ભારતમાં હંમેશા પેટ્રોલ અને ડિઝલના ભાવના મામલે લોકો છેતરાતા જ આવ્યા છે. પહેલા સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવનું નિયમન કરવામાં આવતું હતું. આ નિયમનને કારણે ભલે વિશ્વમાં ક્રુડ ઓઈલના ભાવો વધી જાય પરંતુ ભારતમાં લોકોને સસ્તું પેટ્રોલ અને ડિઝલ મળી શકતું હતું. જો કે તેની સામે સરકારને ભારે નુકસાન થતું હતું. સરકારે સસ્તું પેટ્રોલ અને ડિઝલ આપવા માટે મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ ગુમાવવું પડતું હતું. થોડા સમયથી સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવ પરનું નિયંત્રણ ઉઠાવી લીધું છે. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં જે રીતે પેટ્રોલ-ડિઝલના ભાવની વધઘટ થાય છે તેવી રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવ નક્કી થાય છે. પરંતુ તેમાં પણ તેલ કંપનીઓ ગરબડ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઘટે છે પરંતુ પેટ્રોલ અને ડિઝલના ભાવો તાત્કાલિક ઘટાડવામાં આવતાં નથી અને લોકો પાસેથી અબજો રૂપિયા ઉસેટી લેવાઈ રહ્યા છે.
વાત જાણે એમ છે કે, એક સમયે જૂનમાં જ ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ બેરલ 125 ડોલર પર પહોંચી ગયા હતા. આ સમયે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો આસમાને પહોંચ્યા હતા. પેટ્રોલ અને ડિઝલની સાથે સીએનજીમાં પણ મોટો ભાવ વધારો જોવા મળ્યો હતો. જો કે, જૂન બાદ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવો ઘટવા માંડ્યા છે. ભાવો ઘટતાં રહીને છેક 92 ડોલર પર પહોંચી ગયા છે. જે છેલ્લા સાત માસમાં સૌથી નીચા સ્તરે છે. સામાન્ય રીતે જ્યારે પણ ક્રુડ ઓઈલ એક ડોલર વધે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 55થી 60 પૈસાનો વધારો થાય છે.
પરંતુ હાલમાં ક્રુડ ઓઈલના ભાવો ઘટવા છતાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટ્યા નથી. સરકાર દ્વારા એવું કારણ અપાઈ રહ્યું છે કે જ્યારે ભાવો વધ્યા ત્યારે જ સરકારી કંપનીઓ દ્વારા ઓછા ભાવે પેટ્રોલ અને ડિઝલ આપવામાં આવતું હતું પરંતુ હવે જ્યારે ભાવો ઘટ્યા છે ત્યારે તેલ કંપનીઓ દ્વારા ભાવો ઘટાડવા જ જોઈએ. સરકારે 22મી મેના રોજ પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઓછી કરી હતી. તે સમયે આ ડ્યુટી ઘટવાને કારણે પેટ્રોલમાં 8 અને ડિઝલમાં 6 રૂપિયા ઘટ્યા હતા. જો કે ત્યારબાદ પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટ્યા જ નથી. જ્યારે તેની સામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો ઘણા ઘટી ગયા છે.
એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં ક્રુડ ઓઈલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ બેલર 85 ડોલર સુધી પહોંચી જવાની ધારણા છે. આ પ્રમાણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો ઘટાડો થવો જોઈએ પરંતુ જે રીતે સરકાર દ્વારા હાલમાં પણ ભાવ ઘટાડવામાં આવ્યા નથી ત્યારે 85 ડોલર થયા પછી પણ ભાવો ઘટશે કે કેમ તે માટે આશંકા છે. ભારતમાં જો લોકો લૂંટાતા હોય તો તે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જ લૂંટાય છે. ચાહે કેન્દ્ર સરકાર હોય કે જે તે રાજ્યની સરકાર, પેટ્રોલ અને ડિઝલ પર એટલા મોટા પ્રમાણમાં ડ્યુટી નાખી દેવામાં આવી છે કે લોકોને પેટ્રોલ અને ડિઝલની ખરીદી કરતાં હાથ દાઝી જાય છે. ખરેખર તો સરકારે પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં જ લાવી દેવું જોઈએ. દેશની પ્રજા કરોડો રૂપિયાનો જીએસટી ભરે છે. આ સંજોગોમાં પેટ્રોલ અને ડિઝલ પર ખર્ચેલો જીએસટી તેમને પરત મળી શકે તેમ છે અન્યથા પેટ્રોલ અને ડિઝલમાં લોકોના ખિસ્સા ખંખેરાતા જ રહેશે તે નક્કી છે.