નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) ને શુક્રવારે તેના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કલ્યાણ ચૌબેના રૂપમાં એવા પ્રમુખ (President) મળ્યા છે કે જે એક માજી ખેલાડી (Players) રહ્યા હોય. ચૌબેએ પ્રમુખ પદની ચૂંટણીમાં (Election) માજી દિગ્ગજ ફૂટબોલર બાઈચુંગ ભૂટિયાને હરાવ્યો હતો. મોહન બાગાન અને પૂર્વ બંગાળના માજી ગોલકીપર 45 વર્ષીય ચૌબેએ ભૂટિયા સામે 33-1થી જીત નોંધાવી હતી. તેમની જીત પહેલેથી જ નિશ્ચિત દેખાઈ રહી હતી, કારણ કે માજી કેપ્ટન ભૂટિયાને રાજ્ય એસોસિએશનોના પ્રતિનિધિઓ ધરાવતી 34 સભ્યોની ચૂંટણી કોલેજમાં વધુ સમર્થન મળ્યું ન હતું.
- બાઈચૂંગ ભૂટિયાને ભાજપ નેતા અને પૂર્વ બંગાળ તેમજ મોહન બગાનના માજી ગોલકીપર ચોબેએ 33-1થી હરાવ્યો
- ઉપપ્રમુખ પદે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્ય એનએ હરિસ અને ખજાનચી પદે અરૂણાચલના કિપ્પા અજય ચૂંટાયા
સિક્કિમના રહેવાસી 45 વર્ષીય ભૂટિયાને ઉમેદવારી પત્ર ભરતી વખતે, તેના રાજ્ય એસોસિએશનના પ્રતિનિધિ પણ તેના પ્રસ્તાવક કે સમર્થક બન્યા ન હતા. ભાજપના રાજકારણી ચોબે છેલ્લી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી હારી ગયા હતા, તેઓ ક્યારેય ભારતીય વરિષ્ઠ ટીમ માટે રમ્યા નહોતા, જોકે તેઓ અમુક પ્રસંગોએ ટીમનો ભાગ રહ્યા હતા. તેણે વય જૂથ ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે મોહન બાગાન અને પૂર્વ બંગાળ માટે ગોલકીપર તરીકે રમ્યો છે. ભૂટિયા અને ચૌબે એક સમયે પૂર્વ બંગાળમાં ટીમના સાથી હતા.
કર્ણાટક ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય એનએ હરિસ એકમાત્ર ઉપપ્રમુખ પદ પર જીત્યા. તેણે રાજસ્થાન ફૂટબોલ એસોસિએશનના માનવેન્દ્ર સિંહને હરાવ્યો હતો. અરુણાચલ પ્રદેશના કિપ્પા અજયે આંધ્ર પ્રદેશના ગોપાલકૃષ્ણ કોસારાજુને હરાવીને ખજાનચીનું પદ મેળવ્યું હતું. કોસારાજુએ પ્રમુખ પદ માટે ભૂટિયાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જ્યારે માનવેન્દ્રએ તેમનું સમર્થન કર્યું હતું. કારોબારીના 14 સભ્યો માટે સમાન સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.