આપણી બોલવાની-લખવાની ભાષામાં અવારનવાર કેટલાક અજાણ્યા શબ્દો ટપકી પડે, જેમાંથી અમુક લાંબો સમય સુધી ટકી જાય તો કેટલાક જેટલી ઝડપે આવ્યા હોય એથી બમણી ગતિએ ગુમ થઈ જાય-વિસરાઈ પણ જાય. અલબત્ત, આ ક્રિયા-પ્રક્રિયા આપણી ભારતીય ભાષાઓ કરતાં વિદેશી ભાષામાં -એમાંય અંગ્રેજીમાં વિશેષ નજરે ચઢે છે. થોડા મહિના પહેલાં બે ઈંગ્લિશ શબ્દોએ આપણું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. એ હતા: ‘ગેસલાઈટિંગ’ અને ‘મૂનલાઈટિંગ’. એ વખતે ‘ગેસલાઈટિંગ’ શબ્દનો વપરાશ વધુ હતો ‘મૂનલાઈટિંગ’ શબ્દની સરખામણીએ… પાછળથી એ બન્ને આપણા લખાણને વપરાશમાંથી ક્રમશ: ગુમ થઈ ગયા અને હવે એમાંથી એક શબ્દ ‘મૂનલાઈટિંગ’ ફરી અચાનક ચલણમાં પ્રગટયો છે અને એની સાથે એક ચર્ચા અને વિવાદ પણ સર્જાયો છે.
સૌ પ્રથમ આ બે શબ્દને સમજી લઈએ. ‘ગેસલાઈટિંગ’ એટલે એક એવા પ્રકારની ભ્રામક સ્થિતિનું સર્જન જે હકીકતમાં ન હોય તો પણ મનોમન સાચી લાગવા માંડે. એમ કહી શકાય કે મન-મગજની આ રમતમાં કોઈને ઈરાદાપૂર્વક આડે રસ્તે ચઢાવવાનું ષડયંત્ર એટલે ‘ગેસલાઈટિંગ’. એમાં સપડાયેલી વ્યક્તિના મન-મગજમાં એવું ઠસાવી દેવામાં આવે છે કે એની સમજણશક્તિ કાચી પડી છે માટે એ ખરા નિર્ણય લઈ નથી શકતી! આવી નબળી મનોશક્તિ ધરાવતી વ્યક્તિ પર આ એક રીતે આડકતરો અત્યાચાર છે, જેને મનોવિજ્ઞાનીઓ ‘ઈમોશનલ ઍબ્યૂઝ’તરીકે ઓળખાવે છે. આવા ‘અત્યાચાર’વાળા કથાનક પરથી થોડાં વર્ષ પહેલાં હોલીવૂડમાં ‘ગેસલાઈટિંગ’ના જ ટાઈટલ સાથે બનેલી એક ફિલ્મ ‘ઑસ્કાર’વિજેતા ઠરી હતી. ત્યાં તો આવી કથાવસ્તુ સાથે બીજી અનેક સફળ ફિલ્મો બની છે. થોડા મહિના પહેલાં આવી જ એક ફિલ્મ ‘ગર્લ ઓન ધ ટ્રેન’ની સત્તાવાર આવૃત્તિ જેવી આપણે ત્યાં હિન્દી ફિલ્મ પણ બની, પરંતુ પરિણીતી ચોપરા અભિનિત એ ફિલ્મ ગુડ્સ ટ્રેન જેવી સુપર ફલોપ નીવડી.
બીજી તરફ, ‘ગેસલાઈટિંગ’ની જેમ અગાઉ ચલણમાં આવીને અલોપની ખીણમાં ધકેલાઈ ગયેલો શબ્દ ‘મૂનલાઈટિંગ’ હમણાં ઊંઘમાંથી સફાળા જાગેલા ભૂતની જેમ ધૂણવા લાગ્યો છે.આ વિવાદ જગાડનાર ‘બ્રેકિંગ ન્યૂઝ’ આપ્યા છે આપણી વિખ્યાત IT કંપની ‘વિપ્રો’એ. જાણીતા ઉદ્યોગ સાહસિક -દાનવીર એવા અઝિમ પ્રેમજીની ‘ઈન્ફોર્મેશન ટેકનોલોજી’(IT)ફિલ્ડમાં વ્યાપક વ્યવસાય કરતી આ કંપનીએ પોતાના 300 સ્ટાફને એકસામટા જોબ પરથી તગેડી મૂક્યા છે ! એક સાથે આવડી મોટી સંખ્યામાં કર્મચારીઓને સાગમટે કાઢી મૂકવાના કારણ હતું : ‘મૂનલાઈટિંગ’! 300ના સમૂહમાં જેમની જોબ આંચકી લેવામાં આવી એવો આ ‘મૂનલાઈટિંગ’ શબ્દ્ આમ તો સાંભળો-વાંચો ત્યારે કોઈને પણ શીતળ ‘ચન્દ્રપ્રકાશ’ની કલ્પના સહેજે થાય પણ એ શબ્દ ઠંડક-શીતળતા પ્રસારવાને બદ્લે કેવો દાહક છે એની વાસ્તવિકતા તો એણે સર્જેલા વાદ-વિવાદ અને વિખવાદથી જ સમજાય. આ શબ્દ ‘IT’ ફિલ્ડમાં આજે સ્ફોટક કેમ બન્યો એ જાણતાં પહેલાં ‘મૂનલાઈટિંગ’ વિશે થોડું સમજી લેવા જેવું છે.
