Columns

સમાજ : દગાબાજોનું પ્લેગ્રાઉન્ડ..!

બુદ્ધિશાળી માણસ પોતાની બુદ્ધિથી પૈસાદાર બની શકે છે પણ પૈસાદાર માણસ પૈસા વડે બુદ્ધિશાળી બની શક્તો નથી..!’ રૂમાર્ગોનું ઉપર્યુક્ત કથન સાચું લાગે એવી લઘુકથા હમણાં વાંચવા મળી. એક  ગામમાં બધાં માણસો આસ્તિક હતા. કેવળ એક માણસ નાસ્તિક હતો. ગામમાં દુષ્કાળ પડ્યો. લોકો ભૂખે મરવા લાગ્યા. પેલો નાસ્તિક હોવાથી કોઈએ એને ખાવાનું ન આપ્યું. નાસ્તિકે બુદ્ધિ દોડાવી. તે મોડી રાત્રે ઊઠીને કોઈને ખબર ના પડે તે રીતે ગામને નાકે આવેલી ગટરમાંથી પાણી ભરી લાવ્યો. અને તેની શીશીઓ ભરી બીજે દિવસે – “આ ગંગાજળ છે” – એમ કહી વેચવા લાગ્યો. લોકોને એણે કહ્યું: “આ અભિમંત્રિત ગંગાજળ ઘરમાં છાંટવાથી દુષ્કાળ, ધરતીકંપ, પ્લેગ વગેરેની માઠી અસરમાંથી સત્વરે મુક્ત થઈ શકાય છે..!’ ગામના બધાં માણસો તૂટી પડ્યા. બધી શીશીઓ ટપોટપ વેચાઈ ગઈ. પેલો માણસ માલેતુજાર તો ન બની શક્યો પણ એની પેટની ભૂખ બુદ્ધિથી ઠરી શકી.

એવી જ છેતરપિંડીનો બીજો કિસ્સો સાંભળો. આ દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સેંકડો પ્રકારની છેતરપિંડીઓ થતી રહે છે. આશ્ચર્ય એ વાતનું હતું કે એ કિસ્સો બધા છાપાઓમાં ચમક્યો હતો છતાં તે વાંચીનેય લોકો ના ચેત્યા. બલકે જેમની પાસે પૈસા ન હતા તેઓ ઉધાર ઉછીના લઈનેય દોડ્યા. થયેલું એવું કે મદ્રાસથી આવેલો કોઈ માણસ નવા ફ્રિજ, ટીવી, પંખાઓ જેવી વસ્તુઓ અડધી કિંમતે વેચતો હતો. એક દિવસ એ ગઠિયો લાખો રૂપિયા બટોરી ભાગી છૂટ્યો. ભોગ બનેલાઓએ માથા કૂટ્યા. કેટલાંકને એટલો ગુસ્સો આવ્યો કે પેલા ગઠિયાના મકાનનાં બારી બારણાં, ટાઈલ્સ, ફર્નિચર વગેરે કાઢીને લઈ ગયા. (નાસતા ભૂતની ચોટલી.. ને બળતા ઘરનો દાંડો..!) એ ઘર પેલાની માલિકીનું નહોતું; પેલાએ ભાડે રાખ્યું હતું. (જોયું..? રાવણ બનવાની તાકાત હોય તો આખી લંકા ભાડે મળી શકે છે)

પેલા ગઠિયાએ શરુઆતમાં થોડાક માણસને દરેક વસ્તુ અડધી કિંમતે આપી હતી. મહોલ્લામાં કોઈને અડધી કિંમતે સાવ નવુ ફ્રિજ મળ્યું હોય તો વાયુવેગે એ વાત આખા મહોલ્લામાં ફેલાઈ જાય છે. લોકો એ ફ્રિજ નજરે જુએ અને તેને ખાતરી થાય કે સાચે જ નવી નકોર વસ્તુ અડધી કિંમતે મળે છે અને ત્યારબાદ એ માણસ પણ એ દગાકાંડમાં ઝુકાવે છે. પેલું ફ્રિજ ઉંદરના પાંજરામાં લટકાવેલી રોટલી જેવી ભૂમિકા ભજવે છે. માણસને ખાતરી થાય તે માટે પ્રથમ સત્યના થોડા સેમ્પલ પુરાવારૂપે રજૂ કરવા પડે છે.  બગસરાના નકલી સોના પર અસલી સોનાનું ગિલીટ લાગી જાય પછી એ બગસરુ માયાવી સોનાનું રૂપ ધારણ કરી લે છે.

