ઉમરગામ : સરીગામના એક યુવાનની લાશ બોરલાઈ દારોઠા ખાડીના પાણીમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ વાડીયાપાડા ખાતે રહેતો આદિત્ય રવિરાજ સાકરે છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો. તેની લાશ બોરલાઈ બે ટેકરી ફળિયા સ્મશાન ભૂમિ નજીક દારોઠા ખાડીના પાણીમાંથી મળતા જાણ થતાં જ ભીલાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશનું પીએમ કરાવી આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
વેસ્મા ગામે પગ સ્લીપ થઈને પડી જતા આધેડનું મોત
નવસારી : વેસ્મા ગામે પગ સ્લીપ થઈને પડી જતા આધેડનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના વેસ્મા ગામે કુંડળ ફળીયામાં પિયુષભાઈ નવનીતભાઈ પટેલ (ઉ.વ. 45) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 14મીએ પિયુષભાઈ તેમના ઘરના પહેલા માળેથી કચરો નાંખવા જઈ રહ્યા હતા. ત્યારે તેમનો પગ સ્લીપ થઇ જતા માથાના ભાગે ઈજાઓ થઇ હતી. જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. વિપુલભાઈને સોંપી છે.
ધકવાડા ગામે ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા બાઈક સવારનું મોત
બીલીમોરા : બીલીમોરાના ધકવાડાથી તેજલાવ જતા 53 વર્ષના આધેડની બાઈક સ્લીપ થતા ધકવાડા ભુરીયા ફળિયા પાસેના ઈલેક્ટ્રીક પોલ સાથે ભટકાતા તેનું મૌત નીપજ્યું હતું.ચીખલીના તેજલાવ ગામના દેસાઈ ફળિયામાં રહેતા ભરત ચુનિલાલ પટેલ પોતાની હીરો હોન્ડા સીડી મોટરસાયકલ લઈને ધકવાડા ધુરીયા ફળિયા રહેતા ઉષાબેન ઉત્તમભાઈ પટેલના ઘરે આવ્યા હતા. જેઓ બપોરે તેમના ઘરેથી નીકળીને તેજલાવ તેમના ઘરે જતી વખતે ધકવાડા ગામના ધુરીયા ફળિયા રોડ પાસેના સિમેન્ટ કોંક્રીટના ઈલેક્ટ્રીક થાંભલા સાથે તેઓની બાઇક સ્લીપ થઈને જોરદાર રીતે ભટકાઈ હતી. જેને કારણે તેમને માથામાં પહોંચેલી ગંભીર ઇજાને કારણે તેઓનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. મરનાર ભારત ચુનિલાલ પટેલના સગા રમેશ પટેલે બીલીમોરા પોલીસને બનાવની જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.