Gujarat

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વધારો થયો છે : વાઘાણી

ગાંધીનગર: ગિફ્ટ સિટી, ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે ૭૫ સ્ટાર્ટઅપ્સની બાયો-ઇન્ક્યુબેટર્સ અને બાયો-સ્ટાર્ટઅપ્સ અંગેની કોન્ક્લેવ યોજાઈ હતી. આ કોન્કલેવમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતુ વાઘાણીએ સ્ટાર્ટઅપ (Startup) સાહસિકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીના કપરા કાળમાં બાયોટેકનોલૉજી ક્ષેત્રની ભૂમિકાને આપણે નજીકથી જોઈ છે. બાયોટેકનોલૉજીના મહત્વને ધ્યાને લઈ રાજ્ય સરકારે ‘બાયો ટેકનોલૉજી પોલીસી ૨૦૨૨-૨૭’ અમલમાં મૂકી છે. આવી લાભદાયી નીતિઓના કારણે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ”સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી ૨.૦” એ પ્રાઇમરીથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તમામ વિદ્યાર્થીઓ ઇનોવેશન કરી શકે તે માટે રૂ. ૨.૫૦ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર આપી રહી છે. ‘માઈન્ડ ટુ માર્કેટ’ વિચારને મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર દ્વારા નવીન એવા ભવનનું નિર્માણ કરાશે, જ્યાં ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સ ૨૪ કલાક સુધી કામ કરી શકશે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ઉદ્યોગની ધરતી તરીકે ઓળખાય છે, પહેલા આપણે આફ્રિકા જઈને વેપાર કરવો પડતો હતો, પણ આજે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ગુજરાતના ઉદ્યોગ સાહસિકો, ગુજરાતી ડાયસ્પોરા જોવા મળે છે. આજે ટેકનોલૉજી આધારિત સ્ટાર્અપ્સના કારણે આપણે વિશ્વના ખૂણે-ખૂણે પહોચ્યાં છીએ. દેશને મહામારીમાંથી બહાર કાઢવામાં બાયોટેકનોલોજીનું બહુ મોટું યોગદાન રહ્યું છે. બાયોટેકનોલોજીનું વિજ્ઞાન આપણને તમામ ક્ષેત્રના પ્રશ્નો માટે ઝડપી નિરાકરણ લાવવામાં મદદરૂપ બની રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે બાયોટેકનોજી પૉલીસી ૨૦૨૨-૨૭ હેઠળ મૂડી રોકાણ માટે ૨૦૦ કરોડની ટોચ મર્યાદા સાથે ૨૫% લેખે કેપિટલ સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ૧૫% લેખે વાર્ષિક રૂપિયા ૨૫ કરોડની મર્યાદામાં સીધી સહાય કરવાની પણ આ પોલીસીમાં જોગવાઈ છે. રૂા.૧૦૦ કરોડ સુધીની ટર્મ લોનને સહાયરૂપ થવા માટે વાર્ષિક ૭% લેખે અને રૂ. ૭ કરોડની વાર્ષિક મર્યાદામાં ૩% વ્યાજની જોગવાઈ પણ આ પોલિસીમાં કરવામાં આવી છે.

Most Popular

To Top