ગાંધીનગર : ચોમાસામાં (Monsoon) રાજ્યભરમાં પજેલા ભુવા તથા શેહરી વિસ્તારોના રસ્તાઓમાં સંખ્યાબંધ ખાડા પડી જવાના કારણે જાણે કે ચંદ્રની ધરતી પર આવી ગયા હોય તેવા દ્રશ્યો મીડિયામાં (Media) જોવા મળતા હવે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થઈ નવરાત્રી પહેલા તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવા તાકિદ કરી છે. ખાસ તો ખાડાઓના કારણે શહેરીજનોમાં સરકારની કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે, જે આગળ જતાં સરકારને વિધાનસભાની ચૂંટણીમાં પણ નડે તેમ છે, આ રીતે સરકારની છબી ખરડાય તે પહેલા જ તેનો નિવેડો લાવવા આજે મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે. રાજ્ય સરાકરના અગાઉના માર્ગ – મકાન પૂર્ણેશ મોદીએ ખાડાઓની સમસ્યા માટે ‘એકટ ઓફ ગોડ’ એવું નિવેદન કરેલું હતું. એટલે કે ચોમાસાને જવાબદાર ઠેરવ્યું હતું. મોદીનું ખાતુ છીનવાઈ જવા પાછળના અનેક કારણે પૈકી ખાડારાજનું કારણ પણ મહત્વનું મનાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સરકારના બે વિભાગે માર્ગ – મકાન તથા શહેરી વિકાસ વિભાગને તાકીદ કરી છે. એટલું જ નહીં સપ્ટે.ના પ્રથમ સપ્તાહમાં કામ શરૂ કરીને નવરાત્રીમાં આ કામો પૂર્ણ કરવા તેમણે વહીવટીતંત્રને આદેશ કર્યો છે.
મુખ્યમંત્રીએ આજે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની જે જરૂરીયાત ઉભી થઇ છે, તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં માર્ગ અને મકાન રાજ્યમંત્રી જગદીશ પંચાલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, સીએમઓમાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના સચિવઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશનરો તેમજ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરઓએ પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકસાન અને મરામત માટે કરવામાં આવેલી કામગીરી તથા આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થઇ આપ્યો હતો.