ઓસાકા : એચએસ પ્રણોય અહીં જાપાન ઓપન (Japan Open) સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં (Badminton Tournament) શુક્રવારે ત્રણ ગેમની (Game) લડત પછી વર્લ્ડ ચેમ્પિયનશિપના (World Championship) બ્રોન્ઝ મેડલિસ્ટ ચાઈનીઝ તાઈપેઈના ચૌ ટિએન ચેન સામે હારી ગયો હતો. 30 વર્ષીય ભારતીય ખેલાડીએ અંત સુધી હારમાની નહોતી પરંતુ ચાઉ પણ નબળો પડ્યો નહોતો અને એક કલાક અને 20 મિનિટ સુધી ચાલેલી મેચમાં 21-17, 15-21, 22-20થી તેણે જીત નોંધાવી હતી. બાકીના ખેલાડીઓની વહેલી બહાર થયા બાદ ભારતની આશા પ્રણોય પર ટકી હતી. છેલ્લા ઘણા સમયથી સારો દેખાવ કરી રહેલા પ્રણોયે પહેલી ગેમ ગુમાવ્યા બાદ સારી વાપસી કરી હતી અને ત્રીજી અને નિર્ણાયક ગેમમાં અંતિમ ક્ષણો સુધી પોતાની જાતને લડતમાં જાળવી રાખી હતી.
યુએસ ઓપન : રાફેલ નડાલ નાકમાં ઇજા થવા છતાં જીતીને આગળ વધ્યો
ન્યુ યોર્ક : યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં રાફેલ નડાલે પ્રથમ સેટ ગુમાવ્યો હોવા છતાં અને આકસ્મિક રીતે તેના નાકમાં ઇજા પહોંચી હોવા છતાં મેચ જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો, આ સાથે જ બે વખતની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઇંગા સ્વીટેકે મહિલા સિંગલ્સમાં પોતાની મેચ આસાનીથી જીતી હતી. બાવીસ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નડાલે ફેબિયો ફોગનીની સામે 2-6, 6-4, 6-2, 6-1થી જીત મેળવી હતી. દરમિયાન, ચોથા સેટમાં, તેણે ભૂલથી પોતાના જ રેકેટથી પોતાના નાક પર ઇજા પહોંચાડી હતી અને તેના કારણે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
સ્વીટેકે 2017 યુએસ ઓપન વિજેતા સ્લોએન સ્ટીફન્સને બીજા રાઉન્ડમાં 6-3, 6-2થી હરાવી આ સિઝનમાં પોતાની 50મી ડબલ્યુટીએ ટૂર જીત નોંધાવી છે. મહિલા વિભાગમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ફાઇનલમાં પહોંચેલી ચાર ખેલાડીઓમાંથી હવે માત્ર છઠ્ઠી ક્રમાંકિત આર્યના સેબાલેન્કા ટુર્નામેન્ટમાં બાકી રહી છે. સેબાલેન્કાએ બીજા સેટમાં 5-1થી પાછળ રહ્યા પછી મેચમાં વાપસી કરીને કાયા કાનેપીને 2-6, 7-6, 6-4થી હરાવી હતી. ચોથી ક્રમાંકિત પાઉલા બડોસાએ ક્રોએશિયન પેટ્રા માર્ટિચ સામે 6-7, 6-1, 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેસિકા પેગુલા, ગર્બાઈન મુગુરુઝા, બેલિન્ડા બેન્સીક અને વિક્ટોરિયા અઝારેન્કાએ ગુરુવારે મહિલા વિભાગમાં જીત નોંધાવી હતી. પુરુષોમાં ત્રીજો ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝે આર્જેન્ટિનાના ફેડેરિકો કોરિયાને 6-2, 6-1, 7-5થી હરાવ્યો હતો. તેમના સિવાય કેમેરોન નોરી, આન્દ્રે રુબલેવ, યાનિક સિનર અને મારિન સિલિકે પણ પુરૂષ વિભાગમાં જીત નોંધાવી હતી પરંતુ 25મો ક્રમાંકિત બોર્ના કોરિચ હારી ગયો હતો.