Gujarat

કોંગ્રેસીઓએ 1964થી નર્મદા યોજના ટલ્લે ચડાવી હતી: અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર

ગાંધીનગર : ગુજરાતની (Gujarat) બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે છ સમારંભોમાં હાજરી આપીને સંબોધન કર્યુ હતું. જો કે બાવળા ખાતે એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કોંગ્રેસ (Congress) આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે કોંગ્રેસે 1964થી નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી.
શાહે બાવળા ખાતે કહ્યું હતું કે કોંગ્રેસીઓએ 1964થી નર્મદા યોજના ટલ્લે ચડાવી હતી. જો નરેન્દ્ર મોદી પાણી લાવ્યા ના હોત તો આજેય હાલત તેવી જ હોત. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી ભગીરથ કામ કર્યુ અને નર્મદાના નીર અમદાવાદ શહેર – જિલ્લા સુધી પહોંચાડ્યા હતા. આ ઉપરાંત તેમણે ખેડૂતોને દિવાળી તથા બેસતા વર્ષમાં વધુ ઘી નાંખી કંસાર બનાવવાનું કહી સારા દિવસો ચાલુ થયા તેવું જણાવ્યું હતું. શાહે કહ્યું હતું કે આપણે બધાએ નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ. તેઓ જ નર્મદાનું પાણી ગુજરાતમાં લાવ્યા છે.

  • કેન્દ્રિય ગૃહ મંત્રી અમદાવાદમાં છ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા, બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સંબોધન કર્યુ
  • અમદાવાદ જિલ્લાના સાણંદના વિરોચન નગરના પૌરાણિક મેલડી માતાજીના મંદિરે પૂજા-દર્શન કર્યા

શાહે અમદાવાદ જિલ્લાના બાળવા ખાતે ખેડૂત સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે, આજે મારા જેવા વ્યક્તિ માટે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે બહુ સંતોષનો દિવસ છે. કારણ કે અનેક વર્ષોથી સિંચાઇ વિનાના કુલ 164 ગામોને હવે સંપૂર્ણ સિંચાઇ સુવિધા મળી રહી છે. ગુજરાત સરકારે પહેલા 153 ગામો અને ત્યારબાદ આપણા એકદમ સૂકાભઠ્ઠ 11 ગામો આમ કુલ 164 ગામોના 69632 હેક્ટરના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સાણંદ તાલુકાના 37 અને બાવળા તાલુકાના 16 ગામો જે તેમના મતવિસ્તારમાં આવે છે, તેમને નર્મદાના પાણીનો લાભ મળશે.

શાહ સોમવારે અમદાવાદમાં જુદા જુદા છ જેટલા સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે વિરોચન નગરમાં પૌરાણિક મેલડી માતાજીના મંદિરે દર્શન સાથે પૂજા-અર્ચના કરી હતી. આવતીકાલે શાહ ગાંધીનગરમાં રૂપાલના વરદાયિની માતાજીના મંદિરે દર્શને જશે, જ્યારે રાત્રે માણસા ખાતે તેમના વતનમાં બહુચરાજી માતાજીના મંદિરે પરંપરા મુજબ આરતીમાં ભાગ લઈને પૂજા-અર્ચના કરશે.

Most Popular

To Top