‘સર, મને અમેરિકાના B-1/B-2 વિઝા જોઈએ છે.’ સુરતના સરયુબહેને આ કટારના લેખકને ફોન ઉપર જણાવ્યું.
‘બહેન, એ માટે તમે આજે અરજી કરશો તો લગભગ 752 દિવસ પછી તમને ઈન્ટરવ્યૂની તારીખ મળશે.’ ‘હેં! શું વાત કરો છો? ઈન્ટરવ્યૂ મેળવવા માટે આટલો લાંબો સમય?’ ‘હા, બહેન. છેલ્લાં બે વર્ષથી કોવિડ-19 ના કારણે કોન્સ્યુલેટ બંધ રહી હતી અને એથી કામનો ભરાવો ખૂબ જ થઈ ગયો છે. મુંબઈ કોન્સ્યુલેટમાં જો તમે બી-1/બી-2 વિઝા માટે અરજી કરો તો આજે તમારે ઈન્ટરવ્યૂ માટે 752 દિવસની વાટ જોવાની રહે છે.’ ‘તો હું દિલ્હીમાં કે કોલકાતા, ચેન્નઈ યા હૈદરાબાદ કોન્સ્યુલેટમાં અરજી કરું?’ ‘બહેન, દિલ્હીમાં 758, હૈદરાબાદમાં 738, કોલકાતામાં 736 અને ચેન્નઈમાં 617 દિવસ પછી ઈન્ટરવ્યૂનો સમય આપવામાં આવે છે.’ ‘બાપ રે, બાપ! B-1/B-2 વિઝાના ઈન્ટરવ્યૂ માટે આટલા બધા દિવસોની વાટ જોવાની? જો કોઈને કંઈ અગત્યનું કામ હોય તો એ શું કરે?’
‘બહેન, જો કોઈ અગત્યનું કામ હોય, તુરંત જ અમેરિકા જવું જ પડે એવી પરિસ્થિતિ હોય તો પછી અરજી કરીને, પુરાવાઓ દેખાડીને ઈન્ટરવ્યૂનો સમય જલદીથી મેળવી શકો છો.’ ‘એવી શું અગત્યતા હોઈ શકે, જેને કારણે ઈન્ટરવ્યૂનો સમયથી જલદીથી મળી શકે?’ ‘બહેન, કોઈ અંગત સગુ મરણપથારીએ હોય, કોઈ આપ્તજનનું મૃત્યુ થયું હોય, બિઝનેસને લગતું કોઈ અગત્યનું કામ હોય તો અરજી કરતાં ઈન્ટરવ્યૂની તારીખ જલદી મળી શકે.’ ‘એમ? તો સર, હું એમ કહું કે મારી અમેરિકામાં રહેતી US સિટિઝન સિસ્ટર એકદમ સિરિયસ છે તો મને ઈન્ટરવ્યૂની તારીખ જલદીથી મળી શકશે?’ ‘તમારી બહેન ખરેખર સીરિયસ છે?’ ‘ના… ના. આ તો તારીખ જલદી મળે એટલે એવું કહેવાનું.’ ‘બહેન, તમે જે કારણ આપો એ સાચું છે એ દેખાડવા માટે પુરાવાઓ પણ આપવા પડે છે.’ ‘અરે, તો મારી બહેન ત્યાંના કોઈ ડોક્ટરનું સર્ટિફિકેટ મોકલાવશે.’
‘નો… નો. આવું ખોટું ન કરાય. એમ કરતાં જો તમે પકડાશો તો કાયમ માટે તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે.’