 લોકો છેતરાવા માટે ટાંપીને બેઠા હોય છે. ઉપરની ઘટના બની ત્યારે અમારા એક મિત્રે તેના સાળાને ચેતવ્યો હતો. સાળાને સમજાવતા તેણે કહ્યું હતું: ‘અલ્યા, તું એ વિચાર કે 40 હજારનું બિલકુલ નવુ નકોર ફ્રિજ માત્ર દશ હજારમાં આપીને કોઈ માણસ ત્રીસ હજારની ખોટ શું કામ ખાય? એક દિવસમાં એવા દશ ફ્રિજ વેચાય તો એને પૂરા લાખની ખોટ જાય. કયા માણસને એવો ધંધો પરવડે જેમાં નફો થવાને બદલે ખોટ જતી હોય..? પરંતુ સમાજના બહુ મોટા વર્ગને વિચારવાની ટેવ હોતી નથી. તેમણે તેમનું દિમાગ “નોનયુઝ” માં મૂક્યું હોય છે. પાડોશીને ત્યાં આવેલા નવાનક્કોર ફ્રિજના ચળકાટમાં એની બે પાંચ મિલીગ્રામ બુદ્ધિ પણ સ્વાહા થઈ જાય છે.

 માણસની એ પ્રકૃતિદત્ત્ કમજોરી છે કે મફતમાં મળતી વસ્તુ માટે એને અદમ્ય આકર્ષણ હોય છે. “દોડો… દોડો… એક શર્ટ માત્ર 250 રૂપિયામાં..!” એવી બુમ પાડો તો કોઈ ના ખરીદે. પણ તેમાં ચાલાકીપૂર્વક “મફત” શબ્દ ઉમેરી દઈ એવી બુમો પાડવામાં આવે કે એક શર્ટ ખરીદો તો એક શર્ટ મફત તો ઢગલેબંધ શર્ટ વેચાઈ જાય. (દુનિયા ખરીદતી હૈ.. બેચનેવાલે ચાહિયે…!) આપણો દેશ દગાખોરોનું સ્વર્ગ છે. અહીં સોનાના ઘરેણા ધોઈ આપવાને બહાને ધોળે દહાડે માણસને ધોઈ નાખવામાં આવે છે. અરે..! સત્યનારાયણની કથા રૂપે પણ એવી ધાર્મિક લૂંટ (રિલિજિયસ રૉબરી) થાય છે. પ્રસાદનો અનાદર ના કરાય એવી અંધશ્રદ્ધામાં રાચતો માણસ પ્રસાદ ખાઈને નાદાર થઈ જાય છે. ‘તમારા પૈસા નીચે પડ્યા છે – કહી છેતરાવાના બનાવો પણ બન્યા છે. માણસ જાણે છેતરાવા માટે ટાંપીને બેઠો હોય તેમ રમતવાતમાં છેતરાઈ જાય છે. માણસ પહેલા સામાની લાલચની લાયકાત જાણે છે. જ્યાં બુદ્ધિની બાઉન્ડ્રી પૂરી થાય ત્યાંથી શઠ લોકોનું સામ્રાજ્ય શરુ થાય છે. કોઈ પણ દગાકાંડમાં બુદ્ધિ જ ભાગ ભજવે છે. એકમાં હોય છે બીજામાં નથી હોતી.

ધૂપછાંવ
સચ્ચિદાનંદજીએ ખોટું નથી કહ્યું: “માણસ જેવો પથરો નહીં અને માણસ જેવું રતન નહીં..!”

Most Popular

To Top