સુરત : શેરબજારમાં (Stock Market) 1.40 કરોડનુ નુકસાન (Loss) થતા તે ચૂકવવા માટે વ્યાજખોર પાસે ગયેલા સુધીર ગોયાણી (રહે, બરોડા પ્રિસ્ટેજ જયભવાની સોસાયટી)ને 1.40 કરોડ સામે 6 કરોડ રૂપિયા વ્યાજ (Interest) સાથે ચૂકવવાની નોબત આવી હતી. તેમાં વગર લાયસન્સે વ્યાજનો ધંધો કરી રહેલા ઘનશ્યામ ચાવડા અને તેના સગાભાઇ હરેશ ચાવડા સામે પોલીસ (Police) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બે ભાઇઓએ સુધીર ગોયાણી અને તેના પિતા અશોક ગોયાણીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલો ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થયો હતો.
- 3 વર્ષમાં વ્યાજખોરો દ્વારા 1.40 કરોડના લેણા સામે 6 કરોડની વસૂલાત કઢાઇ
- યુવાન અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ
આ મામલે આરોપી ઘનશ્યામ ચાવડા (રહે, આઇકોન હાઇટસ, પૂણા ગામ ) પાસેથી 1.40 કરોડ રૂપિયા સુધીર ગોયાણીએ શેર બજારમાં ખોટ જતા ઉછીના લીધા હતા. સુધીર ગોયાણીના જે લોકોને નાણા આપવાના હતા. તે લોકોને 3 દુકાનો ઘનશ્યામ ચાવડા દ્વારા આપવામાં આવી હતી. આ મામલે સુધીર ગોયાણીએ જણાવ્યું કે 2019 થી 2021 દરમિયાન 3 વર્ષમાં જ આ નાણા છ કરોડ રૂપિયા સુધી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે થઇ ગયા હતા. આ નાણા તેઓ નહીં આપી શકતા તેમને અને તેમના પિતા તથા પરિવારજનોને મારી નાંખવાની ધમકી માથાભારે ઘનશ્યામ ચાવડા દ્વારા વારંવાર આપવામાં આવી હતી. દરમિયાન છ કરોડ રૂપિયા વ્યાજ સાથે થતા સુધીર ગોયાણીના પિતા અશોક ગોયાણીએ ઘનશ્યામ ચાવડાને 3 ટકા લેખે વ્યાજ લેવા વિનંતી કરી હતી. તેમાં 2.85 કરોડ રૂપિયા આપવાનુ નિયત થયુ હતુ. આ વાત થઇ હોવા છતા ઘનશ્યામ ચાવડા દ્વારા ચાકુ સાથે ઘસી જઇને નોટરી પાસે સુધીર ગોયાણીને લઇ જઇને 3.66 કરોડ રૂપિયા લેવાના છે તેમ કહીને લખાણ સહી સિક્કા સાથે લખાવી લીધુ હતુ. આ મામલે ગોયાણી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી બંને ભાઇઓ ઘનશ્યામ ચાવડા તથા હરેશ ચાવડા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.