સુરત : રાજસ્થાનના રહીશની એક નવી કારને અટકાવી વલસાડ (Valsad) પોલીસે (Police) તેમાંથી 254 કિલો કિં.રૂ. 25.43 લાખનો ગાંજો પકડી પાડ્યો હતો. આ કારને પોલીસે 15 કિમીની ફિલ્મી રેસ બાદ પકડી પાડી હતી. જોકે, કારમાં સવાર બે ઇસમ ફરાર થઇ ગયા હતા.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ હાઇવે (Highway) પરથી દારૂ ઉપરાંત અગાઉ અનેક વખત ગાંજાનો મોટો જથ્થો વિવિધ કારમાંથી મળતો રહ્યો છે. ત્યારે હાલ દિવાળી ટાણે પણ ગાંજાનો મોટો જથ્થો જઇ રહ્યો હોવાની માહિતી વલસાડ એલસીબીને મળી હતી.
- નવી કાર પોલીસને ચકમો આપી ભાગતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ટ્રાફિક જામ કરાવ્યો
- નંબર વિનાની કિયા કાર 5 ઓક્ટોબરે રાજસ્થાનમાં ખરીદાઇ હોવાનું બહાર આવ્યું
જડતી લેતાં તેમાંથી ગાંજાના 125 નંગ પાર્સલ મળી આવ્યા
જેના પગલે તેમણે પારડી શ્રીનાથ હોટેલ નજીક કારને પકડવા ચેકિંગ હાથ ધર્યું હતુ. ત્યારે એક નંબર વિનાની નવી નક્કોર કાર પોલીસને ચકમો આપી ત્યાંથી ભાગી છૂટી હતી. જેને પકડવા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ કારને પકડવા માટે પોલીસે વલસાડ નજીક હાઇવે પર ધમડાચી પીરૂ ફળિયા નજીક ટ્રાફિક જામ કરાવ્યો હતો. ત્યારે કાર અટકી અને પોલીસે તેને પકડી પાડી હતી.નવી નકોર કીયા કારને પકડી તેની જડતી લેતાં તેમાંથી ગાંજાના 125 નંગ પાર્સલ મળી આવ્યા હતા. જેમાં 254 કિલો અને રૂ. 25.43 લાખની મત્તાનો ગાંજો મળી આવ્યો હતો.
રાજસ્થાન ગંગાપુરના મુકેશ નામના વ્યક્તિએ ખરીદી હોવાનું જાણવા મળ્યું
જોકે, કાર અટકી ત્યારે તેમાં સવાર બે ઇસમ ફરાર થઇ જતા પોલીસ તેને પકડી શકી ન હતી. આ કારની જડતી લેતાં આ કાર ગત 5 મી તારીખે રાજસ્થાન ગંગાપુરના મુકેશ નામના વ્યક્તિએ ખરીદી હોવાનું જાણવા મળ્યું હતુ. જેના આધારે પોલીસે તેની તપાસ હાથ ધરી છે. પોલીસે આ બનાવ સંદર્ભે હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડમ્પરમાં લોખંડની પ્લેટની નીચે સંતાડી દમણથી સુરત લઈ જવાતો દારૂનો જથ્થો પકડાયો
વાપી : દમણથી સુરતના કીમ નજીક મોટી પારડી ગામમાં ગ્રામ્ય રસ્તે લઇ જવાતો ઇંગ્લિશ બનાવટના દારૂનો મોટો જથ્થો ડુંગરા પીઆઈ ચૌધરીએ તેમની ટીમ સાથે પકડી પાડી ડમ્પરના ચાલકને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. ડુંગરા પોલીસે ઇંગ્લિશ બનાવટ દારૂની ૫૫૮૦ બોટલ જેની કિંમત રૂપિયા ૮,૧૨,૪૦૦ બતાવવામાં આવે છે તથા ટાટા હાઈવા ડમ્પર, મોબાઈલ સાથે કુલ રૂપિયા ૧૮,૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે લઈ બે આરોપીને વોન્ટેડ બતાવી ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
8.12 લાખના દારૂ સાથે ડમ્પને પકડી પાડી સારી સફળતા મેળવી હતી
ડુંગરા પોલીસ મથકના પીઆઈ સી.બી.ચૌધરી તથા તેમની ટીમે દમણથી સુરત લઈ જવાતા ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું. દમણથી પાતલિયા ચેકપોસ્ટ થઈ મોતીવાડા ફાટક થઇ પરીયા-અંબાચના ગ્રામ્ય રસ્તે ધરમપુર-ચીખલી થઈ નેશનલ હાઈવે-૪૮ ઉપરથી સુરત તરફ જવા નીકળેલા ડમ્પરને રાતા ત્રણ રસ્તા પાસે આંતરીને રોકતા ડમ્પરની અંદર લોખંડની પ્લેટની નીચે સંતાડેલા પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.