Gujarat

સરકારની તમામ હોસ્પિટલોમાં સિનિયર સિટીઝનને અલાયદી સુવિધાઓ અપાશે

ગાંધીનગર : રાજ્યની તમામ મેડિકલ કોલેજ (Medical Collage) સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે વયોવૃધ્ધ વ્યક્તિઓને રાજ્યની તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સન્ટરો તેમજ હોસ્પિટલોમાં ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેન્ટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે તેમજ અનેક જગ્યાએ અલાયદી ઓપીડીની વ્યવસ્થા ઉભી કરાશે.
આ ઉપરાંત અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ (૨-પથારી) આરક્ષિત રાખવામાં આવશે. આ તમામ સેવાઓ અગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે.

તેમજ જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ૨૪×૭ એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે. આ હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરિયાત ઉભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે.

Most Popular

To Top