સુરત: મહારાષ્ટ્ર (Maharastra) અને મધ્યપ્રદેશના (MadhyaPradesh) કેચમેન્ટ એરિયામાં બે દિવસ પહેલા ધોધમાર વરસાદ (Heavy Rain) પડ્યો હતો. આ વરસાદનું ધસમસતું પાણી સીધું ઉકાઈ ડેમમાં (UkaiDam) આવે છે. એક બાજુ ડેમની સપાટી તેના રૂલ લેવલ ૩૪૦ ફુટના નજીક હતી તે વચ્ચે ડેમમાં ઉપરવાસમાંથી વિરાટ જથ્થામાં પાણી આવતું હોવાથી તંત્ર સાબદુ બન્યું છે. તંત્રવાહકો દ્વારા કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું જાખમ ન લેવાની સાથે ડેમની સપાટીનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ગતરોજથી જ ડેમમાંથી તબક્કાવાર રીતે એક લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો.
- ઉપરવાસમાં સતત બીજા દિવસે ભારે વરસાદ, સુરત જિલ્લાના માંગરોળમાં બે ઈચ
- ગતરોજથી જ ડેમમાંથી તબક્કાવાર રીતે એક લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો
મંગળવારે સવારે દસ વાગ્યે ડેમની સપાટી ૩૩૯.૯૪ ફુટે નોંધાઈ હતી. જે સાંજે રૂલ લેવલને પાર કરી 340.03 ફુટે પહોંચી હતી અને ડેમમાં 1.14 લાખ ક્યુસેક પાણીની આવકની સામે સત્તાધીશો દ્વારા સપાટી મેઈનટેન કરવા માટે ડેમના ૮ ગેટ ૫ ફુટ સુધીના ખોલી ડેમમાંથી 57 હજાર ક્યુસેક પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમમાંથી સવારે 1.74 લાખ અને સાંજે 1.27 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો. આ પાણીનો આવરો આગામી કલાકોમાં ઉકાઈડેમમાં ઠલવાશે. જેથી તંત્રવાહકો દ્વારા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં વધારો કરે તો નવાઈ નહી. હાલ તંત્ર દ્વારા ઉપરવાસના વરસાદ તરફ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પ્રકાશામાંથી પણ 1.31 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું.
ટેસ્કામાં 93 મીમી, ચીકલધરામાં 85 મીમી, દેડતલાઈમાં 36 મીમી, ગોપાલખેડામાં 18 મીમી, બુરહાનપુરમાં 32 મીમી, યેરલીમાં 25 મીમી, ગીરનાડેમમાં 19 મીમીસ ધુલિયામાં 44 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત જિલ્લામાં બારડોલીમાં 3 મીમી, મહુવામાં 2, માંડવીમાં 6 અને માંગરોળમાં 51 મીમી વરસાદ નોંધાયો હતો.