‘અચ્છા, પણ ઈન્ટરવ્યૂમાંથી માફી આપવામાં આવે છે ને? પેલું શું કહેવાય છે વિઝા વેવર?’ ‘બહેન, જો ભૂતકાળમાં તમને અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા મળ્યા હોય, તમારી કોઈ પણ પ્રકારના વિઝાની અરજી નકારવામાં આવી ન હોય, તમે અમેરિકાનો પ્રવાસ કર્યો હોય અને તમને ત્યાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એટલો જ સમય તમે ત્યાં રહ્યાં હો, તમારા વિઝા ક્યારે પણ કેન્સલ કરવામાં આવ્યા ન હોય, તમને અમેરિકામાં પ્રવેશતાં અટકાવવામાં આવ્યાં ન હોય, ડિપોર્ટ કરવામાં આવ્યાં ન હોય, તમે 80 વર્ષથી ઉપરનાં કે 14 વર્ષથી ઓછી વયનાં હોવ તો કદાચ તમને ઈન્ટરવ્યૂમાંથી માફી મળી શકે અને ફક્ત બાયોમેટ્રિક માટે જ જવું પડે, પણ તમે તો આ પહેલાં ક્યારે પણ વિઝા મેળવ્યા જ નથી. એ માટે અરજી પણ કરી નથી અને તમે યુવાન છો એટલે તમને વિઝા વેવરનો લાભ મળી નહીં શકે.’
‘સર, તો પછી મારે કરવું શું?’
‘ઈન્ટરવ્યૂ માટે જે તારીખ મળે છે એ લઈ લો. પછી રોજ તપાસ કરતાં રહો કે એનાથી વહેલી કોઈ તારીખ મળે છે. ઘણી વાર ઘણા વિઝાના અરજદારો એમનું એપોઈન્ટમેન્ટ કેન્સલ કરતા હોય છે. આવું કોઈનું એપોઈન્ટમેન્ટ કેન્સલ થાય તો તમને એ તારીખ મળી શકે, પણ એક વાતનું ધ્યાન રાખજો કે રિશિડ્યુલ, ઈન્ટરવ્યૂની ડેટ ફરી પાછી, ત્રણ વાર જ કરી શકો, પછી તમને બ્લોક કરી દેવામાં આવશે અને પછી નવેસરથી પ્રોસેસિંગ ફી ભરવી પડશે.’‘ઓહ બાપ રે, આ તો મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ. માથાનો દુખાવો થઈ ગયો. મારે તો મારી બહેનની વર્ષગાંઠ, જે આવતા મહિને આવે છે, ત્યારે એને સરપ્રાઈઝ આપવા અમેરિકા જવું હતું. સર, હું આ કારણ અર્જન્ટ ડેટ માટે આપી ન શકું?’
‘ના સરયૂબહેન, ઈન્ટરવ્યૂની તારીખ જલદી મેળવવા માટે આ કંઈ યોગ્ય અને સબળ કારણ નથી. હું તમને ચેતવું છું કે તમે બહેનની માંદગીનું ખોટું કારણ આપતાં નહીં. ખોટાં સર્ટિફિકેટો રજૂ નહીં કરતાં. નહીં તો ઈન્ટરવ્યૂ માટે જલદીથી તારીખ તો આપવામાં નહીં આવે, પણ ભવિષ્યમાં તમને અમેરિકામાં પ્રવેશવા માટેના કોઈ પણ પ્રકારના વિઝા આપવામાં નહીં આવે.’
અમેરિકાના વિઝા મેળવવા માટે અનેકો ખરાં-ખોટાં કારણો આપે છે, ખોટા દસ્તાવેજો રજૂ કરે છે, વિઝાના એપ્લિકેશન ફોર્મમાં ખોટી વિગતો ભરે છે, ઈન્ટરવ્યૂમાં ખોટું બોલે છે, આવું કરતાં જેઓ પકડાય છે એમની હાલત ભૂંડી થાય છે. એમના માટે અમેરિકાના દરવાજા હંમેશ માટે બંધ થઈ જાય છે.
અનેકોને આવું ખોટું કરતાં ઈન્ટરવ્યૂની તારીખ જલદી મળે છે, વિઝા પણ મળી જાય છે, પણ પછીથી, આજે નહીં તો કાલે તેઓ પકડાઈ જાય છે. પછી એમની બહુ બૂરી વલે થાય છે. અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરો ત્યારે આપણા પૂજ્ય બાપુ, મોહનદાસ કરમચંદ ગાંધીના ત્રણ વાંદરાઓને યાદ કરજો: ખોટું બોલતા નહીં, ખોટું સાંભળતા નહીં, ખોટું કરતા નહીં. સચ્ચે કા બોલ બાલા, જૂઠે કા મુઁહ કાલા.