ધારી લો કે તમે કોઈ ચોક્કસ કંપનીમાં સવારથી સાંજ જોબ કરતા હો એ નિયત સમય પતાવીને તમે બીજી જગ્યાએ પણ અમુક કલાક વધારાનું કામ કરો પછી તમે ત્યાંથી પણ મહેનતાણું મેળવો એને આપણે ‘પાર્ટટાઈમ’ જોબની કમાણી કહીએ છીએ. આમ તો મોટાભાગના માલિકોને એના સ્ટાફના આવા વધારાના કામ અને આવકથી વાંધો પણ નથી હોતો. હવે ‘મૂનલાઈટિંગ’ એટલે મૂળ જોબ ઉપરાંત વધારાનું એવું કામ, જેના વિશે ફૂલટાઈમ જોબ કરતા હો એ કંપનીને એની જાણ ન હોય. મૂળ માલિક્થી તમે છુપાવીને જે વધારાનું કામ કરીને આવક રળો છે એ બની શકે કે તમારા મૂળ કંપનીનાં કામ કે હિતને નુકસાનકારક પણ હોય શકે.
બીજા શબ્દોમાં કહીએ તો તમારા મૂળ બૉસની પીઠ પાછળ રાતના અંધારામાં થતી વધારાની આવકવાળાં કામ માટે ‘મૂનલાઈટિંગ’ શબ્દપ્રયોગ થાય છે. આવાં કામ ઉપરાંત પતિ-પત્ની કે પ્રેમીયુગલના એક કરતાં વધારાનાં લફરાં માટે પણ ‘મૂનલાઈટિંગ’ શબ્દ જાણીતો છે ! આ શબ્દપ્રયોગ કોરોનાના બે-અઢી વર્ષ પછી વધુ ‘પ્રકાશ’માં આવ્યો છે કારણ કે આ પ્રકારનાં કાર્ય કોરોના લોકડાઉન દરમિયાન અને એ પછી પણ વધુ પ્રમાણમાં થયાં. કોરોનાને લીધે સર્વવ્યાપી ઘરબંધી વખતે શરૂઆતમાં તો ઘણાને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) ની વ્યવસ્થા ફાવી ગઈ પણ કપાતા પગારે ફૂલટાઈમ જોબની આર્થિક સંકડામણ ઘણાને પજવવા માંડી પછી અમુક ભેજાબાજોને એનો ઉપાય ઘરબંધીમાં જ મળી ગયો.
તાજેતરમાં એવા કિસ્સા બહાર આવ્યા છે કે આપણે ત્યાં અનેક પગારદાર લોકો ઘરે બેસીને પોતાની ઑફિસના ‘વર્ક ફ્રોમ હોમ’ની સાથે બીજાનાં કામનું પણ ‘મૂનલાઈટિંગ’ કરતા હતા. વિદેશોમાં તો અમુક વીરલાઓ તો મૂળ નોકરીની સમાંતરે બીજી 5થી 6 કંપનીનાં બિન્દાસ જોબ કરતા હોય છે! આવાં જ વધારાનાં કામને વધારાની આવક્નો માહોલ આપણે ત્યાં પણ બહુ ઝડપથી ખાનગીમાં જામી રહ્યો હતો ત્યાં અઝિમ પ્રેમજીની ‘વિપ્રો’એ અચાનક ધડાકો કરીને પોતાને ત્યાં આવું ‘મૂનલાઈટિંગ’ કરતાં 300 સ્ટાફરોને એકસાથે બરતરફ કરીને ‘ IT’ સેકટરમાં સોપો પાડી દીધો !
