કેમ તમારું મોઢું ફાટેલા કોથરા જેવું થેઈ ગીયું અચાનક?’ રૂપાએ મને જોતા પૂછ્યું. મેં કોઈ જવાબ ન આપ્યો. રૂપા પાછા જવા વળતા બોલી. ‘જે ઓય તે, મારા ઢગલો કામ બાકી છે…’ અને પોતાના સ્ટોલ તરફ ચાલી ગઈ. હકીકત એ હતી કે એની વાત સાંભળી ફક્ત હું જ નહીં પણ હવાલદાર શિંદે અને લૈલા પણ ચકરાઈ ગયા હતા. રૂપાના ગયા બાદ શિંદે કંઈક બોલવા જતો હતો પણ એને અટકાવતા મેં કહ્યું. ‘નહીં, કોઈ સવાલ નહીં, અભી કોઈ કુછ મત પૂછના.’ શિંદે અને લૈલા ચૂપચાપ બાંકડા પર બેસી ગયા. મેં એમને ચા આપી અને હું પણ એમની સાથે ચા પીવા માંડ્યો. ત્રણેએ ચૂપચાપ ચા પીધી. રૂપાએ શું કહ્યું અને એ વાતથી શું વીજળી પડી એનાથી અજાણ વાચકો માટે ટૂંકમાં ફ્લેશ બેક : થોડા દિવસ અગાઉ મને એવું લાગ્યું કે બાજુમાં વડાંપાંઉનો સ્ટોલ ચલાવતી રૂપા મને પોતાની જોડે 1942ના સમયમાં લઇ ગઈ હતી અને અમે ગાંધીજીને મળવાના હતા.
ન મળી શક્યા. ખેર. પાછા આજના સમયમાં આવી ગયા. પણ શું આમ સમયમાં પ્રવાસ કરી શકાય? રૂપાને સમયમાં પ્રવાસ કરતા અને કરાવતા આવડે છે? આવા બધા સવાલથી હું મૂંઝાયેલો હતો અને મારા મિત્ર હવાલદાર શિંદે અને લૈલાને પણ એ જાણવાની ઉત્સુકતા હતી કે શું ખરેખર મેં અને રૂપાએ 1942ના સમયમાં ટાઈમ ટ્રાવેલ કર્યો હતો કે? પણ આમ સમયમાં પ્રવાસ કરી પાછા આવ્યા બાદ રૂપાના વહેવારમાં મને કોઈ એવી વાત ન જણાઈ કે અમે બંનેએ એવો કોઈ સમય પ્રવાસ કર્યો હોય. એટલે મને લાગ્યું કે આવો કોઈ પ્રવાસ થયો જ નથી. શિંદે અને લૈલાને પણ મેં એ જ સમજાવ્યું કે એ પ્રવાસની વાતો મારી કલ્પનાના ખેલ હશે. આવા તારણ પર હું આવ્યો ત્યારે અચાનક રૂપા મારા ચાના બાંકડે આવી અને કોઈએ ચાના પૈસા માટે ભૂલમાં આપેલા જૂના જમાનાના સિક્કાને જોઈ બોલી : ‘કેટલો જૂનો સિક્કો છે આ? છેક ગાંધીજીના સમયનો! યાદ છે તમને?’ મને યાદ કેવી રીતે હોય! સિવાય કે ગાંધીજીના સમયમાં અમે પ્રવાસ કરેલો એ મારી ભ્રમણા નહીં પણ હકીકત હોય.
પણ એ જ હકીકત હોય તો ઘણા સવાલો ઊભા થાય. એટલે જ રૂપાની વાત સાંભળી હું ડઘાઈ ગયો અને શિંદે તથા લૈલા પણ ચકરાઈ ગયા. મારા આશ્ચર્યચકિત ચહેરાને ‘ફાટેલા કોથળા’ જેવો કહીને રૂપા તો ચાલી ગઈ અને અમે ત્રણે એકબીજાના મ્હોં જોતા રહી ગયા. અમારા ત્રણેની મુંઝવણ સમાન હતી: શું ખરેખર અમે ટાઇમ ટ્રાવેલ કરી 1942ના સમયમાં ગયા હતા? ચા પતાવી ઊભા થતા લૈલાએ કહ્યું. ‘આ છોકરી સહુને રમાડી રહી છે. ઠીક છે, તમે ના પાડશો અમે તો કંઈ નહીં બોલીએ પણ તમે તો ચૂપ ન રહો!’ શિંદેએ સૂર પુરાવતા કહ્યું. ‘નાહિતર કાય! સાલા ઉલ્લુ કહીં કા! હર બાર વો છોકરી તેરા પોપટ બના કર ચલી જાતી હૈ ઔર તુ શતુરમુર્ગ કી માફિક અપના સર જમીન મેં ગાડ દેતા હૈ. આદમી હૈ કી મુર્ગા?’
