ઉમરગામ : સરીગામમાં (Sarigam) ધોળા દિવસે સલીમ નામના શખ્સ ઉપર હુમલો (Attack) કરી ચાર ઈસમોએ દોડાવી દોડાવી બેઝ બોલના દંડા વડે ફટકારી બંને પગમા ફેક્ચર (Facture) કરતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે રહેતા આકાશ સુરેશભાઈ ઠાકુરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રવિવારે બપોરના સમયે તેના મિત્ર સલીમ શેખ (રહે સાઇ કોમ્પલેક્ષ અનમોલ નગર ભીલાડ) ઉપર સરીગામ કેનાલ પાસે સાવરીયા હોટલની સામે જાહેર રોડ ઉપર જૂની અદાવતમાં જૈનીત ઉર્ફે જીમી ડાહ્યાભાઈ મિસ્ત્રી (રહે સરીગામ), મેરાજ ઉર્ફે ગુડ્ડુ કુદરત ખાન, નિયાઝ ચાંદ મોહમ્મદ મણીહાર (બંને રહે વાપી ટાઉન) તથા એક અજાણ્યા ઈસમે હુમલો કર્યો હતો અને કારને ટક્કર મારી હતી.
આ ઈસમોએ ભેગા મળી સલીમને ગાળો આપી પગમાં બેઝ બોલના દંડા અને લોખંડના સળિયા વડે માર મારી બંને પગમાં ફ્રેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત સલીમને શરૂઆતમાં ભીલાડની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વાપીની આયુષ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આકાશ ઠાકુરે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં પિતા-પુત્રને મારી નાંખવાની ધમકી
અંકલેશ્વર: અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસે સમાધાન માટે આવેલા ત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે માથાકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરના સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા મનીશ રશેશ મોદી ગતરોજ રાતે પીરામણ ગામના શ્યામનગર તરફ ફરવા ગયા હતા. એ વેળા સુરતી ભાગોળ ખાતે રહેતો અનિલ પરમાર મનીષ મોદીએ ફેરવવા આપેલી તેમની કાર લઈ તેના મિત્ર તુષાર જાટ તેમજ સિદ્ધાર્થ સાથે જતો હતો.
જેમને અટકાવી કાર માંગતાં તેઓએ બોલાચાલી કરી ભાગી ગયા હતા. જેઓને રાતે ૧૧ વાગ્યાના અરસામાં પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન ખાતે બોલાવતાં તેઓ ત્રણેય આવ્યા હતા અને સમાધાનની વાત ચાલતી હતી. દરમિયાન ત્રણેય ઈસમે માથાકૂટ કરી હતી અને અનિલ પરમાર મનીષ રશેશ મોદીને પથ્થર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. મારામારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.