SURAT

સુરત: પૂણામાં પાલિકાના શોપીંગ સેન્ટરમાં દુકાન અપાવવાના બહાને ટેલર સાથે ઠગાઇ

સુરત : ગોડાદરામાં (Godadra) રહેતા પિતા-પુત્રોએ પરવત પાટીયા પાસે રહેતા ટેલરની સાથે સરકારી મિલકતમાં દુકાન આપવાનું કહીને સાડા ચાર લાખની ઠગાઇ (Fraud) કરી હતી. જ્યાં મનપા દ્વારા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો જ નથી તે જગ્યાના પાવર ઓફ એટર્ની તેમજ કબજા સહિતનો વેચાણ દસ્તાવેજ બનાવી આપીને રૂપિયા પડાવી લેવાયા હતા. પાંચ વર્ષ સુધી સરકારી મિલકત વહેંચી શકાય નહીં તેનો નિયમ હોવા છતાં પણ આ મિલકત વેચીને ઠગાઇ કરનારા ત્રણ પિતા-પુત્ર સામે પૂણા પોલીસે છ મહિના બાદ ગુનો નોંધી તેઓની ધરપકડ પણ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ યુપીના વતની અને સુરતમાં પરવત પાટીયા પાસે હળપતિવાસમાં રહેતા ચંદ્રબહાદુર રામબરન પ્રજાપતિ સિલાઇકામ કરી પરિવારનું ગુજરાન કરે છે. સને-2016માં તેમની દુકાને બેસવા આવતા તેમના મિત્ર સૂર્યપ્રકાશ ઉર્ફે પપ્પુ પ્રજાપતિએ ચંદ્રબહાદુરની મુલાકાત સણીયા કણદે રોડ ઉપર ગુમાનસિંહ રો હાઉસમાં રહેતા રમણભાઇ ઉર્ફે રમેશભાઇ ગોરધનભાઇ પરમાર, તેનો પુત્ર ગૌરવ અને સચિનની સાથે કરાવી હતી. ચંદ્રબહાદુરએ રમણભાઇને એક દુકાનની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં રમણભાઇ અને તેના પુત્રોએ ચંદ્રબહાદુર કહ્યું હતું કે, પૂણાગામ બુટભવાની મંદિર પાસે ખુલ્લી જગ્યામાં મનપા દ્વારા કોમ્પલેક્ષ બનવાનું છે તે કોમ્પલેક્ષમાં દુકાન નં.3 અમને ફાળવણી કરી છે અને આ દુકાન એક વર્ષમાં તૈયાર થઇ જશે, આ દુકાન તમારે જોઇતી હોય તો અમારે વેચવાની છે.

ચંદ્રબહાદુરએ દુકાનનું લોકેશન જોઇને ખરીદવાની તૈયારી બતાવી હતી, પરંતુ જે-તે સમયે તેની પાસે પુરતા રૂપિયા નહીં હોવાથી ચંદ્રબહાદુર અને તેના મિત્ર સૂર્યપ્રકાશે ભાગીદારીમાં દુકાન લેવાનું નક્કી કર્યું હતુ અને આ દુકાનની કિંમત રૂા. 4.50 લાખ નક્કી કરવામાં આવી હતી. દુકાનનું બાંધકામ થયા બાદ એક વર્ષમાં કબજો પણ સોંપી દેવાનું નક્કી થયું હતું. જે અંગે ચંદ્રબહાદુર અને સૂર્યપ્રકાશે 4.50 લાખ આપી દીધા હતા. થોડા દિવસો બાદ રમણભાઇના પુત્ર ગૌરવ ચંદ્રબહાદુરને એક કાગળ આપી ગયો હતો. જેમાં દુકાનનો કબજો ચાર મહિનામાં મળી જશે તેમ લખ્યું હતું.

ચાર મહિના છતાં બાંધકામ શરૂ નહીં થતા ચંદ્રબહાદુરએ સમાજ સેવિકાને બોલાવીને પુછપરછ કરતા તેમાં પૂણા વિસ્તારમાં મનપાનો કોઇ પ્રોજેક્ટ હતો જ નહીં, આ પ્રોજેક્ટ કરંજમાં થયો હોવાનું જણાવ્યું હતું. બીજા એક કાગળમાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા રમણભાઇને દુકાનની ફાળવણી થઇ છે અને દુકાન મળ્યા બાદ પણ તેઓ પાંચ વર્ષ સુધી આ દુકાન કોઇને વેચાણ કરી શકશે નહીં. રમણભાઇએ બનાવેલા પાવર ઓફ એટર્ની ખોટી રીતે બનાવ્યું હતા અને ખોટા દસ્તાવેજ બનાવી રૂપિયા લઇ લીધા હતા. જે અંગે પૂણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી રમણભાઇ પરમાર અને તેના બે પુત્રોની ધરપકડ કરી હતી.

ફરિયાદ દાખલ કરવામાં છ મહિના જેટલો લાંબો સમય
ફરિયાદી ચંદ્રબહાદુરના જણાવ્યા પ્રમાણે તેઓની સાથે રમણભાઇ અને તેના બે પુત્રોએ કરેલી ઠગાઇના કેસમાં છ મહિના પહેલા પૂણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ એક યા બીજા કારણોસર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો. આ કેસની અગાઉ તપાસ કરી રહેલા પીએસઆઇ જેબલીયાએ પણ શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. આખરે આ સમગ્ર મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ આ કેસમાં પૂણા પોલીસનો ચાર્જ લેનાર નવા પીઆઇ વી.એમ. કોલાદરાએ આરોપી રમણભાઇ અને તેના પુત્રો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

આરોપીઓએ સરકારી જમીનના કબજા રસીદ અને પાવર ઓફ એટર્ની ઊભી કરી નાણા પડાવી લીધા
પૂણા પોલીસે ત્રણેય પિતા-પુત્રની ધરપકડ કરીને ઠગાઇના કેસમાં સોમવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા કોઇ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી. બીજી તરફ ત્રણેયએ જામીન મુક્ત થવા માટે વકીલ મારફતે તાત્કાલિક જામીન અરજી કરી હતી. આ કેસમાં મુળ ફરિયાદી ચંદ્રબહાદુરના વકીલ અશ્વિન જોગડીયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપીઓ સામે આઇપીસી-467 સહિતની કલમો દાખલ કરવામાં આવી છે. જેમાં સજાની જોગવાઇ આજીવન કેદની છે અને આરોપીઓની જામીન અરજી ચલાવવાની સત્તા પણ સેશન્સ કોર્ટને જ હોવાથી સુરતની નીચલી કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો અને ત્રણેયને લાજપોર જેલમાં મોકલી દેવા જણાવ્યું હતું. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સરકારી જમીનની કબજા રસીદ અને પાવર ઓફ એટર્ની ફરિયાદીને લખી આપીને રૂપિયા પડાવી લીધા હતા.

Most Popular

To Top