SURAT

આગામી તા.4 નવેમ્બરથી શારજાહ-સુરત ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ ઉડશે

સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત- શારજાહ ફલાઇટને સુરતથી (Surat) મળી રહેલા સારા પ્રતિસાદને લીધે એરલાઈન્સે આ ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ બુધવાર અને રવિવારની સાથે શુક્રવારે પણ ઓપરેટ કરવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે સ્લોટની મંજૂરી માંગી હતી. આ મંજૂરી આજે મળી જતાં એરલાઈન્સે 4 નવેમ્બરથી સપ્તાહમાં 3 દિવસ બુધ, શુક્ર અને રવિવારની ટિકિટનું બુકીંગ શરૂ કર્યું હતું. કોરોના (Corona) સંક્રમણ પહેલા આ ફ્લાઈટ સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી.

સુરતથી એરલાઇન્સને 189 સીટર વિમાન સામે 176 સીટનું બમ્પર બુકિંગ છેલ્લા 3 મહિનામાં મળ્યું હતું. જેથી ઓકટોબર-2022થી માર્ચ-2023 સુધીના વિન્ટર શિડ્યુલમાં બુધવાર અને રવિવારના દિવસો યથાવત રાખી શુક્રવારના સ્લોટની માંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે કરી હતી. અત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ સપ્તાહમાં બે દિવસ બુધવારે અને રવિવારે ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેટ કરે છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુરતથી ઓપરેટ થતી આ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ સપ્તાહમાં 3 થી 4 દિવસ ઓપરેટ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઓગસ્ટ 2022માં સુરત એરપોર્ટથી 1586 પેસેન્જર શારજાહ ગયા હતાં. અને શારજાહથી 901 પેસેન્જર સુરત આવ્યા હતાં.

દુબઈમાં વેપાર ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારીઓ આ ફ્લાઇટનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. શારજાહથી વેપારીઓ ટેક્ષી કરી દુબઇ પહોંચતા હોય છે. અગાઉ એક સમયે 8,500થી 10,000 રૂપિયામાં આ ફ્લાઇટની ટિકીટ મળતી હતી. હવે સામાન્ય દિવસોમાં ટિકિટનો દર 14,000 રૂપિયા સુધી રહે છે છતાં સુરતથી સરેરાશ પ્રત્યેક ફ્લાઈટમાં 176 પેસેન્જર અવર જવર કરી રહ્યાં છે. સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક પેસેન્જર સંખ્યા ઘટી રહી છે ત્યારે છેલ્લા 3 મહિના દરમિયાન શારજાહ-સુરત ફ્લાઈટમાં પેસેન્જર સંખ્યા વધી હતી. દિવાળી વેકેશન જોતા નવેમ્બરના પ્રારંભમાં શુક્રવારની ફ્લાઈટને પણ સારો પ્રતિસાદ મળી શકે છે.

Most Popular

To Top