અમદાવાદ: ભાજપના (BJP) શાસનમાં ગુજરાત (Gujarat) અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. અસહ્ય મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ-ખાદ્યતેલના આસમાને જતાં ભાવ, બેરોકટોક ચાલતો ડ્રગ્સનો કારોબાર, 27 વર્ષથી વધતો જતો ભ્રષ્ટાચાર (Corruption) અને અણઘડ વહીવટ માટે ભાજપ સરકારે ગુજરાતના નાગરિકોની માફી માંગવી જોઈએ. તેના બદલે ભાજપ ગૌરવ યાત્રા કાઢી રહ્યું છે, પરંતુ આ ભાજપની ગૌરવ યાત્રા નહીં વિદાય યાત્રા બની રહેશે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
આલોક શર્માએ વધુમાં કહ્યું હતું કે, ભાજપે ગુજરાત અને દેશને શું આપ્યું છે ? ગુજરાતમાં પોતાના હક્ક અને અધિકાર માટે જુદાં જુદાં 28 જેટલાં આંદોલન ચાલી રહ્યાં છે. અવારનવાર ભાષણોમાં કોંગ્રેસનાં કારનામાંની વાતો કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના પર લાગેલા 107 કેસનાં કારનામાંની ચિંતા કરે. લાખો શિક્ષિત યુવાઓ બેરોજગાર, ઓરડા વગરની શાળાઓ, 1270 શાળા વચ્ચે એક જ શિક્ષક ભણાવે. નકલી દારૂથી હજારો મોત થાય, બેરોકટોક ડ્રગ્સ પરોસી યુવાધનને બરબાદ આ તમામ ભાજપનાં કારનામાંના ગૌરવને લઈને યાત્રા નીકળી રહી છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.