‘વિપ્રો’નું કહેવું છે કે જેમને અમારે ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા છે એમાંના ઘણા તો અમારી હરીફ એવી અનેક કંપની માટે ‘મૂનલાઈટિંગ’ કરતા હતા! મૂળ કંપની સાથે આ રીતે દગો-ફટકો કરવો એ નૈતિક ગુનો ગણાય. ‘વિપ્રો’ના પગલે પગલે નારાયણ મૂર્તિની આગવી ‘IT’ કંપની ‘ઈન્ફોસિસ’ તેમ જ અગ્રણી ‘IBM’(ભારત) કંપનીએ પણ એના સ્ટાફને કડક ચીમકી આપી છે કે અમે પણ આવી ‘મૂનલાઈટિંગ’ વૃતિ-પ્રવૃત્તિ ચલાવી નહીં લઈએ. ‘વિપ્રો’એ જલદ પગલાં ભલે લીધાં પણ આજે વાસ્તવિકતા એ છે કે આપણા IT સેકટરની અનેક કંપનીમાં આ ‘મૂનલાઈટિંગ’ની પ્રવૃત્તિ બેફામ ચાલી રહી છે.
હવે તો એક્થી વધુ PF (પ્રોવિડન્ટ એકાઉન્ટ ) ધરાવતી અનેક વ્યક્તિનાં પગેરું પણ મળી રહ્યાં છે. તાજેતરમાં બેંગ્લુરુની એક સોફ્ટવેર કંપનીનો આવો ‘મૂનલાઈટિંગ-વીર’તો એક સાથે અન્ય 7 કંપનીના ‘PF’અકાઉન્ટ ધરાવતો ઝડપાયો હતો. આ આપણા માટે ખરેખર ચોંકાવનારી વાત ગણાય પરંતુ અમેરિકામાં તો આ ‘મૂનલાઈટિંગ’નું જબરું ચક્કર ચાલે છે. તાજેતરમાં ત્યાંના એક સ્ટાફરે પોતાના સોશ્યલ મીડિયા પર પોરસાઈને એવી પોસ્ટ મૂકી હતી કે કોરાનાકાળમાં એક સાથે 5 સ્થળે ‘મૂનલાઈટિંગ ‘કરીને એ 7 લાખ ડોલર એટલે કે આજના ભાવે આશરે 5 કરોડ 78 હજાર રૂપિયા કમાયો હતો!
આવી ‘મૂનલાઈટિંગ’ની પ્રવૃત્તિ પર અંકુશ પર મૂકવાનો હવે કંપનીઓ પાસે એક જ ઉપાય છે કે આવા દૂષિતોને જોબ પરથી તગેડી મૂકવા અને બીજા સ્ટાફર્સ પાસે ઘેરબેઠા કામ કરાવવાને બદલે એમના કાન પકડીને તાત્કાલિક ઑફિસ ભેગા કરવા…! આમ સૈદ્ધાંતિક રીતે ‘મૂનલાઈટિંગ’ ભલે ઝડપથી વ્યાપી રહેલી એક બદી ગણાય પણ સામે છેડે એક વર્ગ એવો પણ છે જે ‘મૂનલાઈટિંગ’ને માન્યતા આપવાની હિમાયત પણ કરે છે…! જાણીતી IT કંપની ‘ટેક મહિન્દ્રા’ના સંચાલકો પણ કહે છે કે મૂળ કંપનીની કામગીરી બરાબર બજાવતા સ્ટાફર વધારાની આવક રળવા માટે જો કોઈ પણ પ્રકારના ફ્રોડ-છેતરપિંડી ન કરતા હોય તો એમને એ ‘વધારા’નું કામ કરવા દેવું જોઈએ..! ઓછા મહેનતાણાથી અસંતુષ્ઠ રહેતો કર્મચારી પોતાના કામમાં લોચા મારે- મન મૂકીને ન કરે એના કરતાં તો બહારથી વધારાની આવક રળીને કંપનીનું કામ પણ બહેતર રીતે કરે એમાં કશું ખોટું નથી…!
આવા અભિપ્રાય ઘણી કંપનીના સર્વોચ્ચ વડાએ આપ્યા છે. ખુદ કેન્દ્ર સરકારના કૌશલ વિકાસ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચન્દ્રશેખર તો શબ્દ ચોર્યા વગર સ્પષ્ટ કહે છે કે જો કંપની સાથે થયેલા કરારના મૂળ નીતિ-નિયમોનો ભંગ ન થતો હોય તો સ્ટાફર લૅટેસ્ટ ટેક્નોલૉજી શીખી – વધારાનું જ્ઞાન મેળવીને બહારનું કામ કરે- અંગત આવક વધારે એ બધાને સરવાળે આખરે તો એની મૂળ કંપનીને જ ફાયદો થાય માટે સ્ટાફની ‘મૂનલાઈટિંગ’ વૃત્તિ- પ્રવૃત્તિને સરકાર સહિત બધાએ પ્રોત્સાહન આપવું જોઈએ!