Sports

મહિલા એશિયા કપમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું, મેચમાં બન્યો આ રેકોર્ડ

સિલહટ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે(Indian women’s cricket team) શનિવારે સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ(Asia Cup) 2022 T20 ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં શ્રીલંકા(Sri Lanka)ની ટીમને 41 રનથી હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેની સામે ભારતે(India) સમગ્ર 20 ઓવરમાં 6 વિકેટે 150 રન બનાવ્યા અને ત્યારબાદ શ્રીલંકાને 18.2 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ કરી દીધું.ભારત તરફથી હેમલતાએ ત્રણ અને પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. બેટિંગમાં ભારતીય ટીમ તરફથી જેમિમાહ રોડ્રિગ્સે સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી. તેણે 143.40ની સ્ટ્રાઈક રેટથી 53 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 33 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેન વચ્ચે 92 રનની શાનદાર ભાગીદારી થઈ હતી.

આ રીતે ભારતે મેચ જીતી
પ્રથમ બેટિંગ કરતા ભારતે 23ના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. હરમનપ્રીત કૌર (33) અને રોડ્રિગ્ઝ (76)એ 92 રનની ભાગીદારી કરીને ભારતને સારા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. શ્રીલંકા તરફથી ઓસાદી રાણાસિંઘે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સ્કોરનો પીછો કરતા શ્રીલંકાએ વારંવાર અંતરાલમાં વિકેટ ગુમાવી અને 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી દયાલન હેમલતાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

રોડ્રિગ્ઝેની શાનદાર ઈનિંગ્સ
ત્રીજી ઓવરમાં જ બેટિંગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ રમી અને પોતાની T20 ઇન્ટરનેશનલ કરિયરની આઠમી અડધી સદી ફટકારી. રોડ્રિગ્ઝે 53 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં શ્રીલંકા સામે આ તેની ત્રીજી અડધી સદી છે. આ રોડ્રિગ્ઝની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સૌથી મોટો સ્કોર પણ બની ગયો છે.

હરમનપ્રીત મહિલા T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠી ખેલાડી બની
કેપ્ટન હરમનપ્રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં એક છેડો પકડી રાખવાનું કામ કર્યું અને રોડ્રિગ્ઝને સારી રીતે રમાડ્યો. તેણે 30 બોલમાં 33 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં તેણે 133 મેચમાં 2,635 રન બનાવ્યા છે. ચાર્લોટ એડવર્ડ્સ (2,605)ને પાછળ છોડીને તે આ ફોર્મેટમાં છઠ્ઠી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.

દીપ્તિએ ચુસ્ત બોલિંગ કરી
ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી અને ચાર ઓવરમાં માત્ર 15 રન આપીને બે વિકેટ લીધી. આ સાથે દીપ્તિએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 70 મેચમાં 70 વિકેટ ઝડપી છે. તે આ ફોર્મેટમાં 70 કે તેથી વધુ વિકેટ લેનારી ભારતની માત્ર બીજી બોલર છે. ભારત તરફથી પૂનમ યાદવે (98) સૌથી વધુ વિકેટ લીધી છે.

Most Popular

To Top