇ એક જ ધર્મ ચોલ વંશ વખતે નહોતો. ચોલ વંશના ઇતિહાસ અનુસાર તેઓ શૈવિઝમ – શિવભક્તિમાં (શૈવવાદ) માનતા હતા. તાંજોર જે ચોલ વંશનું પાટનગર છે ત્યાંનું બ્રિહદેશ્વર મંદિર ચોલ વંશનું સૌથી અગત્યનું સ્થાપત્ય ગણાય છે – આ મંદિર શિવ મંદિર છે. 800થી 1200 CEમાં બંધાયેલા મંદિરો એક યા બીજી રીતે શિવ મંદિરો જ છે.

શૈવવાદ તો વૈદિક યુગ પહેલાની પરંપરાઓમાં પણ હતો. ઇતિહાસકાર અનુસાર BCE – એટલે કે બિફોર ધી કૉમન એરા એટલે કે ઈસવીસન પૂર્વેની સદીના છેલ્લા તબક્કા દરમિયાન વૈદિક દેવ રુદ્રની પૂજા થવા માંડી, સાથે શિવની જે ભક્તિ થતી તે બ્રાહ્મણોની માન્યતાઓમાં ઉમેરાઇ. વળી તામિલ કે દ્રવિડ મૂળના લોકો શિવમાં માનતા અને વૈદિક કાળનો ધર્મ આર્યન હતો – જે બધું સમયાંતરે સમાંતર થયું. જો કે ચોલ વંશના એક માત્ર ભગવાન શિવ નહોતા, ચોલ રાજા આદિત્યે વિષ્ણુના મંદિરો પણ બનાવડાવ્યા છે.

દક્ષિણ ભારતના પલ્લવ અને પાંડવા વંશમાં બૌદ્ધ અને જૈન ધર્મ પણ અનુસરાયો છે પણ જેતે રાજ્યમાં અમુક જ ધર્મ કેન્દ્રસ્થાને હતો એવું ઇતિહાસમાં ક્યાંય ટાંકેલું નથી. રાજાને જે દેવની પૂજા કરવી હોય તેની પૂજા થતી.
તે સમયે હિંદુ શબ્દ અસ્તિત્વમાં હતો નહીં પણ રાજાઓ જે શૈવવાદ કે વૈષ્ણવવાદમાં માનતા હતા તેમનું સામાન્યીકરણ તો હિંદુ રાજા તરીકે જ થાય. શિવ હોય કે વિષ્ણુ હોય બધા આખરે આપણા 33 કરોડ દેવોના વિશાળ સમૂહનો જ હિસ્સો છે.
અહીં કમલ હાસનની વાતના સંદર્ભને આપણે અને કમલ હાસન બન્નેએ સમજવા જરૂરી છે.

હવે એમ કહેવું કે હિંદુત્વ તો સામ્રાજ્યવાદની દેન છે એ પણ વેતા વગરનું છે કારણ કે જે રીતે ને બધો વાંક નહેરુનો દેખાય છે એ રીતે બુદ્ધિજીવીઓ કોઇ પણ વાતને મામલે અંગ્રેજો પર દોષનો ટોપલો ઢોળે છે જે સાવ ખોટું છે. જમણેરીઓને એમ માનવું છે કે સામ્રાજ્યવાદે આપણને જાતિવાદ આપ્યો અને હિંદુત્વ તો સદીઓથી હતું. તો ડાબેરીઓ એમ કહે છે કે જાતિવાદ પહેલેથી હતો, પણ સામ્રાજ્યવાદી અંગ્રેજોએ આપણને હિંદુત્વ આપ્યું. આ બન્ને વાતોમાં અધૂરું સત્ય છે એમ કહીએ તો ચાલે. વર્ણવ્યવસ્થા આપણે ત્યાં વૈદિક યુગથી છે.

