મેરિકન પોપ આર્ટીસ્ટ એન્ડી વોર્હોલે 1968માં કહ્યું હતું કે, “ઇન ધ ફ્યુચર એવરીવન વીલ બી ફેમસ ફોર 15 મિનિટ,”- ભવિષ્યમાં દરેક માણસ 15 મિનિટ માટે પ્રખ્યાત થશે. એન્ડી વોર્હોલે રિયાલિટી ટેલિવિઝન અને સેલિબ્રિટી કલ્ચરના સંદર્ભમાં આ કહ્યું હતું. એક જમાનામાં આપણા રોલ મોડેલ સમાજ સેવકો, નેતાઓ, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને કલાકારો. આ એવા લોકો હતા, જેમની પ્રખ્યાતિ તેમની લાંબા ગાળાની નક્કર સિદ્ધિઓ અને સમાજમાં તેમની ઉપયોગિતામાંથી આવતી હતી. જયારે ટેલિવિઝન આવ્યું, ત્યારે સેલિબ્રિટીઓનો એક એવો વર્ગ પેદા થયો, જે લોકોનું મનોરંજન કરીને પ્રખ્યાત થતો હતો. આ ટૂંકા ગાળાની પ્રખ્યાતિ હતી અને તેના માટે લોકો કોઈ પણ હદે જવા તૈયાર હતા.
એન્ડી વોર્હોલે તો ટેલિવિઝનના સંદર્ભમાં આ કહ્યું હતું પરંતુ આજે સોશ્યલ મીડિયાના જમાનામાં તેની ભવિષ્યવાણી તેના ધાર્યા કરતાં પણ સચોટ સાબિત થઇ છે. એક સમયે આપણે માત્ર ‘ફિલ્મ સ્ટાર’શબ્દ જ સાંભળ્યો હતો. આજે ટીવી સ્ટાર, ટિક-ટોક સ્ટાર, સોશ્યલ મીડિયા સ્ટાર, ઇન્ટરનેટ સ્ટાર એવી સેલિબ્રિટીઓ આવી ગઈ છે. આવી ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’શું-શું કરાવે છે તેનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના એક ડૉક્ટર અરવિંદ અકેલાએ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેમના જાનને જોખમ છે તેવો નકલી કેસ ઊભો કર્યો હતો. 9 સપ્ટેમ્બરે ડૉકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને વિદેશી નંબરો પરથી વોટ્સએપ પર કોલ આવે છે અને ધમકી આપવામાં આવે છે કે હિંદુ સંગઠનોને મદદ કરવા બદલ તેમનું ‘સર તન સે જુદા’કરી દેવામાં આવશે.
દેશમાં પાછલા ઘણા સમયથી આ ‘સર તન સે જુદા’ નારો ઘણો પ્રચલિત થયો છે. ડૉકટરે તેની ફરિયાદમાં એનો ઉલ્લેખ કર્યો તે સૂચક છે. 2011માં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરની પાકિસ્તાનના બદનામ અને વિવાદાસ્પદ ઈશનિંદા (બ્લાસફેમી) કાનૂનની ટીકા કરવા બદલ તેમના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. એ હત્યાથી પાકિસ્તાનમાં રાજનીતિક ધરતીકંપ થયો હતો. તે વખતે ખાદિમ હુસેન રિઝવી નામનો એક મૌલાના બહુ ચર્ચામાં આવ્યો હતો.
તેણે હત્યારા બોડીગાર્ડ મુમતાઝ કાદરીના સમર્થનમાં લોકોને ભેગા કર્યા હતા અને એમાં એક નારો લોકપ્રિય કર્યો હતો: ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા સર તન સે જુદા, સર તન સે જુદા- યાની પૈગંબર મોહમ્મદ સાહેબ (રસૂલ)નું જે અપમાન કરશે, તેનું માથું ધડથી અલગ કરવામાં આવશે.પાકિસ્તાનના કટ્ટરવાદીઓનો આ નારો, ભારતમાં BJPની સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદ પછી પ્રચલિત થયો હતો. નૂપુરના વિરોધમાં આયોજિત સભાઓ સહિત છૂટક મામલાઓમાં પણ ‘સર તન સે જુદા’ના નારા બોલાયા હોય તેવી પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. ત્યાં સુધી કે પતંજલિ પ્રોડક્ટ્સવાળા બાબા રામદેવે પણ તેમની સામેના પ્રચાર માટે આરોપ મૂક્યો હતો કે દેશની ‘સર તન સે જુદા ગેંગ’ તેમનાથી નારાજ છે.
