ભરૂચ :વાલિયાના કોંઢ ગામે અન્ય તળાવમાં ગણેશ વિસર્જન (Ganesh Visarjan) બાદ ગામ તળાવ (Lake) પાસેથી ઘરે જતા મામા-ભાણેજ તળાવમાં ડૂબી ગયા હતા. જેમાંથી ભાણિયાનો મૃતદેહ (Deadbody) મળી આવતા માતમ છવાઈ ગયો હતો. જો કે મામા પાણીમાં બહાર ન આવતા તરવૈયાઓએ શોધખોળ આદરી છે.
વાલિયા તાલુકાના કોંઢ ગામની નવી નગરીમાં રહેતા સુનીલ સુરેશ વસાવા (ઉ.વ.૨૮) પોતાનો ભાણીયા રોશન વિજય વસાવા (ઉ.વ-૧૦) સાથે બોઈદ્રા ગામ નજીક આવેલા કોંઢનું તળાવમાં ગ્રામજનો સાથે ગણેશ વિસર્જન માટે ગયા હતા. જેઓ ત્યાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વેળા ગામ તળાવ પાસે પગ લપસી જતા બંને તળાવમાં ગરક થઇ ગયા હતા. જેને પગલે બંને ડૂબી ગયા હતા. રવિવારે સવારે બાળકનો મૃતદેહ ગ્રામજનોએ જોતા ગામના આગેવાનોએ વાલિયા પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાબતે અંકલેશ્વર ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી જઈને શોધવાની કામગીરી ધરી હતી. તરવૈયાઓની મદદથી લાપત્તા બનેલ મામાની શોધખોળ હાથ ધરી છે.
દમણના ખારીવાડ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી
દમણ : સંઘપ્રદેશ દમણના નાની દમણ પોલીસ હદ વિસ્તારમાં આવતા ખારીવાડના લવલી વાઈનશોપની સામે એક અજાણ્યા 50 થી 55 વર્ષના કોઈ આધેડ પુરુષ બેભાન અવસ્થામાં પડેલો હોવાની જાણકારી પોલીસને મળી હતી. પોલીસની એક ટીમ સ્થળ પર જઈ અજાણ્યા પુરુષને સારવાર અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અજાણ્યા પુરુષની લાશને મોર્જ રૂમમાં મુકવાની કાર્યવાહી કરી હતી. અજાણ્યો વ્યક્તિ જેની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ, શરીરે મધ્યમ બાંધાનો, વર્ણ શ્યામ તથા શરીરે ભૂરા અને સફેદ રંગનો શર્ટ અને કોફી કલરની પેન્ટ પહેરી હોય એના જે કોઈપણ વાલી વારસદાર હોય એમણે નાની દમણ પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવાયું છે.
નેત્રંગમાં બાઈક સ્લીપ થતાં ત્રણ પુત્રીના પિતાનું મોત
નેત્રંગ : જુના નેત્રંગ વિસ્તારના દેશમુખ ફળીયામાં રહેતા અને ટોલી ટેકટર બનાવતા કારખાનામાં કામ કરતા ત્રણ પુત્રીના પિતા રાજેશભાઇ ભાવસીંગભાઇ વસાવા પોતાની મોટર સાયકલ જીજે ૧૬ એમ ૪૭૧૮ લઇને ભક્ત હાઇસ્કુલ પાસેથી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બાઈક સ્લીપ થતાં તેઓ ૧૫ થી ૨૦ ફટ ઉંડા પાણીના કોતરમાં ખાબકતા ગંભીર ઈજા થતાં મોત થયું હતું. તેની અંતિમ યાત્રા નિકળતા મોટી સંખ્યા લોકો જોડાયા હતા.