સુરત: ટફ સ્કીમ (Tough scheme) 31 માર્ચથી બંધ થતાં ટેક્સટાઇલમાં (Textile) ટેક્નોલોજી અપગ્રેડેશન (Upgradation) અટકી પડ્યું હતું. માત્ર સુરતમાં 3000 કરોડની મશીનરીના ઈન્સ્ટોલેશનને બ્રેક લાગી હતી. ગયા સપ્તાહે મુંબઈમાં ટેક્સટાઇલ કમિશનરની કચેરીમાં કેન્દ્રીય ટેક્સટાઇલ કમિટીની યોજાયેલી બેઠકમાં જુદાં જુદાં રાજ્યોના પ્રતિનિધિઓએ ટેક્સટાઇલમાં ટેક્નોલોજી અપગ્રેડેશન માટે ટફ યોજના ચાલુ રાખવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. એ રજૂઆતને પગલે ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા ઉદ્યોગ માટે કોઈ નવી સ્કીમ જાહેર ન થાય ત્યાં સુધી ટફ સ્કીમ ચાલુ રાખવા કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલયને ભલામણ મોકલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ટફ માટેનું ફંડ કેન્દ્રનું નાણાં મંત્રાલય ફાળવાતું હોવાથી ટેક્સટાઇલ મંત્રાલય ટફ સ્કીમ ચાલુ રાખવા અને ફંડ ફાળવવાની દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલશે. ટેક્સટાઇલ કમિશનર રૂપરાશીએ ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રપ્રસાદ સિંહની હાજરીમાં બોલાવેલી બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, તામિલનાડુ સહિતનાં રાજ્યોનો એક સૂરે ટેક્સટાઇલ MSME માટે PLI સ્કીમ લાભકર્તા નથી એવો મત રજૂ કરવામાં આવ્યો હતો.
ટેક્સટાઇલ કમિટીની રચનાના 58મા વર્ષની ઉજવણી પ્રસંગે યોજાયેલી આ બેઠકમાં કમિટીના ચેરમેન અને કેન્દ્રના ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રપ્રસાદ સિંહ અને વાઇસ ચેરમેન એવા ટેક્સટાઇલ કમિશનર રૂપરાશિ સાથે ટેક્સટાઇલ કમિટીનાં રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ફિઆસ્વીના પ્રમુખ ભરત ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારે 31 માર્ચ-2022ના રોજ એ-ટફ સ્કીમ બંધ કરી એના વિકલ્પમાં પ્રોડક્ટ ઇનસેન્ટિવ લિંક-01 રજૂ કરી છે, જેમાં ટર્ન ઓવર પર ઇન્સેન્ટિવ સબસિડી આપવાની જોગવાઈ છે. પણ યોજનામાં મૂડીરોકાણનો સ્લેબ 100, 300 અને 600 કરોડ હોવાથી જોબવર્ક આધારિત એમએમએફ ઉદ્યોગ માટે એ શક્ય ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. પીએલઆઈ સ્કીમનું ફંડ જે વધી રહ્યું છે. એનો ઉપયોગ કરવા સરકાર પીએલઆઈ-02 યોજના લાવી રહી છે.
ટેક્સટાઇલ કમિશનર કચેરીએ ટફ અને પીએલઆઈ સ્કીમને લગતાં સૂચનો પણ મંગાવ્યાં હતાં. સુરત સહિત મોટા ભાગનાં વેપારી સંગઠનોએ નવી યોજના જાહેર થાય ત્યાં સુધી ટફ યોજના યથાવત રાખવાની માંગ કરી હતી. અને 31 માર્ચે યોજના બંધ થઈ એ પછીનો બ્લેક આઉટ પિરિયડ રદ કરવા નોટિફિકેશન બહાર પાડવા માંગ કરી હતી. એ-ટફ યોજના બંધ થઈ ગયા પછી ટીટીડીએસ સ્કીમ જાહેર કર્યા પછી અમલી બનાવવામાં નહીં આવતાં ટેક્સટાઇલમાં ટેક્નોલોજી અપગ્રેડેશન અટકી ગયું છે. એનો પડઘો ટેક્સટાઇલ કમિટીના સભ્યોએ બેઠકમાં પાડ્યો હતો.