સાપુતારા : ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે રહેતા મદદનીશ પશુપાલન નિયામકનાં મકાનમાંથી અજાણ્યો ગઠિયો પાંચ જેટલા મોબાઈલ (Mobile) ચોરી (Stealing) જતા આહવા પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ (Dang) જિલ્લાની પોલીક્લિનિક કચેરીમાં મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ સોનિરાવભાઈ ચૌધરી તેઓનાં પરિવાર (Family) સાથે આહવાનાં પટેલપાડાનાં રહેણાક મકાનમાં રહે છે.
ગતરોજ જમી પરવારીને તેઓ ઘરમાં સુઈ ગયા હતા. તે વેળાએ ગઠિયાએ ધાબા પરનાં ખુલ્લા દરવાજામાંથી ઘરમાં પ્રવેશ કરી તેઓનાં તથા સાળા અને પત્નીનાં અલગ અલગ કંપનીનાં કુલ 22,000 હજારનાં પાંચ મોબાઈલ ચોરી ગયો છે. હાલમાં મદદનીશ પશુપાલન નિયામક દ્વારા ઘરમાંથી થયેલી મોબાઈલ ચોરી બાબતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપીમાં રાહદારીઓના મોબાઈલ ચોરતો શખ્સ ઝડપાયો
વાપી : વાપી જીઆઈડીસીના રોફેલ કોલેજ પાસે રેમન્ડ સર્કલ નજીક એક રાહદારીનો મોબાઈલ ફોન તફડાવી ભાગી છૂટેલા ચોરને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી ચોરીના બે મોબાઇલ તેમજ મોપેડનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. વાપી જીઆઇડીસીમાં રેમન્ડ સર્કલ પાસે ૨૫ ઓગસ્ટની રાત્રે એક રાહદારીનો વન પ્લસ મોબાઇલ ઝૂટવીને એક શખ્સ ભાગી છૂટ્યો હતો. વાપી જીઆઇડીસી પોલીસે તપાસ કરતા આ મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા મૂળ બિહારના હાલ દમણના ડાભેલ વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષના હર્ષ પંકજ ગુલાબટુના ઝાને અટક કરીને બે મોબાઈલ ફોન તથા મોપેડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાપી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી મહિલાનું પર્સ ચોરાયું
વાપી : વાપી રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેન નં. 12962 અપ અવન્તિકા એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. એસ-3માં સીટ નં.65,66,69 પર મુસાફરી કરી રહેલા બ્રજેશ સોભાગ્યમલ જૈન (રહે. ઈસ્ટ-થાણે મુંબઈ) તેમના પરિવાર સાથે ઈન્દોરથી મુંબઈ આવી રહ્યા હતા. તે દરમિયાન તેમની પત્નિ જ્યોતી જૈન સીટ નં.69 પર બેઠી હતી. તેનું પર્સ તેની સીટ પર રાખી બેસી હતી. દરમિયાન તેઓ ઉંઘી ગયા હતા. રાત્રે 3:45 કલાકે ઉંઘમાંથી જાગતા તેમની પત્નિ જ્યોતીનું પર્સ જોવા મળ્યું ન હતું. વાપી રેલવે સ્ટેશને પણ તપાસ કરી છતાં મળ્યું ન હતુ. જે અંગે તેમણે બોરીવલી રેલવે પોલીસ મથકે અજાણ્યા વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પર્સમાં મોબાઈલ, 7 હજાર રોકડા, 15,496ની સોનાની ચેઈન, 4800ની સોનાની બાલી, 2480નો પેન્ડલ, 2 હજારની સોનાની નાની ચેઈન, 6 હજારનો સોનાના બે ટોપ્સ, 56 હજાર સોનાની ડાયમંડવાળી ચેઈન, 50 હજારની સોનાની ડાયમંડવાળી રિંગ અને આધારકાર્ડ સાથે રૂ.1.50,276નો મુદ્દામાલ ભરેલું પર્સ ચોરાયું હતું.