લૈલાએ કહ્યું. ‘શિંદે ભાઈ! કિતને પક્ષીઓ કે નામ લોગે! ચાલો અબ.’અને એ બંને ચાલ્યા ગયા. એમની અકળામણ હું સમજી શકતો હતો. એ બન્નેને એ જાણવાની પણ ખૂબ તાલાવેલી હતી કે રૂપા અને હું એકબીજાને ચાહીએ છીએ એવું ક્યારે જાહેર કરીએ! ખેર. ભલે શિંદેએ ગુસ્સામાં કહ્યું હોય પણ મારે રૂપા જોડે અમુક ચોખવટ કરવી જ રહી. જમણા હાથમાં ફરી સણકો ઊપડ્યો. રૂપા સાથે 1942ના સમયમાં હું ગયેલો ત્યારે અંગ્રેજ સિપાહીએ મને ‘ભારત છોડો’ આંદોલનવાળો સમજીને ડંડો મારેલો એ હજી ક્યારેક દુખી આવતું. એ હાથ પસવારતા મેં વિચાર્યું : ટાઈમ ટ્રાવેલ કલ્પના હશે પણ આ સણકો ઊઠે છે એ તો સાચો છે!
***
સાંજે સાતેક વાગ્યે 500ની નોટના છુટ્ટા લેવા આવેલી રૂપાને મેં કહ્યું. ‘થોડી ફુરસદ હોય ત્યારે આવજો, થોડી વાત કરવી છે.’ ‘બોલોની હું વાત છે? અમણે ફુરસદ જ છે…’ બાંકડા પર બેસી જતા રૂપા બોલી. ટાઈમ ટ્રાવેલવાળી વાત કઈ રીતે પૂછવું એ વિચારતા મેં કહ્યું. ‘મને એવું લાગે છે કે કોઈને ખબર ન પડે એ રીતે તમે અને હું-’ ‘ફટાફટ બીસ ચાય સ્પેશ્યલ દેના રે બાબા, પુરા પલટન આયા હૈ. આજ રોડ પેટ્રોલિંગ હૈ.વો દેખ ગાડી.’ અચાનક ધસી આવી શિંદેએ કહ્યું અને થોડે દૂર ઊભેલી પોલીસવાન બતાવી. મેં રૂપા સામે જોયું. ઊભા થઇ જતા એ બોલી. ‘મને ફુરસદ છે પણ તમને જ ટાઈમ નથી. હું કરી કાયઢુ તમે ને મેં? વાત અધૂરી રેઇ ગેઇ પણ બો જોરદાર વાત અહે એવું લાગતું છે’ અને ચાલી ગઈ. મેં સમસમીને પોલીસ પલટન માટે ચા મૂકી અને શિંદેને કહ્યું. ‘ક્યા તેરા ભી ટાઇમીંગ હૈ! મુદ્દે કી બાત શુરુ હોને સે પહેલે હી ટપક પડા.’
‘ચલ ચૂપચાપ ચાય બના.’ શિંદેએ કહ્યું. ‘તુને પૂછા ઔર ઉસને બોલ દિયા -ઇતના સિમ્પલ યે મામલા નહીં હૈ.’ ચાનો ઓર્ડર પતાવી હું વિચારતો હતો કે રૂપાને શું પૂછ્યું હોત એવામાં એ ફરી આવી અને કહેવા માંડી. ‘તમે ને મેં હું કઈરું! મને ચેન ની પઇડુ એટલે પાછી આવી, બોલો બોલો, હું વાત છે?’ ‘આજે તમે એક જૂનો સિક્કો જોઈ બોલ્યા કે આ ગાંધીજીના જમાનાનો સિક્કો છે અને પૂછ્યું કે મને યાદ છે કે?’ ‘હં, તો?’ ‘એ સિક્કો જોઈ મને યાદ આવે એવું શું છે?’ ‘સિક્કો પોતે વરી! આ તે કોઈ સવાલ છે? મને તો એ સિક્કો જોઈ જૂનો જમાનો યાદ આવી ગીયો. તમને ની આઈવો?’ ‘બસ એટલું જ?’ ‘તો બીજું હું?’ ‘કોઈને ખબર ન પડે એ રીતે આપણે બંને ક્યાંય ગયા હતા?’ મેં સીધું જ પૂછી લીધું. રૂપા મને તાકી રહી પછી પૂછ્યું. ‘કોઈને ખબર ની પડે એ રીતે? આપણને તો ખબર પડે ને? કે આપણે હો ની જાણતા ઓય?’
