Gujarat

પોન્ઝી સ્કીમના ગફલાબાજોને જેલ હવાલે કરવા કોંગ્રેસ સરકારમાં આવશે તો કાયદો લાગુ કરશે

અમદાવાદ : પોન્ઝી સ્કીમ-ચિટ ફંડમાં (Ponzi Scheme-Chit Fund) નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુનેગારોને જેલ (Jail) હવાલે કરવા ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસની (Congress) સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે કાયદો લાગુ કરીને જે રીતે પીડિતોને ન્યાય આપવાની શરૂઆત કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ અમલ કરાવશે, તેવું પ્રદેશ કોગ્રેસના મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં ૧૦,૦૦૦ કરોડથી વધુના પોન્ઝી અને ચિટફંડના કૌભાંડો અંગે ભાજપ સરકાર કેમ મૌન છે. પોન્ઝી સ્કીમમાં લાખો કરોડો રૂપિયા ગુમાવનાર પીડિતોની ગુજરાતમાં લાખોની સંખ્યા છે. અંદાજે 10000 કરોડ રૂપિયાની રકમના છેતરપિંડીના ગુનાઓમાં પીડીતોને એક પણ રૂપિયો પરત મળતો નથી. એજન્ટો નહીં પરંતુ મુખ્ય ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલાશે. પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધારોની મિલકત જપ્ત કરીને પીડિતોને બેંક ખાતામાં રૂપિયા પરત અપાશે. કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે એ પછી મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ એસ.આઈ.ટી.ની રચના કરશે.

દેશભરમાં થયેલા પોન્ઝી અને ચિટફંડના કૌભાંડોથી ગુજરાતના હજારો બેરોજગાર યુવાનો જેમને આ કંપનીઓ અને સરકારની નિષ્ફળતાએ જાળમાં ફસાવ્યા હતા તેમને બચાવવા તપાસ એજન્સીએ સખત પગલા ભરવા જોઈએ. વાસ્તવિકતા જોઈએ તો ગુજરાત પોલીસ પણ ઘણા કિસ્સાઓમાં મોટા કૌભાંડીઓને પકડવાની જગ્યાએ સામાન્ય એજન્ટોને પકડી ધમકાવી ખોટી દિશામાં કામગીરી કરે છે. સંપતિ એજન્ટો પાસે નથી હોતી તે કરોડોના કૌભાંડ કરનારા માલિકો પાસે છે તો તેવા લોકોને પકડવાની જગ્યાએ સામાન્ય એજન્ટોને ફસાવી ન્યાય કેવી રીતે મળી શકે? સરકારની અયોગ્ય તપાસ અને કૌભાંડીઓને છાવરવાની નીતિ જેના કારણે જરૂરી તપાસ થતી નથી. ગુજરાત પોલીસ ૩૫૦ કરોડ થી વધુની વિવિધ કંપનીઓની સંપતિઓ જપ્ત કરી હોવાની વિગતો મળે છે. તેમ છતાં લાખો પીડિતો દાવા રજૂ કરી ચૂક્યા છતાં સરકારની નિષ્ફળતા અને સંવેદનશીલતા ના હોવાના પરિણામ નાગરિકોને તેમની બચત આજ સુધી પરત મળી રહી નથી.

Most Popular

To Top