ઘેજ : વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેમાં સંપાદિત ઘેજ ગામના બ્લોક નંબર 1993 વાળી જમીન (Land) અંગે અસરગ્રસ્ત ખેડૂતની (Farmer) નવસારી (Navsari) પ્રાંત કચેરીમાં અવારનવારની લેખિત-મૌખિક રજુઆત બાદ પણ એવોર્ડ જાહેર નહીં થતા અને કચેરીના અવાર નવારના ધક્કા ખાવાની નોબત આવતા તંત્રના રેઢિયાળ કારભારને પગલે ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.
વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેમાં સંપાદિત જમીનના 7-12-8-અના ઉતારામાં 2012ના વર્ષમાં જ તંત્ર દ્વારા ફેરફાર નોંધ પાડી દેવાઇ હતી અને જાહેરનામાં પ્રસિધ્ધ કરી જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરી હતી અને એક વાર એવોર્ડ જાહેર કરાયા બાદ ખેડૂતોને ઓર્બિટેશન કર્યા બાદ બીજીવાર પણ એવોર્ડ જાહેર કરી દેવાયા હતા. પરંતુ ઘેજ ગામે સંપાદિત બ્લોક નંબર-1993 વાળી જમીનનો એકપણ એવોર્ડ જાહેર કરાયો નથી.
જમીન સંપાદનના સક્ષમ અધિકારી દ્વારા વળતર ચુકવવા માટે ઓગસ્ટ 2020માં જ પ્રથમ વખત એવોર્ડ જાહેર કરાયો હતો અને જેમાં ખેડૂતોએ નારાજગી દર્શાવી જિલ્લા કલેક્ટર સમક્ષ આર્બિટેશન કરતા વળતરની સુધારેલી રકમ સાથે બીજી વખત નવા એવોર્ડ પણ એપ્રિલ-22માં જાહેર થઇ ગયો હતો. આમ પ્રથમ વખત એવોર્ડ જાહેર થયાને બે વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં ઘેજ ગામના 1993-બ્લોક નંબર વાળી જમીનનો એક પણ વખત એવોર્ડ જાહેર થયો નથી.
આ માટે અસરગ્રસ્ત ખેડૂત દ્વારા નવસારી પ્રાંત કચેરીમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ નહી આવતા ખેડૂતો અવઢવભરી સ્થિતિમાં મૂકાયા છે અને કચેરીના ધક્કા ખાવાની નોબત આવી છે.
ઘેજના બ્લોક નંબર 1948 વાળી જમીનમાં ક્ષેત્રફળના મોટા તફાવત અંગેનું નિરાકરણ આવ્યુ નથી
આ ઉપરાંત ઘેજ ગામના બ્લોક નંબર 1948 વાળી જમીનમાં ક્ષેત્રફળના મોટા તફાવત અંગે પણ રજૂઆત કરવા છતાં પણ કોઇ નિરાકરણ નહીં આવતા તંત્રના રેઢિયાળ કારભારથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અનેક રજૂઆત છતા હકારાત્મક પરિણામ આવ્યું નથી
અસરગ્રસ્ત ઘેજમાં ખેડૂત ખંડુભાઇના જણાવ્યાનુસાર ઘેજમાં તેમની બ્લોક નંબર 1993 વાળી જમીનનો બે વર્ષ વીતવા છતાં એક પણ વખત એવોર્ડ જાહેર થયો નથી. આ ઉપરાંત તેમના બ્લોક નંબર 1948 વાળી જમીનમાં ક્ષેત્રફળમાં મોટા તફાવત અંગેની અવાર નવાર નવસારી પ્રાંત કચેરીમાં લેખિત-મૌખિક રજૂઆત કરી પણ આજદિન સુધી હકારાત્મક પરિણામ આવ્યું નથી.