સુરત: સુરત(Surat)નાં લાજપોર જેલ(Lajpor Jail)માં કર્મચારીઓએ( employees)સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાની વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આજથી હડતાળ(strike) પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે. સરકાર સામે 8 માંગણીઓ મૂકી છે જે મંજુર ન થાય ત્યાં સુધી કર્મચારીઓ કામથી અળગા રહેશે.
- સુરત લાજપોર જેલના કર્મચારીઓની હડતાળ
- 8 માંગોને લઇ સરકાર સામે મોરચો, માસ સી.એલ પર જવાની ચીમકી આપી
- માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ રજા પર રહેશે
સુરતના લાજપોર જેલના કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની વિવિધ માંગોને લઇ જેલ કર્મચારીઓએ આંદોલન શરુ કર્યું છે. આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ લાજપોર જેલની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે તેઓએ હડતાળ શરુ કરી છે.
કર્મચારી સાથે પરિવાર પણ આંદોલનમાં જોડાયું
જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં જેલના કર્મચારીઓ ને સમાવવા માંગ સહિત કુલ આઠ માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવી છે. તેમજ પોલીસ અધિક મહાનિદેશકને આ બાબતે રજુઆત કરી હતી. જો કે હવે તેઓએ આ મામલે આજથી માસ સી.એલ પર જવાની કર્મચારીઓની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ કહ્યું હતું કે, માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ રજા પર રહેશે. કર્મચારીઓની આ હડતાળમાં હવે તેમના પરિવારજનો પણ જોડાયા છે. પરિવારના નાના બાળકો અને મહિલાઓ પણ મધ્યસ્થ જેલના ગેટ ઉપર બેસીને હડતાળમાં જોડાયા છે.
જેલનું કામકાજ કેદીઓનાં હાથમાં!
કર્મચારીઓની હળતાળનાં પગલે જેલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કર્મચારીઓએ કામકાજ બંધ કરી દેતા જેલની કામગીરી ખોરવાઈ ગઈ છે અબને હવે તેઓના બદલે લાજપોર જેલના કેદીઓને કામે લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કર્મચારીઓના સ્થાને હવે કેદી કામ કરી રહ્યા છે. કેદીઓની મુલાકાત કેદીઓ કરાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કર્મચારીઓમાં પોતાની માંગણીઓને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ તેને ગંભીરતાથી ધ્યાને ન લેવાતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે જેલ કર્મચારીઓના આંદોલનને સમેટવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકારે પાંચ સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટી સરકાર સામે રિપોર્ટ રજુ કરશે. જેના આધારે હકારાત્મક ઉકેલ આવી શકે છે.