ગાંધીનગર : અમદાવાદ (Ahmedabad) શહેરમાં સાયન્સ સિટી (Science City) ખાતે આયોજિત બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. જીતેન્દ્ર સિંહે સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને કારણે આ કોન્ક્લેવ એક નવી ઊંચાઈ પર પહોંચી છે. પીએમ મોદીએ સ્થાપિત કરેલી કાર્ય સંસ્કૃતિનું જ પરિણામ છે કે આ કોન્ક્લેવ નવા પરિમાણો પ્રસ્થાપિત કરશે.
તેમણે જણાવ્યું હતું કે આપણે આવી સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ દર વર્ષે જુદા જુદા રાજ્યમાં યોજીશું. દરેક રાજ્યની સાયન્સ ટેક્નોલોજીને લગતી પહેલ અને સિદ્ધિઓનું અન્ય રાજ્યો અનુકરણ કરી શકે એ માટે એક ડેશબોર્ડ તૈયાર કરીશું, આગળ જતાં તેની એપ પણ બનાવાશે. ડેશબોર્ડના માધ્યમથી કેન્દ્ર અને તમામ રાજ્યો એકબીજા સાથે સતત જોડાયેલા રહેશે.
તેમણે દરેક રાજ્યને એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરવા અનુરોધ કર્યો, જે સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્ક જાળવી રાખે. કેન્દ્રિય મંત્રીએ આ પ્રસંગે સેન્ટર સ્ટેટ સાયન્સ કાઉન્સિલ બનાવવાનો વિચાર પણ રજૂ કર્યો હતો.
રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કોન્કલેવના આયોજનથી માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર વિશ્વને એક નવી દિશા પ્રાપ્ત થશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સંશોધન એ કોઈપણ સમસ્યાના સમાધન માટે પાયો છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં વિજ્ઞાન-ટેક્નોલોજીના ક્ષેત્રમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે તેના પરિણામ સ્વરૂપ જ દેશમાં સૌથી પહેલા ‘સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્કલેવ’નું આયોજન શક્ય બન્યું છે. આ કોન્કલેવમાં ચર્ચાયેલા વિચારો સમાજના વિવિધ પડકારોને પાર કરી સર્વાંગી વિકાસને ગતિ આપવામાં આ પ્રકારના આયોજનો ખૂબ લાભદાયી બનશે.