ગોવા: એક તરફ કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા કરી રહી છે. ત્યારે ગોવામાં કોંગ્રેસમાં મોટા ભાગલા પડી રહ્યા છે. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા 11માંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી છે. આ 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. જે ધારાસભ્યો ભાજપ સાથે જોડાયેલા છે તેમાં પૂર્વ સીએમ અને મડગાંવ વિધાનસભા સીટના કોંગ્રેસના ધારાસભ્ય દિગંબર કામત, કાલાંગુટ સીટના કોંગ્રેસના ધારાસભ્ય માઈકલ લોબો, તેમની પત્ની અને અંજુના સીટના ધારાસભ્ય દિલાઈલા લોબો, ધારાસભ્યો કેદાર નાઈક અને રાજેશ ફાલદેસાઈનો સમાવેશ થાય છે. વિપક્ષના નેતા માઈકલ લોબોએ આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં ભેળવી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી આ ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા.
આ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી
દિગંબર કામત, માઈકલ લોબો, ડી લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાયક, સંકલ્પ અમોનકર, એલેક્સો સિક્વેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિસ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યોમાં સામેલ છે. આ તમામ ધારાસભ્યો સીએમ પ્રમોદ સાવંતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે સીએમ સાવંતે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે, પરંતુ ‘કોંગ્રેસ છોડો’ યાત્રા ગોવાથી શરૂ થઈ છે.
ભાજપ આજે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે
મળતી માહિતી મુજબ, આજે સાંજે સીએમ પ્રમોદ સાવંત અને ગોવા બીજેપી અધ્યક્ષ સદાનંદ તાવનાડે આઠ ધારાસભ્યોને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. 11માંથી 8 ધારાસભ્યોના વિદાય પછી, ગોવા કોંગ્રેસ પાસે ફક્ત 3 ધારાસભ્યો જ બચશે, જેના કારણે બળવાખોરો પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં અને તેઓ ભાજપ પક્ષમાં ભળી શકશે. તેમાંથી કેટલાકને મંત્રી બનાવવામાં આવી શકે છે.
કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ ધારાસભ્યો
40 બેઠકોવાળી ગોવા વિધાનસભામાં ભાજપના 20 ધારાસભ્યો હતા. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો રહી છે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે.
વિધાનસભામાં પ્રસ્તાવ મુકાયો
આ સાથે જ ગોવા કોંગ્રેસ વિધાનમંડળ પાર્ટીએ વિધાનસભાની અંદર ભાજપમાં વિલીનીકરણનો ઠરાવ પસાર કર્યો હતો. વિપક્ષના નેતા માઈકલ લોબોએ અન્ય સાત ધારાસભ્યોની હાજરીમાં પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય દિગંબર કામતે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. નોંધનીય છે કે 2019માં પણ ભાજપે કોંગ્રેસને આવો જ ફટકો આપ્યો હતો. જુલાઈ 2019માં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.