સુરત: આજે વિશ્વ અલ્ઝાઇમર દિવસ (World Alzheimer’s Day) નિમિત્તે વિશ્વમાં આ રોગથી બચી શકાય એ માટે હોસ્પિટલોમાં તેમજ વિવિધ એનજીઓ દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગમાં એક વિશેષ કેમ્પનું અલ્ઝાઇમર ડે નિમિત્તે આયોજન કરાયું છે, જ્યાં 50 વર્ષથી વધુની ઉંમરના દર્દીઓનું નિદાન અને માર્ગદર્શન અપાશે. માણસ જન્મે ત્યારબાદ જ્યારે સમજશક્તિ કેળવાય ત્યારે તેના જીવનમાં બનેલી સારી નરસી ઘટનાઓ યાદ સ્વરૂપે રહી જતી હોય છે.
જો કે, જીવનકાળ દરમિયાન કેટલીક સારી યાદો પણ કેટલીક વખત વ્યક્તિ અલ્ઝાઇમર જેવી બીમારીને કારણે ભૂલી જતો હોય છે. જેને કારણે તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર સીધી અસર પહોંચતી હોય છે. સારી યાદોને વાગોળી તેમજ યાદ કરીને વ્યક્તિ પ્રસન્ન રહી શકે છે. જો કે, અલ્ઝાઇમરને કારણે અમુક ઉંમરે વ્યક્તિ તાજી યાદોને પણ ભૂલી જતો હોય છે. યાદશક્તિ ઘટવાને કારણે કોઇપણ વાતો યાદ રહેતી નથી. જેથી અલ્ઝાઇમરનો શિકાર બનેલી આવી વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર અને ગુસ્સાવાળો બનવા લાગે છે. જેને અલ્ઝાઇમર્સ-ડિમેન્શિયા કહેવાય છે. આ બીમારીથી બચવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઇમર્સ-ડિમેન્શિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બીમારી 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. અલ્ઝાઇમર્સ મગજમાં થતી નર્વસેલ્સની વચ્ચે થતા કનેક્શનને નબળું બનાવી દે છે. જેથી વ્યક્તિની યાદશક્તિ ઘટવા લાગે છે.
અલ્ઝાઇમરનાં મુખ્ય લક્ષણો
- યાદશક્તિ ઘટવા લાગવી
- થોડા સમય પહેલાની ઘટનાઓ ભૂલી જવી
- આપણને રોજિંદા મળતા લોકોને ભૂલી જવા
- નામ અને અમુક વસ્તુઓ ભૂલી જવી
- અંતે ઘરનું રહેઠાણ પણ ભૂલી જવું
- અલ્ઝાઇમરથી ગુસ્સો, સ્વભાવ ચીઢિયો થઇ જાય છે
અલ્ઝાઇમરને કઇ રીતે અટકાવી શકાય
- વ્યાયામ કરવાથી અલ્ઝાઇમરથી રાહત રહે છે
- મગજને નવાં કામોમાં પ્રવર્તીત કરવું
- નવી વસ્તુઓ શીખવા માટે પ્રયત્નશીલ રહેવું
- આ બીમારી વારસાગત પણ જોવા મળે છે
નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગમાં કેમ્પનું આયોજન
નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક વિભાગમાં આવેલ ઓપીડી નંબર-13માં બુધવારે વિશ્વ અલ્ઝાઇમર દિવસ નિમિત્તે સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં 50 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓને યાદશક્તિ ઓછી થવાની તકલીફ હોય તો તેઓ નિદાન કરાવી શકશે. આ રોગથી બચવા તબીબો સહિતનો સ્ટાફ જરૂરી માર્ગદર્શન લોકોને આપશે. આ કેમ્પમાં ડો.કમલેશ દવે, ડો.ઋતુંભરા મહેતા, ડો.પૂજા શબ્દલ સહિતનો સ્ટાફ, સિનિયર રેસિડેન્ટ અને રેસિડેન્ટ ડોક્ટરો હાજર રહેશે.