ગાઝિયાબાદવાળા ડૉકટરે પણ જેતે વખતે પોલીસને કહ્યું હતું કે તેમને અમેરિકાથી ફોન આવ્યો હતો અને હિંદુ સંગઠનોનાં નામ લઈને કહ્યું હતું કે તું તેમને મદદ કરવાનું બંધ નહીં કરે તો ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા. જેતે વખતે આ સમાચારે બહુ સનસનાટી મચાવી હતી કારણ કે ધમકી આપવાવાળાએ એવું પણ કહ્યું હતું કે તેને મોદી કે યોગી પણ બચાવી નહીં શકે. સોશ્યલ મીડિયામાં આ ‘ધમકી’ને લઈને બહુ ચર્ચાઓ અને આરોપ-પ્રતિઆરોપ થયા હતા.
એવું પણ કહેવાયું હતું કે કટ્ટરવાદીઓ દેશમાં બેફામ થઇ ગયા છે અને કોઈને ડર નથી. ગાઝિયાબાદ પોલીસે આ કેસની તપાસ કરીને હવે ખુલાસો કર્યો છે કે ડૉકટરે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં તેના જ એક દર્દી પાસે ફોન કરાવીને તેને ધમકીમાં ખપાવી દીધો હતો. અનીશ મહતો નામનો આ દર્દી ડૉકટરને ઘણા સમયથી જાણતો હતો. તે ITમાં કામ કરતો હોવાથી ડૉકટર તેને વિદેશી નંબરો પરથી કોલ કેવી રીતે થાય તે પૂછ્યું હતું. તે પછી અનીશ પાસે જ વોટ્સએપ પર કોલ કરાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવીને મીડિયામાં સમાચાર ફેલાવી દીધા હતા કે હિંદુ હોવાના કારણે તેને ધમકી મળી રહી છે.
પોલીસે તેની સામે નકલી ધમકી બદલ કાર્યવાહી શરૂ કરી છે પરંતુ એક વાત પાકી છે કે ડૉ. અરવિંદ વત્સ અકેલા પ્રખ્યાત તો થઇ ગયો છે. એન્ડી વોર્હોલે જે વાત કરી હતી, તેવી જ વાત મુસ્તફા ખાં શેફતા નામના શાયરે તેમના એક મશહૂર શેરમાં કહી હતી:
હમ તાલિબ-એ-શોહરત હૈં
હમેં નંગ સે ક્યા કામ
બદનામ અગર હોંગે તો
ક્યા નામ ન હોગા
(અમે તો પ્રખ્યાતિના ભૂખ્યા છીએ, અમને શરમની જરૂર નથી…બદનામ થઇશું તો પણ નામ તો થશે ને)
ડૉકટરનો આ કિસ્સો જો કે માત્ર ‘સસ્તી લોકપ્રિયતા’ પૂરતો મર્યાદિત નથી. આ કિસ્સો મેન્યુફેક્ચર્ડ હેટ એટલે કે કૃત્રિમ નફરત ઊભી કરવાનો પણ છે. આ મુદ્દો વધુ ગંભીર છે. એન્ડી વોર્હોલે ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’ની વાત કરી હતી, ત્યારે તેના મનમાં સર્જનાત્મકતાનો ખ્યાલ હતો. તેને હતું કે મીડિયાનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તે જોતાં કોઈ પણ માણસ તેની આવડતના જોરે પ્રખ્યાત થઇ શકશે પણ ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ અને પ્રભાવ એટલો નિર્દોષ નથી. સમાજના અમુક વર્ગમાં મુસલમાનો વિરુદ્ધ નફરતની લાગણી છે તેનો લાભ લઇને કોઈ વ્યક્તિ ‘પ્રખ્યાત’ થવાની સાજીશ રચે, તેમાં નુકસાન એ છે કે મુસલમાનો માટેની નફરતને બળ મળે છે. ડૉકટરે જયારે આ ફરિયાદ કરી હતી તે પછી તે TV ચેનલોની ડિબેટમાં પણ ‘મહેમાન’ બન્યો હતો અને દેશમાં કેવો હિંદુવિરોધી માહોલ છે તેના દાખલા-દલીલો પેશ કરી હતી. હવે જયારે તેની ફરિયાદ નકલી સાબિત થઇ છે, તો ચેનલો તેને પાછો બોલાવીને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે? એ ભરપાઈ થઇ શકે તેમ છે?