ભરૂચ: ભરૂચમાં (Bharuch) છેલ્લા ઘણા સમયથી બાળકો ઉઠાવતી (children Pick) ટોળકી (Gang) સક્રિય (Active) થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે ભરૂચના મહંમદપુરા એપીએમસી નજીક બે મહિલાઓ (Two Woman) બાળકોને ઉઠાવી જતી હોવાની શંકાએ ટોળું એકત્ર થઈ ગયું હતું અને મહિલાઓ વચ્ચે બોલાચાલી બાદ બાળકો ઉઠાવી જતી ટોળકીની બે મહિલાઓ હોવાનો આક્ષેપ લગાવી તેને ઢોરમાર મારી હોવાની ઘટના સામે આવી છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બે મહિલાઓ બાળકોને ઉઠાવી જતી હોવાની શંકાએ સમગ્ર ટોળું એકત્ર થઈ ગયું હતું અને બે મહિલાને લાફાવાળી કરવા સાથે વાળ પકડી માર મારી મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
બંને મહિલાને લોકોએ પોલીસના હવાલે કરી
બાળકો ઉઠાવી જવાની શંકાએ બે મહિલાને ઢોર માર મરાતો હોવાનો વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બંને મહિલાને લોકોએ પોલીસના હવાલે કરી હોવાની માહિતી સાંપડી રહી છે. જો કે, બંને મહિલા ક્યાંથી આવી છે અને કયાં કારણોસર આવી છે એ દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે. લોકોનાં ટોળાંએ મહિલાઓને માર મારતાં ગંભીર ઇજાથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ઈકો ગાડી લઈને આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. જેના પગલે પોલીસે પણ નંબર પ્લેટ વગરની ઈકો ગાડી અંગેની શોધખોળ આરંભી છે.
માતા-પિતાને જાણ કરતાં રહીશોએ મહિલાઓનો પીછો કર્યો
સમગ્ર પ્રકરણની હકીકતમાં બંને વિદ્યાર્થિનીઓ મહમદપુરા તરફથી મહેંદી ક્લાસમાંથી પોતાના ઘર તરફ જઈ હતી. દરમિયાન એક ઈકો ગાડીમાંથી ઊતરેલી બે મહિલાએ બંને વિદ્યાર્થિનીઓને બોલાવી તેનો પીછો કરવાનો પ્રયાસ કરતાં બંને વિદ્યાર્થિનીએ ઘરે પહોંચી માતા-પિતાને જાણ કરતાં રહીશોએ મહિલાઓનો પીછો કર્યો હતો, અને મહિલાઓને ઝડપી પાડી હતી. મહિલાઓ ઝડપાઈ ગઈ અને નંબર પ્લેટ વગરની ઇકો ગાડીવાળાઓ ભાગી જવામાં સફળ થયા હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા.
અમરોલીમાં ચોરી કરવા આવેલા અજાણ્યાને સ્થાનિકોએ માર મારતા મોત
સુરત : અમરોલી કોસાડ રોડ ખાતે આવેલી એક સોસાયટીમાં ચોરી કરવા ઘુસેલા અજાણ્યાને સ્થાનિક લોકોએ પકડીને માર માર્યો હતો. લોકોના મારથી મોતને ભેટેલા અજાણ્યાની લાશ બીજા દિવસે મળતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી-નવા કોસાડ રોડ સ્થિત હરિકૃષ્ણ રેસીડન્સી નજીક નિસાર સ્ક્રેપ પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. રાહદારીએ પોલીસમાં જાણ કરતા અમરોલી પોલીસે લાશનો કબ્જો લઇ સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
પોસ્ટમોર્ટમમાં મૃતકનું મોત મૂઢ માર અને પીઠમાં ગંભીર ઇજા થવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. અમરોલી પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા અજાણ્યો યુવક ગઈકાલે રાતે ચોરી કરવાના ઇરાદે આવ્યો હતો. પરંતુ સ્થાનિક રહેવાસીઓ જાગી જતા તેને માર મારતા મોત થયું હતું. જેને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.