જાણીતા લેખક અમિષ ત્રિપાઠી સાથેની એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે એક સમયે તો માણસ જે કામ કરતો તેનાથી જ તેની જાતિ નક્કી થતી, વર્ણવ્યવસ્થા પણ એ જ રીતે ઘડાઈ હતી. સામ્રાજ્યવાદી અંગ્રેજોને કારણે આપણે હિંદુ ધર્મ વિષે જે રીતે વાત કરીએ છીએ, તેનો સંદર્ભ લઇએ છીએ તે બદલાયું – તેની પાછળ કાયદાથી માંડીને, વસ્તી ગણતરીના કારણો છે કોઇ બીજા ઇમોશનલ કે રાજકીય કારણો નથી. એ વાત અલગ છે કે અંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોના ભાગલા કરીને દાટ વાળ્યો પણ ત્યારે પણ વાત ધાર્મિક નહીં રાજકીય જ હતી.

ભારતની વિવિધતાને જોડતી કડીઓમાંની એક કડી બહુમતીમાં અનુસરાતો હિંદુ ધર્મ અથવા તેવી માન્યતાઓ રહી છે અને વિદેશી અવલોકનકારની નજરમાં તે કડી હિંદુત્વ હતી જેને ‘વાદ’ અને ‘રાજકારણ’ સાથે કોઇ લેવાદેવા નહોતી- પણ કમનસીબે તેને આધુનિક ઇતિહાસમાં એટલે કે ભાગલા સમયે અંગ્રેજોએ તોડી-મરોડીને વાપર્યો અને આ અળવિતરી સમજ કે ગેરસમજને આજે રાજકારણીઓ કોટે વળગાડીને પોતાના દાવપેચ કર્યા કરે છે. હિંદુત્વની ચર્ચા ફિલોસોફી, ઇતિહાસ અને ધર્મની એરણે સૂક્ષ્મ રીતે થાય તે જરૂરી છે. સદીઓ જૂના ધર્મને વાદના ઘોંઘાટમાં લપેટીને લોકોને માથે રાજકીય ખેલ કરાય ત્યારે બધું ગોટે જ ચઢે.

બાય ધ વેઃ
એક સમયે ડાયનોસૉર્સ અસ્તિત્વમાં હતા પણ ત્યારે તેમને ડાયનોસૉર્સ કહેવાય એવું કોઇને નહોતી ખબર. પણ શું એનો અર્થ એમ કે ડાયનોસૉર્સ – ડાયનૉસૉર્સ મટીને ગરોળી કે સાપ થઇ ગયા? આ હિંદુ ધર્મને લઇને થયેલી ચર્ચા કંઇ આવી જ છે. ધર્મને મનમાં રખાય, કોટે ન વળગાડાય પણ લોકોની નબળાઇ રાજકારણીઓ જાણે છે એટલે તેઓ ધર્મને નામે રમી લે છે. હિંદુ ધર્મ, હિંદુત્વ અને હિંદુવાદ વચ્ચેનો ફેર સમજવા માટે ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર પ્રત્યેની આપણી અવગણનાને નેવે મૂકવી પડશે. હિંદુત્વની ઓળખ ઘેરી છે. તેના સંદર્ભને વૈદિક કાળથી માંડીને સલ્તનત કાળ, મુગલ કાળ અને સામ્રાજ્યવાદી અંગ્રેજોના સમયની ચારણીમાંથી પસાર કરીને સમજવા માટે ધીરજ અને મોકળું મન જોઇએ. કોઇ રાજકારણીઓનો ઘોંઘાટ નહીં. અંગ્રેજોએ જે કહ્યું એ કહ્યું પણ આપણે તો આપણા પ્રાચીન કાળના રાજાઓની માન્યતાઓને ગણતરીમાં લેવી ઘટે. જાહેરમાં બોલાયેલી કોઇ પણ વાતના પ્રત્યાઘાત હોય છે તે બોલનારને બરાબર ખબર હોય છે.

Most Popular

To Top