સુરત: વેસુના (Vesu) સિદ્ધી વિનાયક મંદિર પાસે આવેલી રેસિડેન્સીમાં રહેતા અને કન્સ્ટ્રક્શન કંપનીના મેનેજર પત્ની સાથે વાપી (Vapi) તેમના પિતાની શ્રાદ્ધ વિધિ કરવા માટે ગયા હતા. ત્યારે બંધ ફ્લેટને ટાર્ગેટ કરી તસ્કરોએ સોનાના સિક્કા અને ચાંદીના દાગીના મળી 1.30 લાખની ચોરી (Stealing) કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુના સિદ્ધિ વિનાયક મંદિરની સામે શ્રેયસ રેસિડન્સીના ફ્લેટ નં. 403માં રહેતા 53 વર્ષીય ભૂપેન ચુનીલાલ પંચાલ કન્સ્ટ્રક્શન કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની અમી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. ગત 11 સપ્ટેમ્બરે તેઓ પિતાનું શ્રાદ્ધ હોવાથી વાપી ગયા હતા. જ્યાં અમી રોકાઇ ગઇ હતી અને ભૂપેન 14 સપ્ટેમ્બરે પરત ઘરે આવ્યા હતા. દરવાજો ખોલીને અંદર આવ્યા ત્યારે રસોડા નજીક પૂજાખંડમાં મુકેલો કબાટ તૂટેલી હાલતમાં હતો અને સામાન પણ વેરવિખેર હતો. આ જોઈને ભૂપેન ભાઈને ચોરી થયાની શંકા ગઈ હતી. જેથી તુરંત જ ઘરનો સામાન ચેક કરતા બાર વર્ષ જૂના ચાંદીના 12 સિક્કા, ચાંદીના ફુલ, ચાંદીની ગણપતિની મૂર્તિ, ત્રીસ વર્ષ જૂના સોનાના 10 ગ્રામ વજનના સિક્કા, સોનાની પોકેટ વોચ, બુટ્ટી વિગેરે મળી કુલ રૂ. 1.30 લાખની મત્તા ગાયબ હતી. તેમને આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સિટી લાઈટમાં કાપડ વેપારીના ઘરમાં સોનાના ડાયમંડ જડિત દાગીના મળી 21 લાખની ચોરી
સુરત: સિટી લાઈટ ખાતે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારીના ઘરમાંથી મંગળવારે તસ્કરોએ હોલની બારીની સ્લાઈનું લોક તોડીને ફ્લેટમાં પ્રવેશી સોનાની હીરાજડિત દાગીના મળી કુલ 21.07 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સિટી લાઈટ ખાતે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહ મહિધરપુરામાં કાપડ અને લેસપટ્ટીનો વેપાર કરે છે. ગત તા.19 સપ્ટેમ્બરે સાંજે પ્રિયાંકભાઈ તેમની પત્ની સાથે સાસરે ગયા હતા. રાત્રે તેઓ ઘરે આવીને તેમના ગેસ્ટ રૂમમાં સૂઈ ગયા હતા.
બીજા દિવસે સવારે 6 વાગે પ્રિયાંકભાઈ જાગીને તેમના હોલમાં આવ્યા હતા. જ્યાં સોફા પર જ્વેલરીનાં બોક્સ ખુલ્લી હાલતમાં પડેલાં હતાં. તેમના ફ્લેટના માસ્ટર બેડરૂમમાં કબાટમાં મૂકેલાં આ બોક્સ જોઈને તેઓ ચોંકી ગયા હતા. હોલની કાટની બારીની સ્લાઈડનું લોક તૂટેલું હતું. બાદ તેમને રૂમમાં જઈ જોતાં સોનાની ડાયમંડની વીંટી, બંગડીઓ, બુટ્ટી, સોનાનાં પેન્ડલ, બ્રેસલેટ, ચેઈન મળી કુલ 328.15 ગ્રામ સોનાના દાગીના ડાયમંડ જડિત જેની કિંમત 21.07 લાખની મત્તાની વસ્તુઓ ગાયબ હતી. એ જોઈ પ્રિયાંકભાઈએ તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.