મેં એની સામે જોયું. એ મજાક કરી રહી હતી? એના ચહેરા પર જિજ્ઞાસા સિવાય કશું ન દેખાયું. મેં કહ્યું. ‘હાસ્તો આપણને તો ખબર હોય જ ને!’ ‘ખબર ઓય તો પૂછવું કેમ પઇડુ?’ રૂપાએ ગુગલી બોલ નાખ્યો. મેં કહ્યું. ‘મને લાગે છે કે આપણે ક્યાંક પ્રવાસ કર્યો હતો. પણ સમજાતું નથી કે એ સપનું હતું કે ખરેખર.’ ‘સપનું જ ઓહે, મને તો એવું કંઈ યાદ નથી.’ તૂટેલો દાંત દેખાડતા સ્મિત સાથે રૂપાએ કહ્યું. હું જોઈ રહ્યો. કાં તો એ સાચું બોલતી હતી કાં એણે સાચું ન બોલવાનું નક્કી કર્યું હતું. ‘બસ આટલી જ વાત ઉતી કે?’ વાતો તો ઘણી પૂછવી હતી પણ જવાબ સાચા મળે એની ખાતરી ન હતી પણ મેં જુગાર ખેલવાનું નક્કી કર્યું. ‘તમે સુરતથી મુંબઈ કોઈને શોધવા આવેલા ને?’ ‘હા. કેમ?’ ‘તો એમને શોધવા તમે પ્રયત્ન કર્યો?’
‘તેને હોધતા હોધતા કોઈ બીજું મલી ગીયું ઓય એમ ની બને કે?’ હું ચમક્યો. રૂપા રમત રમતી હતી? મેં કહ્યું. ‘તમે વાત ઉડાવી રહ્યા છો. કોઈ માણસને તમે એટલો પ્રેમ કરો કે ઘરવાળાઓની વિરુદ્ધ જઈ, પોતાનું શહેર છોડી બીજા શહેરમાં વસી જાઓ અને પછી એ માણસને ભૂલી જાઓ?’ ‘એ તો મનની વાત છે એમાં કોઈનું જોર ચાલે કે?’ ‘ઠીક, તો તમને કોઈ બીજો પ્રેમી મળી ગયો એમ?’ ‘એ વાત તો અમારા બે વચ્ચેની જ કહેવાય, કોઈ તીજાને હું કામ કરવાની?’ રૂપા દરેક સવાલને ઉડાવી રહી હતી.આગળ વધુ પૂછવાનો મને અર્થ ન લાગ્યો.મને ફરી હાથમાં સણકો ઊપડતા ઉંહકારો ભરતા મેં હાથ પસવાર્યો એ જોઈ ચા પી રહેલા એક કાકાએ પૂછ્યું. ‘શું થયું હાથમાં?’
‘કંઈ નહીં.’ મેં વાત ટૂંકાવી. ‘અમસ્તું થોડી દુખે?’કાકાએ વાત ન મૂકી. મેં ચોક્કસ કોઈ અર્થ ન નીકળે એવું સ્મિત કર્યું. ‘શું વાત છે કંઈ ખાનગી મામલો છે?’ કાકાની ઉત્સુકતા પૂરી જ નહોતી થઇ રહી. રૂપા આ સાંભળી છંછેડાઈ જઈ કાકાને કહેવા માંડી. ‘હું કાકા તમે હો બાલની ખાલ કાઢે? હુતા હુતા પડખું દબાઈ જાય તો હો હાથમાં દુખાવો થેઈ આવે. આઝાદીની લડાઈમાં લડતા લડતા અંગ્રેજ પોલીસે તો ની જ માઇરુ ઓય ને?’ આ સાંભળી કાકા મોટેથી હસી પડ્યા. હું રૂપાને આઘાત સાથે જોઈ રહ્યો. રૂપા મારી સામે જોઈ બોલી. ‘ની તો હું, પૂછી પૂછીને પૂછડું કાઢ્યા કરે! હાથમાં બો દુખતું છે કે?’ હું જવાબ ન આપી શક્યો. રૂપાએ આઝાદીની લડાઈનો ઉલ્લેખ કેમ કર્યો હશે? એ મને ભરમાવી રહી છે? ઉલ્લુની જેમ હું પોપટ બન્યા કરું છું? શિંદેના આરોપ પ્રમાણે હું શાહમૃગ ન બની સમડીની જેમ ઊંચાઈથી વાત સમજવા પ્રયત્ન કરું ત્યારે મારું ઉડ્ડયન કાપીને રૂપા મને નાનકડા કૂદકા મારતા મરઘા જેવી હાલતમાં મૂકી દેતી હતી અને પછી અચાનક આવો કોઈનો બોલ ફેંકતી હતી! રૂપા લાજવાબ છે, સાવ જુદા અર્થમાં.