SURAT

EWS આવાસમાં એક જ ફ્લેટ બેને વેચાણ કરાર કરી છેતરપિંડી

સુરત : ઉમરા ખાતે આવેલા ઇડબલ્યુએસ (EWS) આવાસનો એક જ ફ્લેટ (Flat) બે જણાને વેચાણ કરાર કરી આપી તેમની પાસેથી 6.22 લાખ રૂપિયા લઈ લેવાયા હતા. પરંતુ બાદમાં પૈસા પણ પરત નહી કરી ફ્લેટનો કબજો પણ નહી આપતા ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ડુમસ ગામ ખાતે સુમન સ્વેત એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય કમલનયન શ્રીગણેશ પાસવાને ઉમરા પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુનીબેન ભુપતભાઇ બાંભણીયા (રહે-મકાન નં-૨૨ પનાસ ગામ ખેતીવાડી ફાર્મ હા.સ ઘોડદોડ રોડ) ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2019 થી ફાલ્ગુનીબેને વેસુ ખાતે સુમન મલ્હાર આવાસમાં પોતાની માલિકીનો ફ્લેટ નં. ૨૦૧ બતાવી 7.40 લાખમાં સોદો નક્કી કર્યો હતો. અને કમલનયન પાસેથી 1.22 લાખ ચેકથી તેમજ યુ.પી.આઇથી મેળવ્યા હતા. અને મકાનનો જનરલ પાવર કરાર તથા મકાનનો બાનાખત કરી આપ્યો હતો. પરંતુ ફ્લેટનો કબજો આપ્યો નહોતો. કબજો કે રૂપિયા પણ નહીં આપ્યા હતા. રૂપિયા પરત માંગતા એસ.બી.આઇ બેન્ક એકાઉન્ટના 1.76 લાખના ચેક લખી આપ્યા હતા. જે ચેક રિટર્ન થયા હતા. આરોપીએ વંદનાબેન નારાયણ કેદારે પાસેથી પણ આ ફ્લેટના નામે 5 લાખ મેળવ્યા હતા. અને તેમને પણ ફ્લેટનો કબજો આપ્યો નહોતો કે રૂપિયા આપ્યા નહોતા. આમ કુલ 6.22 લાખની છેતરપિંડી કરી હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

દુકાનમાં કામ કરતા યુવકે વેપારીઓના બારોબાર ઉપાડી 6 લાખની છેતરપિંડી કરી
સુરત : ઉધના મગદલ્લા રોડ પર કુર્તી, સાડી અને ડ્રેસનો વેપાર કરતા વેપારીના દુકાનમાં કામ કરતા કર્મચારીએ વેપારીઓના ઓર્ડરના રૂપિયા બારોબાર ખાતામાં જમા કરાવી ઉપાડી લીધા હતા. બાદમાં નોકરી છોડી ફોન બંધ કરી નાસી જતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં 6.03 લાખની ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ડિંડોલી મિલેનીયમ પાર્કમાં રહેતા 42 વર્ષીય સુમિત અભિમાન પાટીલ ઉધના મગદલ્લા રોડ પર ઇશિતા હાઉસ ફર્મના નામે કુર્તી, સાડી, ડ્રેસ મટીરીયલનો વેપાર કરે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચેનુરી સાંભારાજુ (રહે. મારૂતીનગર લિંબાયત) ની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી ચેનુરી સાંભારાજુ તેમની દુકાનમાં ટેનીકોનનું કામ કરતો હતો. તેણે સુમિતભાઈની જાણ બહાર વેપારી પાર્ટીઓને માલ મોકલી આપવા જણાવ્યું હતું. તે બાબતે વાતચીત કરી માલ મોકલ્યા પહેલા તેમની પાસેથી 5 મે 2022 થી આજદિન સુધીમાં અલગ અલગ તારીખે પોતાના ગુગલ-પે અને ફોન-પે નંબરના એકાઉન્ટ નંબર તથા અન્ય બેંક અકાઉન્ટમાં 6.03 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા. આ રૂપિયા બારોબાર ઉપાડી લઇ દુકાનેથી નોકરી છોડી, ફોન ઉપાડવાનુ બંધ કરી નાસી ગયો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top