વ્યારા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આગામી તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ તાપીના (Tapi) સોનગઢના ગુણસદા ખાતે પધારનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ તાપી જિલ્લામાં ઘણા સમય પછી થઇ રહ્યો છે, ત્યારે આપણા બધાની સંયુક્ત જવાબદારી બને છે કે સુવ્યવસ્થિત ભવ્ય સફળતા સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તાપી જિલ્લા ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે કલેક્ટર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કલેક્ટરે વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપરત કરેલી કામગીરીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી જવાબદારી પૂરતી કાળજી અને તકેદારીપૂર્વક નિભાવવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યાં હતાં, જેમાં વડાપ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, ફાયર સેફ્ટી અને સ્ટેબેલિટી, ભોજન વ્યવસ્થા, મીડિયા અને પ્રસારણ, કંટ્રોલ રૂમ જેવી 20 જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.